April 20, 2020

શું તમને એવુ લાગે છે કે બહુજન મુદ્દા ખૂટી ગયા છે???

By Vijay Makwana  || 05 April 2020


એક પોસ્ટ પર એક દોસ્તે ટોણો માર્યો કે, મારી પાસે બહુજન મુદ્દા ખૂટી ગયા છે. મેં જવાબ આપ્યો કે, હું લખતો ન હોઉં એ તમારા માટે ચિંતા નો વિષય છે. કેમ કે જયારે એક બહુજન તરીકે હું લખતો નથી હોતો ત્યારે ફિલ્ડમાં હોઉં છું. અને ફિલ્ડમાં અમે બહુજનો બહુ ખતરનાક હોઈએ છીએ.. વચ્ચે વર્ષ ૨૦૧૭માં મેં લગભગ ૧૦ માસ નો અહીં વિરામ લીધો હતો. તે સમય નો એક મસ્ત કિસ્સો છે. તમને મઝા પડશે..

ઉનાકાંડ તમને યાદ હશે. મેં મારા સામાજિક કાર્યકર દોસ્ત નટુભાઈ ની પ્રશંસા કરેલી. સુરેન્દ્રનગરમાં લગભગ ૧૦૦ થી વધુ સામાજિક કાર્યકરો છે. બધા એકથી એક ચડિયાતા. લગભગની સાથે મારે ઘર જેવા સબંધો છે. હું એકવાર એક સિવિલ દાવો ટાઈપ કરાવી રહ્યો હતો. ત્યાં નટુભાઈ આવી ચડ્યા. મારો અને નટુભાઈ નો રોજ એકવાર તો ભેટો થાય જ..અને તેનું કારણ છે ટાઈપવાળો..મારો અને નટુભાઈનો ટાઈપવાળો એકજ છે. નટુભાઈ નિત્ય લડવાવાળો જુજારું સામાજિક કાર્યકર છે. એ ક્યારેય રજા રાખતા નથી. એમની પાસે અઢળક મુદ્દાઓ છે. લોકોની સમસ્યાઓ અને તેનું કેવી રીતે નિરાકરણ લાવવું એના હજાર આઈડિયા એમની પાસે છે. નટુભાઈ ગમે ત્યારે ટાઈપમાં આવે હું મારું કામ સાઈડ પર મૂકી દઉં છું. અને તેમને ડ્રાફટ તૈયાર કરવામાં મદદ કરી દઉં છું. તે દિવસે તેઓ રાજ્યપાલ શ્રી ને કોઈ સમસ્યા નું નિરાકરણ કરવા પત્ર લખવા આવેલા. અમે આંદોલનની ચર્ચા કરતા હતા. મેં નટુભાઈ ને તે દિવસનું તાજું અખબાર વંચાવ્યું.. એમાં એક કોર્નર પર યોગી આદિત્યનાથ ના સમાચાર હતા. જેમાં લખેલ કે ઉત્તરપ્રદેશ કુશીનગરમાં યોગી આદીત્યાનાથની વિસ્તાર મુલાકાતની યાત્રા હતી. અને કુશીનગર પ્રશાશને દલિતો ને સાબુ અને શેમ્પુ આપી ને કહ્યું કે, મુખ્યમંત્રી આવે છે. તમારે લોકોએ નાહીને આવવું મુખ્યમંત્રીને ગંદા ગોબર લોકો પસંદ નથી. મેં નટુભાઈ ને કહ્યું આ યોગી દલિતોને ન્હાવા ધોવાની સલાહ આપે છે. આનો કોઈક ઉપાય કરવો પડે નટુભાઈ! નટુભાઈ એ કહ્યું: બોલો સાહેબ ! આ યોગીના નાકમાં દમ લાવી દઈએ? એની પાસે માફી મંગાવવી જ છે? મેં કહ્યું: નટુભાઈ મારા શું ભોગ લાગ્યા છે?? અને યોગી ક્યાં મારો સગો છે?? હું શું કામ ના પાડું?? નટુભાઈ એ દિવસે ગયા.. અઠવાડિયા પછી મળ્યા.. આપણે તોડ ગોતી લીધો સાહેબ..!! યોગી માફી માંગશે.. ! એક મહિનામાં નટુભાઈ એ પોતાની જાતે ૧૨૫ કિલોનો સાબુ બનાવ્યો. સાબુ ની બનાવટ માં તથાગત બુદ્ધ ની ડાઈ બનાવી તેમની મૂર્તિ આકારનો સાબુ બનાવ્યો.. અને બીજી ૫૦૦ જેટલી સાબુ ની એવી જ મૂર્તિ સ્વરૂપની નાની નાની ગોટીઓ બનાવી..