April 20, 2020

જે બનવું હોય તે બનજે પણ સહુથી પહેલા ભારતીય બનજે...

By Vijay Makwana  || 07 April 2020


ઇસાપૂર્વ બીજી સદીમાં કુષાણ વંશમાં એક રાજા થઇ ગયો નામ એનું કનિષ્ક. જે એક બૌદ્ધ રાજા હતો. જેના સમયમાં તેણે બૌદ્ધ ધર્મનો ખુબ પ્રચાર કરેલો. પોતાના રાજ્યમાં તેણે પોતાના ચલણી સિક્કાઓ પર ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મના પ્રતીકો અને દેવતાઓનું ચિત્રણ કરેલ. તેણે પોતાના રાજમાં ઘણા બોદ્ધ વિહારો બનાવ્યા હતા. ઘણા સ્તુપોની રચના કરી હતી. બુદ્ધચરિત નામના ગ્રંથની રચના કરનાર મહાન બૌદ્ધ દાર્શનિક અશ્વાઘોષ તેના માર્ગદર્શક હતા. કનિષ્ક મહાયાની બોદ્ધ હતો. તેના કાળ સુધી બુદ્ધની મૂર્તિઓ બનતી ન હતી. પણ તેની ઈચ્છા હતી કે ધમ્મ નો પોતાના સામ્રાજ્ય તથા તેના સામ્રાજ્ય સાથે વ્યાપારિક રીતે જોડાયેલા ગ્રીક, યુઆન, અને ચીન જેવા દેશોમાં પણ બોદ્ધ ધમ્મ નો પ્રચાર થાય તે માટે તેણે બુદ્ધની મૂર્તિ બનાવવા અશ્વાઘોષ પાસે પરામર્શ કરેલ. અશ્વાઘોષ જેણે ફોર્થ બુદ્ધિસ્ટ કાઉન્સિલ એટલે કે બુદ્ધ સંગતિ બોલાવી મૂર્તિ બનાવવા નો પરામર્શ કરવા સુચન કર્યું. ચોથી બુદ્ધ સંગતિ કાશ્મીરમાં કનિષ્કએ બોલાવી અને બુદ્ધની પ્રથમ મૂર્તિ બની..! કનિષ્ક એ બુદ્ધની આકૃતિ કંડારેલા ૮૪૦૦૦૦૦ સોનાના સિક્કા ચલણમાં મુક્યા. મ્યાનમાર થી ગ્રીસ સુધી જતા સિલ્ક રૂટ પર હજારો બુદ્ધ મૂર્તિ તથા વિહારોની સ્થાપના કરી.. કુષાણ આમ વિદેશી પ્રજા હતી પણ કનિષ્ક ચાર ચાર પેઢીથી ભારતમાં રહેતો હતો તેથી ભારત ને પોતાની માતૃભૂમિ કહેતો હતો..જીવન ના અંત સમયમાં મરણ પથારીએ રહેલા કનિષ્ક એ પોતાના પુત્ર હવીષ્ક ને જે સલાહ આપી તે આ મુજબ છે..

“પુત્ર.! ભારત ની આ ધરતી આપણી માતા છે. અને આપણે તેના સંતાનો. માતા અને સંતાન નો આ સબંધ સહુથી પવિત્ર સબંધ છે. આપણે સહુ માતાના ગર્ભમાંથી જન્મ લઈએ છીએ અને આ ધરતી માતાના ગર્ભમાં સમાઈ જઈએ છીએ. અને જ્યાં સુધી ધરતી પર શ્વાસ લઇએ છીએ આપણી દરેક જરૂરિયાત આ ધરતી માતા પૂરી કરે છે. એટલે આપણે તેની ઉપાસના કરીએ છીએ. સૂર્ય આપણને ઉર્જા આપે છે એટલે આપણે તેની ઉપાસના કરીએ છીએ. ચંદ્રમા આપણને શીતળતા આપે છે એટલે જ આપણે તેની ઉપાસના કરીએ છીએ. આપણને જીવન પ્રદાન કરવા માટે થઈને આપણે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તું સિંધુ, ગંગા, યમુના, કુંભા વિગેરે ને પોતાની માતાઓ ગણજે. ક્યારેય વૈદિક, અવૈદિક, બ્રાહ્મણ, બૌદ્ધ માં ભેદભાવ ન કરતો. મારા પિતા શિવના ઉપાસક હતા પણ દરેક દેવતાઓનું સન્માન કરતા હતા. હું બુદ્ધનો ઉપાસક છું પણ મેં તમામ દેવતાઓનું સન્માન કર્યું છે. આજ ભારત છે! પોતપોતાના દેવતાઓમાં વિશ્વાસ કરવો એ વ્યક્તિગત ધર્મ છે. પણ એક ધર્મ એ પણ છે જે તમામ ધર્મોની ઉપર છે. અને તે છે રાષ્ટ્રધર્મ! આ ધર્મ રાજાઓને ચલાવે છે. અને પ્રજાનું પાલન કરે છે. એટેલે તું હમેશા એ યાદ રાખજે કે, રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈપણ ધર્મ નથી હોતો.. આ જ ભારતની અસલી સંસ્કૃતિ છે..! ‘સા પ્રથમા સંસ્કૃતિવિશ્વવારા’ એવું યજુર્વેદમાં લખેલું છે. જેનો મતલબ છે ‘આ વિશ્વને ધારણ કરવાવાળી પોષણ કરવાવાળી સંસ્કૃતિ છે. એનો અનુયાયી બનજે. અને એનું રક્ષણ કરજે. તારે બૌદ્ધ બનવું હોય તો બૌદ્ધ બનજે ! જૈન બનવું હોય તો જૈન, શૈવ બનવું હોય તો શૈવ બનજે! જે બનવું હોય તે બનજે પણ સહુથી પહેલા ભારતીય બનજે..”

~ વિજયમકવાણા

No comments:

Post a Comment