August 02, 2017

સીમંતોનયન - વણમાગેલુ દહેજ.

By Dinesh Makwana  || 25 July at 08:30

(Photo Source Google)

ગુજરાત ના જુદા જુદા વિસ્તારોમાં રોહિત સમાજ વસે છે. દરેક વિસ્તાર તેના સ્થાનિક પરગણાંમાં વહેંચાયેલો છે. દાત ૬૩૬ પરગણા, ૨૮૨ પરગણા, દશકોશી, ૫૨ પરગણા તે રીતે જુદા જુદા પરગણા છે. ગ્રુપમા બીજા સમાજના હોઇ શકે. હાલ પુરતી મે સમસ્યાનું ધ્યાન માત્ર રોહિત સમાજ તરફ કર્યુ છે.

મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં સીમંતમાં દાગીના પર કોઇ પ્રતિબંધ નથી. કોઇ મર્યાદા પણ નથી.

ગાંધીનગર, કડી, કલોલ, વિજાપુરમા વસેલા ૨૮૨ પરગણાનું બંધારણ કહે છે પોતાની શક્તિ પ્રમાણે સીમંતમાં આપવું

બાવળા, વિરગમગામ મા વસેલા રોહિતો સીમંત સમયે દાગીના ઘર માલિક કરતા વધુ બીજા સગા આપે છે. આ મારી નજરે જોયેલો અનુભવ છે.

૬૩૬ સમાજ કદાચ ગુજરાતના તમામ રોહિત સમાજોમાં સૌથી વધુ શિક્ષિત છે. કદાચ શ્રીમંત પણ હશે. (ભુલ હોય તો સુધારજો). એનું કારણ આ સમાજ મોટે ભાગે આણંદ, ખેડા જેવા ફળદ્રુપ વિસ્તારોમાં આવેલો છે. અમદાવાદ વડોદરા તો સ્થળાંતર કરીને વસ્યા હતા. સૌોથી વધુ બંધારણો આ સમાજમાં થયા છે.

આમ તો સીમંતમાં સાસરી પક્ષ તરફથી કોઇ માંગણી હોતી નથી. સીમંત મા શુ આપવું તે પિયર પક્ષ નક્કી કરે છે. પહેલા ગમે તે રીતે સૌથી વધુ રકમો કે દાગીના અપાતા હતા તેથી બહુ વિરોધ થયો એટલે વધુમાં વધુ ૧૧ દાગીના સુધી સીમંતમાં આપવાનું બંધારણ થયુ.

સીમંતમાં સીધી માગણી હોતી નથી પણ ગર્ભિત ધમકી હોય છે. આટલું તો આપવું પડશે કે દીકરી તેની સાસરીમાં સ્થાન જોઇને પિતાને આગ્રહ કરતી હોય છે તમારે આટલી દાગીના આપવા જ પડશે. કેટલા દાગીના આપ્યા તેના પરથી પિયર પક્ષ અને ખાસ કરીને જમાઇના સ્ટેટસ ની ચર્ચા થતી રહે છે. જો અપેક્ષા કરતા ઓછું મળે તો લોકો શુ કહેશે? આ લોકો વાતો કરશે તેવી માન્યતાએ આપણા સમાજમાં સૌથી વધુ દાટ વાળ્યો છે. તેથી કેટલાક તો સીધું કહી જ દેતા હોય છે મને લકી (સોનાનું હાથે પહેરવાનું ઘરેણ) તો આપવી જ પડશે.

ઘરમા પહેલી દીકરીના સીમંત આવી લકી આપી ના હોય અને બીજી દીકરી સમયે આપી હોય ત્યારે પહેલા નંબરના જમાઇ નારાજ થઇ જશે. એક નજીકના મારા મિત્રના બે બહેનના કેસમા આવુ થયુ. મોટા જીજાજી નારાજ થઇ ગયા એટલે ૩૦૦૦૦ રુપિયા જે ઉછીના આપ્યા હતા તે પાછા આપ્યા નહી. લકી પેટે તેમણે રાખી લીધા.

