By Mayur Vadher || 26 February at 19:28
‘અનામત એટલે લૂંટનું સાધન’ના લેખક ભરત ઝૂનઝૂનવાલાને ફૂલછાબની છાબડીમાં તેના ગોબરછાપ જ્ઞાનથી ગંધાતા વિચારોની ઉલ્ટી કરવાની સ્હેજે શરમ આવે છે?
લેખના શિર્ષકમા જ અનામત ક્ષેત્રમા આવતાં દેશના 77% SC/ST/OBCને ‘લૂટારા’ તરીકે પ્રચારીત કરી તેમનું અપમાન તો કર્યું જ છે પણ ‘ફૂલછાબ’ના વાચકોને ગેરમાર્ગે દોર્યા છે. લેખક એટલેથી અટકતા નથી, તેઓ લખે છે, “મોગલો અને બ્રિટીશરોનું આક્રમણ થયું ત્યારે તેને સાથ આપવામા દલિતો મુખ્ય હતાં.”
ઈતિહાસનું નગ્ન સત્ય તો આખું જગત જાણે છે કે ભારતમાં ચતુર્વણની અન્યાયી-અત્યાચારી અને માનવતા વિહોણી વ્યવસ્થાએ દેશના દલિતો-આદિવાસીઓ અને પછાતો સાથે કેવું ઓરમાયું વર્તન કર્યું છે! દલિતોને તો હથિયાર સ્પર્શ કરવાનો તો શું પણ જાહેર રસ્તા પર ચાલવાનો અધિકાર ન હતો. લેખકનુ સીધું જ કહેવું છે કે, દેશના દલિતોએ મોગલો અને અંગ્રેજો જેવા વિદેશી આક્રમણકારીઓને સહકાર આપ્યો હતો. શું તેઓ પાસે મોગલો અને અંગ્રેજોને સાથ આપનારા લોકોનું જાતિ આધારીત સેન્સસ છે?
ઈ.સ. 1192મા પૃથ્વીરાજ અને ગઝની વચ્ચે થયેલા તરાઈનના બીજા યુદ્ધમા જયચંદે ગદ્દારી કરી હતી. શું જયચંદ દલિત હતો?
ઈ.સ. 712માં આરબ આક્રમણકારી મહમદ બિન કાસિમે ભારતના દાહિર રાજાઓ પર આક્રમણ કર્યું ત્યારે દાહિર રાજાના સેનાપતિએ દાહિરો તરફ લડવાનો ઈનકાર કરી ગદ્દારી કરી હતી. શું દાહિરના સેનાપતિ દલિત હતાં?
શિવાજી મોગલોની સામે લડતા હતાં ત્યારે મરાઠા સરદારો અને રજપૂતો મોગલો તરફથી યુદ્ધ લડ્યા હતાં. શું મરાઠા અને રજપૂતો દલિતો હતાં?
ઈ.સ. 1576માં મહારાણા પ્રતાપ અને મોગલો વચ્ચે થયેલા હલ્દીઘાટી યુદ્ધમાં મોગલોનો સેનાપતિ રાજા માનસિંહ હતો. શું રાજા માનસિંહ દલિત હતો?
1739માં નાદિરશાહે દિલ્હી પર આક્રમણ કર્યું ત્યારે નાદિરશાહને સાથ આપનારા દલિતો હતા? વિરાંગના ઝલકારી બાઈ અંગ્રેજો સામે લડતા હતાં ત્યારે જયાજિરાવ સિંધિયાએ સૈનિકોને ઝલકારી બાઈ વિરૂદ્ધ ભડકાવી ઝલકારીબાઈને એકલા છોડી દીધાં હતાં. શું જયાજિરાવ દલિત હતો?
સાંડર્સન હત્યા કેસમા ભગતસિંહ વિરૂદ્ધ ફણિન્દ્રનાથ ધોષે સાક્ષી આપી હતી. શું ફણિન્દ્રનાથ ઘોષ દલિત હતો?
લેખક મહોદય, પ્રાચિન બ્રાહ્મણોએ તો યુગો-યુગોથી દલિતોને તો શાસ્ત્રો કે શસ્ત્રોનો સ્પર્શ કરવાનો અધિકાર પણ આપ્યો ન હતો. જો ભૂલથી દલિતો શાસ્ત્રો કે શસ્ત્રોનો સ્પર્શ કરી લીધો હોય તો તેનું ધડ કાપી નખાતું કાં તો તેનો અંગૂઠો જ હણી લેવાતો હતો. સામાજિક કોટિક્રમિક વ્યવસ્થામાં બ્રાહ્ણણોએ વિદ્યા, સંપતિ, સત્તામા પોતાની 100% અનામત રાખી હતી, તેણે ક્ષત્રિયો અને વૈશ્યોને પણ અનુક્રમે સત્તા અને વેપારમા 100% અનામત આપી હતી. જ્યારે લુચ્ચી ચાતુર્વણ્યની વ્યવસ્થાએ તો દલિતોને લમણે માત્ર દારૂણ ગરીબી અને અત્યાચારો જ લખ્યાં હતાં. આજે પણ આ લુચ્ચી ચાતુર્વણપ્રથા લેખકના જીન્સમા હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે લેખક તેમના પૂર્વગ્રહોથી લખે છે કે, “દલિત કર્મચારીઓના સંતાનો ફાઈવ સ્ટાર હોટેલોમા જઈ રહ્યા છે અને એમનું મનોબળ દ્દઢ થઈ રહ્યું છે. ભલે ખોટી દિશામા જ કેમ ન હોય” દલિતોના છોકરાઓના ફાઈવ સ્ટાર હોટેલમા જવાથી જે તકલીફ થઈ રહી છે તે લેખકની નસેનસમા રહેલી ચાતુર્વણપ્રથાની અસર જ હશે.
અંતે લેખક ઠાવકી દલિલ રજૂ કરીને લખે છે, “સામાન્ય વર્ગ દ્વારા દલિતો પ્રત્યે કરેલા ઐતિહાસિક અન્યાયનું પ્રાયશ્વિત પુરૂ થઈ ગયું છે” અનામત એ કંઈ સવર્ણોનુ પ્રાયશ્વિત નથી, એ તો સવર્ણોએ દલિત-આદિવાસી અને પછાતોને તેના માનવીય અધિકારોથી દૂર રાખીને જે પ્રગતિ કરી છે તેની સમાન લાવવા માટેની વ્યવસ્થા છે. અનામત પ્રતિનિધિત્વની વ્યવસ્થા છે, પ્રાયશ્વિતની નહિં. અને જો લેખક અનામતને પ્રાયશ્વિતની વ્યવસ્થા ગણતા હોય તો ત્રણ હજાર વર્ષના અત્યાચાર, અન્યાય અને માનવ ગૌરવને હણવાનું પ્રાયશ્વિત સીત્તેર વર્ષમા પુરુ ન થાય.
લેખકને તેના દલિતદ્વેશથી ખદબદતા મગજ પર લગામ ન હોય તો ફૂલછાબના તંત્રીઓએ તો તેની કલમ પર લગામ મુકવી જોઈએ.
– મયુર વાઢેર