March 01, 2018

હવે લીપાપોતી નહીં ચાલે

By Raju Solanki  || 22 February 2018 at 8:49pm  



અત્યાચારો કોંગ્રેસના રાજમાં પણ થતા હતા અને ભાજપના શાસનમાં પણ થાય છે. પરંતુ બંને વચ્ચે એક મહત્વનો તફાવત છે. કોંગ્રેસના રાજમાં અત્યાચારો થતા ત્યારે “આ વખતે તો કોંગ્રેસને પાડી જ દો” એવું કોઈ બોલતું નહોતું. લોકો અત્યાચારોને કોંગ્રેસ સાથે identify કરતા નહોતા. કોંગ્રેસ દલિતોની માબાપ છે, દલિતો કોંગ્રેસના ઓશિંગણ છે, એવી છાપ એકંદરે જળવાઈ રહેલી. કોંગ્રેસ પર જીવતી એનજીઓ અને કોંગ્રેસની સમાજવાદી છબી ઘસી ઘસીને ઉજળી રાખતા સમાજશાસ્ત્રીઓ, બૌદ્ધિકોએ સમય સાથે અંદરથી સડતી જતી કોંગ્રેસને બહારથી લીલીછમ્મ રાખી હતી.

જેતલપુરમાં શકરાને જીવતો સળગાવી દેવાયેલો. હજારો દલિતો જેતલપુર ઉમટી પડેલા અને ગામને રીતસરનો ઘેરો ઘાલેલો. ઉનાકાંડ કરતા પણ ભયાનક હતો જેતલપુરકાંડ. ઉનાકાંડનો વીડીયો વાયરલ થયો એટલે એની ભયાનકતાનો તમને અંદાજ આવ્યો. જેતલપુરના હત્યાકાંડની કોઈને ગંધ સુદ્ધાં આવેલી નહીં. ત્યારે દલિત અત્યાચારની શોકસભાઓમાં કોંગ્રેસના દલિત આગેવાનોની હાજરી એકદમ સ્વભાવિક ગણાતી. દલિત કવિ નીરવ પટેલની અત્યંત જાણીતી કવિતા ‘જેતલપુર’માં કવિ તત્કાલીન કોંગ્રેસી દલિત અગ્રણીઓને ઉદ્દેશીને કહે છે,

“મનુભાઈ, શાંતાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

આજે અત્યાચાર થાય તો આ જ પંક્તિમાં થોડો ફેરફાર કરીને આપણે કહીએ છીએ, 
“રાહુલભાઈ, સોનીયાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

દલિતોની રેકર્ડ અટકી ગઈ છે.
દલિતોની રેકર્ડ ઘસાઈ ગઈ છે. 
હવે તો પિન પણ ઘસાઈ ગઈ છે, 
તોય કેટલાક લોકો નવી રેકર્ડ, નવી પિન લાવવા માંગતા નથી, નવું ગીત ગાવા માંગતા નથી. 

જેતલપુરમાં અત્યાચારો પટેલો કરતા હતા, કોંગ્રેસ કરતી નહોતી એવી સમજ (કે ગેરસમજ?) હતી. ગોલાણામાં અત્યાચારો દરબારોએ કર્યા, કોંગ્રેસે કર્યા એવું કોઈ કહેતું નહોતું. કોઈએ એવું પણ ના કહ્યું કે, કોંગ્રેસના રાજમાં દરબારોને બહુ ચરબી ચડી ગઈ છે. કોંગ્રેસ તો સારી છે, આ દરબારો અને પટેલો ખરાબ છે એવું કહેનારો વર્ગ મોટો હતો. અત્યાચારો થાય છે, પરંતુ કોંગ્રેસમાં આપણો અવાજ તો છે ને આવું માનનારા લોકોની સંખ્યા મોટી હતી.

કોંગ્રેસના રાજમાં લોકશાહીની ભ્રામકતા જળવાઈ રહેલી. કેમ કે, કોંગ્રેસ પાસે ગાંધીવાદ નામનો જોરદાર મલમ હતો. માર ખાનારના બરડે જઇને હાથ ફેરવતા, એમને સાંત્વન આપતા, હૈયાધારણ આપતા ઇન્દુચાચા, અનસુયાબેન, રવિશંકર મહારાજ, બબલદાસ મહેતા, ભાનુ અધ્વર્યુ, ઠક્કરબાપા, પરીક્ષિત મજમુદાર જેવા અસંખ્ય ગાંધીવાદીઓએ અસમાનતામૂલક સમાજવ્યવસ્થાને ટકાવી રાખતી કોંગ્રેસ સરકારોને સતત પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. આજે ભાજપ પાસે છી છી રવિશંકર, રામદેવ, આશારામ, રામરહીમ જેવા કહેવાતા સંતોની ફોજ છે, પરંતુ તેઓ દલિતોને આત્મીય કે પોતીકા લાગતા નથી.

કોંગ્રેસ પાસે ગાંધીવાદનો મલમ હતો. ભાજપ પાસે હિન્દુત્વનો કેફ છે. હવે મલમથી દુખાવો મટતો નથી. કેફ ઉતરી ગયો છે. દલિતો બાબાસાહેબ આંબેડકરે આપેલો ભીમબાણ ઇલાજ માંગે છે. સત્તામાં જ નહીં, તમામ ક્ષેત્રોમાં ભાગીદારી ઇચ્છે છે. હવે લીપાપોતી નહીં ચાલે.

- Raju Solanki
(Writer is freethinker and social activist based in Ahmedabad, Gujarat)