July 29, 2017

ભારતમાં વૈશ્વિક કક્ષાના બૌધિકોની ઉણપ નુ કારણ

By Rushang Borisa   || 28 July 2017

પ્રવર્તમાન બંધિયાર રીત-રિવાજો-ધાર્મિક માન્યતાઓ-સામાજિક ખામીઓ વિરુદ્ધ ચળવળ ચલાવવા માત્ર સામાજિક કાર્યકર હોવું પૂરતું નથી; તે માટે પ્રખર બૌદ્ધિક પણ બનવું પડે. શા માટે મને રાજા રામમોહન રાય,બાળગંગાધર તિલક અને મોહનદાસ ગાંધી કરતા જ્યોતિબા ફૂલે અને ભીમરાવ આંબેડકર ચડિયાતા જણાય છે તે માટે પૂરતા તથ્યો છે.પ્રથમ ૩ સામાજિક/રાજનીતિક નેતાઓ હતા ; જયારે પાછલા બન્ને સામાજિક-બૌદ્ધિક-રાજનૈતિક લડાયક હતા.

આંબેડકર જે વિઝન રાખતા હતા તેમાં તેમણે જે અડચણો-અસામાજિક તત્વો દેખ્યા હતા અને તેની કટ્ટર આલોચના કરી હતી તેમાં કેટેગરી પ્રમાણે આવું કૈક હોય શકે:

અસામાજિક તત્વ:- બ્રાહ્મણવાદી માનસિકતા
ધાર્મિક ખામી:- હિન્દુત્વ
વિચારધારા:- ગાંધીવાદ
રાજનૈતિક પક્ષ:- કોંગ્રેસ
અસમાનતા:- જ્ઞાતિ વ્યવસ્થા

શા માટે ભારતમાં વૈશ્વિક કક્ષાના બૌધિકોની ઉણપ જણાય છે તે વિષયે આંબેડકરે લખેલ પુસ્તકમાંથી લીધેલ લેખ આજે પણ અડીખમ જણાય છે.(સમય મુજબ જે ફેરફાર થયા હોય, પણ વિવેચનનું મૂળ તેટલું જ મજબૂત છે.)

“ હાલમાં, નિષ્ણાતવર્ગ બ્રાહ્મણો સુધી સીમિત છે.પણ બદનસીબી છે કે કોઈ પણ બ્રાહ્મણ-નિષ્ણાત વોલ્ટેરની જેમ પહેલ કરી શક્યા નથી; વોલ્ટેર કે જેઓ કેથોલિક પંથમાં ઉછેરાયા હોવા છતાં ધાર્મિક-સિદ્ધાંતો વિરુદ્ધ આગેવાની લીધી અને પોતાની બૌદ્ધિક ઇમાનદારીમાં ખરા ઉતર્યા.ના કોઈ બ્રાહ્મણ-બૌદ્ધિક તે હદે ઈમાનદાર જણાય છે કે ના ભવિષ્યમાં આવા નિષ્ણાતો આવશે તેવી આશા જણાય છે. બ્રાહ્મણ-નિષ્ણાતો પોતાનામાંથી કોઈ વોલ્ટેર પેદા ના કરી શક્યા તે તેમની બૌદ્ધિકતાના કબર નું પ્રતિબીંબ છે. બ્રાહ્મણ-નિષ્ણાતો જ્ઞાની છે, પણ ખરા અર્થમાં બૌદ્ધિક નથી તેવું કહેવામાં નવાઈ ના લાગવી જોઈએ. જ્ઞાની અને બૌદ્ધિક વર્ગ વચ્ચે તફાવત છે- જ્ઞાનીઓ પોતાના વર્ગના હિતો પ્રત્યે ગંભીર હોય છે અને તેને જાળવવામાં રસ ધરાવે છે; જયારે બૌદ્ધિક વર્ગ પોતાના નિજી હિતો ના પ્રભાવથી મુક્ત થઇ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.એટલા માટે બ્રાહ્મણ-નિષ્ણાતો માત્ર જ્ઞાની હોય છે, બૌદ્ધિક નહીં.

