August 28, 2017

ઉના પ્રતિરોધના મહાનાયક હિરાભાઈ ચાવડાની મુલાકાત

By Raju Solanki  || 27 Aug 2017


જેમના જીવન સંઘર્ષ આગળ ધીરુભાઈ અંબાણીનો સંઘર્ષ તો પિકનિક જેવો છે

ઉના-દમન પછી સુરેન્દ્રનગરમાં મરેલા ઢોર કલેક્ટર કચેરી આગળ ઠાલવીને સમગ્ર દેશના દલિત આંદોલનમાં અભૂતપૂર્વ, ઐતિહાસિક અને નિર્ણાયક ક્રાન્તિની શરૂઆત કરનારા હિરાભાઈ ચાવડાને આજે મળવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમની જીવન કથની સાંભળીને મને લાગ્યું કે તેમની આગળ ધીરૂભાઈ અંબાણી જેવા ઉદ્યોગ સાહસિકોના કહેવાતા જીવન સંઘર્ષો તો રીવરફ્રન્ટની પાળે બેસીને માણેલી પિકનિકો જેવા છે.

”હિરાભાઈ કેટલું ભણ્યા?”, તો કહે છે, ”સરકારી નિશાળમાં ગયો, પણ એકેય આંકડો ના આવડ્યો. દસ વર્ષની ઉંમરથી માંડ માંડ સાયકલ ચલાવતો, વારંવાર પડી જતો, તોય ચામડાની ફેરી કરતો, જે સમયે હાડકાના મણે (20 કિલોના) રૂપિયા પાંચ મળતા હતા જેના હવે 300 રૂપિયા થયા. ચામડાનો ભાવ સાઇઠ ગણો થયો, પરંતુ નફાનું માર્જીન ઘટી ગયું.”

“આજે હાડકામાંથી બૉન એશ બને, જે સીરામિક ઉદ્યોગમાં વપરાય. સરકાર સીરામિક ઉદ્યોગમાં પટેલોને કરોડોની લોનો આપે છે, પરંતુ ચમારને પાંચીયોય આપતી નથી. મારું વરસનું ટર્ન ઓવર લાખો રૂપિયાનું છે, તોય બેન્ક મને કરન્ટ ક્રેટિડ ફેસિલિટી આપતી નથી.”

મોદીની વાત નીકળી તો હિરાભાઈએ કહ્યું કે, “મોદી દુનિયાભરમાં ફરીને કહે છે કે ભારતે સ્લોટર હાઉસ બંધ કર્યા છે. અમારા ચામડાના વેપારીઓ કહે છે કે દુનિયાના બજારોમાં હવે ભારતના ચામડાના સોદા હવે થતા જ નથી. આમાં સૌથી મોટું નુકસાન દલિતોને થયું છે.” મોદી સરકાર દલિતોની કમર ભાંગી રહી છે, પરંતુ દેશના મોટા સ્લોટર હાઉસના માલિકો બ્રાહ્મણો છે અને ચામડાના અગ્રણી નિકાસકારો પણ બ્રાહ્મણો છે. બોલો હવે બ્રાહ્મણવાદ સે આઝાદી.

“આપણી સૌથી મોટી સમસ્યા શું છે?,” તો હિરાભાઈએ કહ્યું કે આપણા વિસ્તારોમાં સરકારે અને પોલિસે દારૂના અડ્ડાની બેફામ છૂટ આપી છે. તેઓ દલિતોને દારૂ પીવડાવીને ખતમ કરી રહ્યા છે. યુવાનોએ દારૂ છોડવો જોઇએ, નહીંતર આપણે બરબાદ થઈ જઈશું.

(દલિત એજન્ડા સમિતિના સભ્યો વિજય જાદવ, વિશાલ સોનારા તથા પ્રજ્ઞેશ લેઉવા સાથે સુરેન્દ્રનગરમાં હિરાભાઈના ઘરે)