November 02, 2019

ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમ્મ ની જ પસંદગી કેમ કરી??







૧૯૩૫ માં હિન્દૂ તરીકે નહીં મરવાની પ્રતિજ્ઞા લીધા બાદ, ૧૯૫૬ માં બાબાસાહેબ ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમમ ની જ પસંદગી જ કેમ કરી?? કેમ તેઓ ને ફક્ત બૌદ્ધ ધમ્મ અંગીકાર કરવા યોગ્ય લાગ્યો??
આ પ્રશ્ન નો જવાબ બાબાસાહેબ ડો આંબેડકર ના લેખ "બુદ્ધ ઔર ઉનકે ધમમ કા ભવિષ્ય" માંથી મળે છે..
આ લેખ કલકત્તા ની મહાબોધી સોસાયટી ના માસિક લેખ માં ૧૯૫૦ ની સાલ માં પ્રકાશિત થયો હતો, જે વોલ્યુમ ૧૭ ના ભાગ ૨ માં સંકલિત છે..
આ લેખ માં બાબાસાહેબ એ વિશ્વ ના ચાર પ્રચલિત ધર્મ બૌદ્ધ, ઈસાઈ, ઇસ્લામ અને હિન્દૂ ની તુલના કરી છે.. અને આ ચારેય ધર્મ ને વિવિધ કસોટીઓ પર તપાસ્યા છે.. અને આમાં બૌદ્ધ ધમમ એમની કસોટી પર ખરો ઉતર્યો હતો..
  • બુદ્ધ ના માનવીય રૂપ થી બાબાસાહેબ આકર્ષિત થયા હતા.. જ્યારે અન્ય ધર્મ ના સંસ્થાપકો એ પોતે ઈશ્વર, ઈશ્વર ના દૂત કે ઈશ્વર ના સંતાન હોવાની વાત કરી છે, ત્યારે બુદ્ધ એ પોતાને ફક્ત સામાન્ય માણસ ગણાવ્યા છે..
  • બુદ્ધ એ ક્યારેય મુક્તિદાતા હોવાનો દાવો નથી કર્યો.. બુદ્ધ કહે છે કે, હું મુક્તિદાતા નહીં ફક્ત માર્ગદાતા જ છું.. હું ફક્ત રસ્તો બતાવી શકું છું, પરંતુ એના પર ચાલવાનું તો તમારે પોતે જ છે.. બુદ્ધ એ પોતાના ધમમ માં એક મનુષ્ય તરીકે મુક્તિદાતા અને માર્ગદાતા નો ભેદ સ્પષ્ટ કરી ને એક માનવ ધર્મ આપ્યો..
  • બુદ્ધ નો ધમમ તર્ક અને અનુભવ પર આધારિત છે, નહીં કે વિશ્વાસ અને શ્રદ્ધા પર!! ગૌતમ બુદ્ધ એ કહ્યું છે કે, તમે કોઈ પણ વાત ને એટલા માટે ના માનશો કે એ કોઈ સાધુ, સંત કે મહાપુરુષ એ કહેલી છે.. એ વાત ને પોતાની બુદ્ધિ અને તર્ક ની કસોટી પર ચકાસો અને યોગ્ય લાગે તો જ માનો.. આમ બુદ્ધ એ પોતાના અનુયાયીઓ ને પ્રશ્ન કરવાની છૂટ આપી છે.. વધારામાં પોતાના પરિનિર્વાણ સમયે પોતાના અનુયાયીઓ ને બુદ્ધ એ કહ્યું હતું કે, "વિશેષ સમય અને સ્થિતિ પ્રમાણે જો એમની શિક્ષાઓ સટીક માલુમ ના થાય તો તેઓ તેમાં સુધાર કરી શકે છે અને અમુક વાતો ત્યાગી પણ શકે છે.."
  • બુદ્ધ ના ધમમ માં સુધાર, સંશોધન અને વિકાસ ની સંભાવના છે.. બાબાસાહેબ આંબેડકર લખે છે કે બુદ્ધ ઇચ્છતા હતા કે, ભૂતકાળના મૃતદેહો તેમના ધમમ ઉપર બોજ ન બનવા જોઈએ. તેમનો ધર્મ સદાબહાર અને સર્વકાળ માટે ઉપયોગી બને.આ જ કારણ હતું કે તેમણે જરૂરિયાત વખતે તેમના અનુયાયીઓને ધમમ ને સંવારવાની અને સુધારવાની સ્વતંત્રતા આપી. તે લખે છે કે 'બીજા કોઈ ઉપદેશકે આમ કરવાની હિંમત દર્શાવી નથી.'
વિશેષ માં બાબાસાહેબ એ બુદ્ધ ની એ શિક્ષા તરફ પણ ધ્યાન દોર્યું કે, બુદ્ધ એ ફક્ત અહિંસા ની શિક્ષા નથી આપી.. બુદ્ધ એ સમાનતા ની શિક્ષા પણ આપી છે; ફક્ત પુરુષ-પુરુષ વચ્ચે જ નહીં પણ સ્ત્રી-પુરુષ વચ્ચે ની સમાનતા પણ..
એક તરફ જ્યાં હિન્દૂ ધર્મ માં શુદ્ર અને સ્ત્રીઓ ને ફક્ત દાસ ગણવામાં આવ્યા હતા, તમને ઉપદેશ દેવાનો કે સન્યાસી થવાનો અધિકાર નહોતો; બુદ્ધ એ પોતાના ભીખ્ખુ સંઘ માં શુદ્રો ને પણ સામેલ કર્યા તેમજ સ્ત્રીઓ ને પણ ભિક્ષુણી બનવાના અધિકાર આપ્યા.. આમ બુદ્ધ સમાનતા ના સમર્થક હતા, અને બાબાસાહેબ ની દ્રષ્ટિ માં સમાનતા એ કોઈ પણ ધર્મ નું મહત્વ નું અંગ હોવું જોઈતું હતું..