એક માસ બાદ સીધા ઉત્તરપ્રદેશ! આગોતરા આયોજન મુજબ ત્યાના લોકલ કાર્યકરો અહીં ગુજરાતથી ૩૦ જેટલા લોકો.. એમનું આયોજન હતું યોગી આદિત્યનાથ ને રૂબરૂ ૧૨૫ કિલો નો સાબુ આપવો અને કહેવાનું કે દલિતો ને નહાવાની સલાહ આપવા કરતા તમે આ તથાગત સ્વરૂપ સાબુથી નહાજો અને દલિતો પ્રત્યેની તમારી જે ગંદી માનસિકતા છે. તેને તથાગતના પ્રેરણાદાયક પવિત્ર વિચારોથી ધોઈ નાખજો..!! નટુભાઈ નું બધું કામ પરફેક્ટ હોય..!! આયોજનમાં કોઈ કચાશ ન હોય ન્યુયોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, બીબીસી, સીએનએન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધ હિન્દુ બધા ના પ્રતિનિધિઓ તેમને ઓળખે.. અઠવાડિયા આગાઉ તો ઉત્તરપ્રદેશના લોકલ કાર્યકરો દ્વારા લોકલ મીડિયામાં તથા આંતરરાષ્ટ્રીય મીડિયામાં નટુભાઈ એ પ્રચાર કરી દીધેલો. કે ગુજરાતના એક સંગઠનના કાર્યકરો યોગી ને સાબુ આપશે. પણ નટુભાઈ નો આ બાબત સંદર્ભે ગુજરાતમાં કોઈ પ્રચાર નહિ..!! નહિ તો અહીંથી જ યાત્રા અટકી જાય! આ આયોજન માટે નટુભાઈ એ તાત્કાલિક એક અલગ નામથી સંગઠન પણ કાગળ ઉપર બનાવી નાખ્યું..(આ સિક્રેટ રાખવાનો સ્પેશલ કેમિયો છે) હવે બન્યું એવું કે આખે આખો માંચડો લઇ નટુભાઈ ટ્રેન માં બેસી ગયા. બરાબર ઝાંસી સ્ટેશને પહોંચ્યા ઉત્તરપ્રદેશ પોલીસે અધવચ્ચે જ બધાને પકડી લીધા. ઝાંસીમાં જ નટુભાઈ એ ધારણા ચાલુ કર્યા. પોલીસ કોઈપણ સંજોગોમાં આગળ જવા દેવા માંગતી ન હતી. નટુભાઈ એટલે ખેલાડી માણસ! એમને તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો. તેમણે ઉત્તરપ્રદેશના કાર્યકરો ને કેટલીક માહિતી આપી દીધી. મીડિયા સુધી તે માહિતી પહોંચી ગઈ. અર્ધા કલાકમાં તો આખું મીડિયા ઝાંસીમાં નટુભાઈ પછી ઝાલ્યા ના રહ્યા.. યોગી ને સ્ક્રીન પર ચેલેન્જ આપી દીધી આવતીકાલે બરોબર વિધાનસભા આગળ તમને હાથોહાથ સાબુ આપીશ.. ઉત્તરપ્રદેશ ની લોકલ ચેનલવાળા લોકોએ નટુભાઈ ને સહકાર આપ્યો.. પ્રાઈમ ટાઈમ માં નટુભાઈ ચમક્યા. ઉત્તરપ્રદેશ વિધાનસભાનું સત્ર બીજા દિવસે શરુ થવાનું હતું. નટુભાઈ ઝાંસીમાં હતા લગભગ ઉત્તરપ્રદેશના ૧૦-૧૨ હજાર બહુજન લોકો એકઠા થઇ ગયા.. મોટો તાયફો થઇ ગયો. યોગીના અંગત સચિવ નટુભાઈ ને એ જ રાત્રે મળી ગયા.. કાર્યક્રમ મોકૂફ રાખવા વિનંતી કરી..પણ આ તો નટુભાઈ! કાર્યક્રમ બદલવાની ના પાડી વળતો જવાબ મોકલ્યો.. હું દેશ નો નાગરિક છું. મારા દેશના એક મોટા પ્રાંતના મુખ્યમંત્રી ને મોંઘેરી ભેટ આપવા આવ્યો છું.. હું કોઈ ગુન્હો તો નથી કરી રહ્યો.. તમે યોગીજી ને સમજાવો.. સાબુ લઇ લે..!! બીજે દિવસે યોગી આદિત્યનાથે વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉછળે નહિ ચર્ચા ન થાય તે બીક થી..પોતાના સચિવ મારફત સાબુ ભેટ સ્વીકાર્યો અને કબુલ કર્યું કે કુશીનગર પ્રશાસન ની આ ભૂલ છે. એક મુખ્યમંત્રી તરીકે હું સમાજની માફી માંગું છું. કુશીનગર પ્રશાસનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું વચન આપું છું..