શા માટે બ્રાહ્મણો ભારતમાં વૉલ્ટરને પેદા નથી કરી શકયા તેના જવાબ માટે એવો સવાલ પૂછવો જોઈએ કે શા માટે તુર્કીના સુલતાનો મોહમ્મદના ધર્મનો નાશ ના કરી શક્યા? શા માટે કોઈ ઈસાઈ પોપે કેથોલિક સંપ્રદાયની નિંદા ના કરી? જે કારણ થી સુલતાનો કે પોપે તે કાર્યો કર્યા નહીં, તે જ કારણથી બ્રાહ્મણો વૉલ્ટરનું સર્જન કરી શક્યા નહીં. આ વાત સ્વીકારવી પડે કે કોઈ વ્યક્તિ કે વર્ગ જ્યાંથી તેઓ આવે છે ત્યાંના સ્વાર્થી હિતો તેમની આંતરિક નબળાઈ બને છે અને વ્યક્તિ/વર્ગની બુદ્ધિને નિયંત્રિત કરે છે. બ્રાહ્મણોની સત્તા અને પદ સંપૂર્ણ રીતે હિન્દૂ સામાજિકરણને આભારી છે ,જે બ્રાહ્મણોને દેવ તરીકે મોભો આપે છે અને અન્ય નીચલી જ્ઞાતિઓ ઉપર જાતજાત ની પાબંદીઓ વડે દબાણ રાખે છે; જેથી નીચલી જ્ઞાતિઓ ઉપર ના ઉઠે અને બ્રાહ્મણોનું પ્રભુત્વ જળવાઈ રહે. માટે સહજ છે કે બ્રાહ્મણો પોતાની સર્વોપરિતાની જાળવણી માટે ચિંતિત રહે; ચાહે તે રૂઢિચુસ્ત કે બિનરૂઢીચુસ્ત. બ્રાહ્મણો ને વોલ્ટેર પરવડી જ કેવી રીતે શકે? જો બ્રાહ્મણો માં વોલ્ટેર રહે તો તે હિન્દૂ સભ્યતા કે જેને બ્રાહ્મણોની સર્વોપરિતામાં યોગદાન આપ્યું છે તેની જાળવણી માટે સક્ષમ ખતરો ઉભો થાય.મુદ્દો એ છે કે સ્વ-હિતોના રક્ષા માટેની ચિંતા એ જ બ્રાહ્મણ-નિષ્ણાતોના બુદ્ધિની તીવ્ર મર્યાદા છે.બ્રાહ્મણ પોતાની આંતરિક નબળાઈથી પીડાય છે જેથી તે પ્રામાણિકતાના હેતુ માટે પોતાની બૌદ્ધિકતાને મહત્તમ સ્તરે પહોંચાડી શકતા નથી.તેઓ ડરે છે.

પણ મને એક વાત હેરાન કરે છે એ છે કે બ્રાહ્મણ-ગ્રંથોને ઉઘાડા પાડવાના પ્રયત્નો પ્રત્યે બ્રાહ્મણ-નિષ્ણાતો અસહિષ્ણુ હોય છે. તે ખુદ જરુર હોય ત્યારે ધર્મ-વિદ્રોહ ની ભૂમિકા ભજવતા નથી; પણ કોઈ બિન-બ્રાહ્મણ સક્ષમ હોવા છતાં જો તે ભૂમિકા ભજવશે તો બ્રાહ્મણ-નિષ્ણાત તેને રોકશે.જો કોઈ બિન-બ્રાહ્મણ ધર્મગ્રંથો કે ધાર્મિક માન્યતાઓને ઉઘાડી પાડવા મશગુલ બનશે તો બ્રાહ્મણો તેમને ચૂપ કરાવવા-તેની કઠોર નિંદા કરવી-તેના કાર્યોને વાહિયાત સિદ્ધ કરવા-તેની અવગણના કરવી વગેરે જેવા પ્રપંચો રચશે. એક લેખક તરીકે જયારે-જ્યારે મેં બ્રાહ્મણ-ગ્રન્થોને બેનકાબ કરવાના પ્રયત્નો કર્યા છે ત્યારે-ત્યારે બ્રાહ્મણ-નિષ્ણાતોએ મારી ઉપર તેવી તરકીબો અજમાવી છે ; જેનો હું શિકાર બન્યો છું. “

આજે જે બૌદ્ધિક ખતરો આંબેડકરે બ્રાહ્મણો પ્રત્યે દર્શાવ્યો હતો તેનું સંકોચન મંથર ગતિએ થઇ રહ્યું છે પણ વિસ્તરણ વેગીલું જણાય છે. આ બૌદ્ધિક નબળાય હવે બિન-બ્રાહ્મણ જ્ઞાતિને પણ શિકાર બનાવી રહી છે. આ પ્રકિયા માટે મૂળભૂત રીતે જવાબદાર જો કોઈ હોય તો તે હિન્દૂ વર્ણ-વ્યવસ્થાની ઉત્ક્રાંતિ એવું "જાતિવાદ" જ છે.