'બુદ્ધ અને તેમના ધમમ નું ભવિષ્ય' શીર્ષકના લેખમાં, બાબાસાહેબ ડો આંબેડકર કહે છે કે ધર્મને વિજ્ઞાન અને તર્કની કસોટી પર ખરું ઉતરવું જોઈએ. તેઓ લખે છે કે 'જો ધર્મ એ ખરેખર કામ કરવું હોય તો તે બુદ્ધિ અથવા તર્ક પર આધારિત હોવું જોઈએ, જેનું બીજું નામ વિજ્ઞાન છે.' તેમાં ફક્ત નૈતિકતા હોવી પૂરતું નથી. તે નૈતિકતાએ જીવનના મૂળભૂત સિદ્ધાંતો - સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારોનું પાલન કરવું જોઈએ.'
બાબાસાહેબ આંબેડકરે ૧૯૩૫ ની યેવલા પરિષદ માં પોતાનો હિન્દુ ધર્મ છોડવાની જાહેરાત કરી, પરંતુ તેમણે 1956 માં ધર્મ પરિવર્તન કર્યું. આ દરમિયાન, તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમના પોતાના અનુસાર શ્રેષ્ઠ ધર્મની પસંદગી કરી; સાથે સાથે જ અલગ અલગ સમુદાય ના લોકો વચ્ચે જઈ સભાઓ કરી આ ઐતિહાસિક ઘટના માટે ની પૃષ્ઠભૂમિ તૈયાર કરી. સારા અને કલ્યાણકારી ધર્મની તેમની શોધ તેમને બૌદ્ધ ધમ્મ તરફ દોરી ગઈ. તેથી તેમણે તેમના અનુયાયીઓ સાથે બૌદ્ધ ધમ્મ અપનાવી લીધો. એક રીતે આ ધર્મપરિવર્તન નહીં પણ, બહુજનો ની પોતાના મૂળ ધર્મ માં ઘર વાપસી હતી..
"આ કોઈ ઘટના કે અત્યાચાર ના લીધે કરેલું ધર્મપરિવર્તન નહીં પણ, વૈચારધારા આધારિત પરિવર્તન હતું.. અને વિચારધારા ના આધાર પર થતા આંદોલનો લાંબો સમય, કઠિન પરિશ્રમ અને ત્યાગ માંગી લે છે.."

- કુંદન