કેટલાક ભગત ને યોગી એટલે તોપનો ગોળો એવું લાગે છે. પણ આવા તોપના ગોળાને અમે નાનકડા બહુજન કાર્યકરો બેઠા બેઠા પોતું મારી ભેજ લગાડી દઈએ છીએ.. ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીમાં સાહેબ બહાદુર મંચ ઉપર સાત વખત રડ્યા છે એમાં ચાર વખત અમારા આવા નાના સામાજિક કાર્યકરો એ રડાવ્યા છે. એકવાર સાહેબે ગૌ રક્ષકોને રાત્રીના રખડતા આવારા તત્વો કહેલા! એ શબ્દો સાહેબ કઈ ઘટના ને કારણે બોલેલા તેની પણ એક વિસ્તૃત કથા છે. લોઢું ગરમ થાય ત્યારે હથોડો મારવો આ કહેવત મામુલી કહેવત છે. લોઢું ગરમ થાય ત્યાં સુધી કોણ રાહ જુએ? લોઢું હથોડાથી ટીપાવા સતત ગરમ જ રહે તેવી ટેકનીક દલિત સંગઠનો અને કાર્યકરોએ વિકસાવી છે! એ દલિતો સિવાય કોઈ જાણતું નથી! અંદોલન કેવી રીતે ચલાવવું તેને વિશાળ જન સમુહમાં કેવી રીતે તબદીલ કરવું. સંચાર માધ્યમો વિના લોકો સુધી સંદેશ કેમ પહોચાડવો. કયા મુદ્દામાં કેટલા લોકો ની જરૂર છે. કેટલાની નહિ. વાતાવરણ, પર્યાવરણ, આર્થિક શક્તિ, હેતુ..પ્રતિકુળ બાબતો તેનો અભ્યાસ કરવો..કેટલી સ્ટ્રેટેજી અપનાવવી કેટલી નહિ. ઉપરના નટુભાઈ ના આંદોલનમાં માત્ર ૨૩ વ્યક્તિઓએ હિસ્સો લીધેલો! જેમાં ઉત્તરપ્રદેશના ૯ લોકો હતા. બાકીના ઉત્તરપ્રદેશના ૧૦૦૦૦ લોકો તો મીડિયા લઇ આવેલું... ભાઈઓ! ભારતમાં સરકાર ને કોઈ આયોજન કરવું હોય કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને ક્યાંય મુલાકાત લેવી હોય તો મહિના અગાઉ અમારા સામાજિક કાર્યકરોની રેકી કરવી પડે છે..આ લોકોના જેટલા આંદોલન હોય તેનો નિકાલ કરો. નહિ તો બધું રફેદફે કરી નાખશે! બીક બીક માં તો સાહેબની સરકાર ચાલે છે.. નથી માનતા? ફિલ્ડ માંથી બીજા કિસ્સા લઇ આવું?



~ વિજયમકવાણા

No comments:

Post a Comment