જમાઇને પોતાની સાસરીની આર્થિક સ્થિતિની ખબર હોય છે જ તેથી સીમંતમાં શુ આવી શકે કે કેટલું આવી શકે તે માટે માનસિક રીતે તૈયાર હોય છે.

૧૧ દાગીના આપવાની બાબતમાં પણ કેટલીક વાર અર્થઘટન ખોટું કરવામાં આવ્યુ. ખરેખર તો વધુમાં વધુ ૧૧ દાગીના આપવાની વાત હતી પણ હવે ૧૧ નો આંકડો નક્કી થઇ ગયો છે. વધારે નહી અને ઓછા નહી ૧૧ તો આપવાના જ.

અમિતાભ વાળા લેખમાં મે આ બાબતે ચર્ચા કરી હતી તેથી તેને પુનરાવર્તન નહી કરુ. જે સક્ષમ છે તેઓ પોતાની દીકરીને ૧૧ દાગીના સોનાના આપશે તો કશો વાંધો નથી. કેટલીય વાર તો એમ પણ કહેતા હોય છે, આપે જ ને, સધ્ધર છે. પણ આ દેખાદેખીમાં ગરીબ દેવાદાર થઇ જાય છે. એક નજીકના સંબંધીને ૭ બહેન છે. કલ્પના કરો, ક્યાંથી કરી શકે. કોઇ પણ સમાજના નિયમો સક્ષમ વ્યકિતઓ માટે નથી હોતા, તેઓ મનસ્વી રીતે તેમાં સુધારા વધારા કરવાના. પણ જેઓ આર્થિક રીતે નબળા છે તેમના માટે આ તકલીફદાયક બને છે.

એક સમય વચ્ચે તેવો પણ હતો સીમંતમાં કશુ લેવું જ નહી, આ ઉત્તમ સમય હતો પણ લાંબો ચાલ્યો નહી અને પાછું આપવાનું લેવાનું શરુ થઇ ગયું. કેટલીક ભાઇઓની સરખામણીમાં સીમંતમાં દાગીના આપવામાં મુશ્કેલી થાય છે. શહેરમાં રહેતા સારી નોકરી કરતા ભાઇએ પોતાની દીકરીને વધુ દાગીના આપ્યા હોય તો ગામડામાં રહીને મજુરી કરતા ભાઇ પણ દબાણ આવે છે. તેની ક્ષમતા કરતા વધુ આપવાની કોશિશ કરે છે.

સૌથી મહત્વની વાત સીમંતમાં ઓછું કદાચ મળ્યુ હોય તો ઘરમા નાના મોટા ખટરાગ થયા હશે પણ આજ સુધી કોઇએ સીમંતમાં ઓછા દાગીના મળ્યા છે તે બાબતે સાસરીના ત્રાસના કારણે કોઇ દીકરીએ આપઘાત કર્યો હશે તે મને યાદ નથી. કોઇને રિસાઈને આ કારણે જવુ પડ્યું નથી. કારણ કે આ દહેજ નથી.

મુળ વાત એ છે કે તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી તમારી ક્ષમતા મુજબ જ આપો તેમાં કશુ ખોટું નથી પણ દેવું કરીને દેખાદેખીમાં વધારે આપશો તો તે દેવું તમારા ઘરમા અશાંતિ લાવશે. દીકરી અને જમાઇ એ આ સમજવું પડશે. શિક્ષણ માત્ર નોકરી કરવા માટે નથી. મિથ્યાભિમાનથી બહાર આવવું પડશે. હકીકતને સ્વીકારતા શીખવું પડશે.

ખાસ નોંધ: સમાજના રીતરિવાજ વિશે લખો ત્યારે ઘણા બધા નારાજ થઇ જાય છે. હુ સમાજ સુધારક નથી. હુ સમાજનો એક અદનો માનવી છુ. મને જે દેખાય છે તે તમને બધાને પણ દેખાય છે. મારી કોઇ હિંમત આ નિયમોને બદલવાની નથી. પણ સમાજના મોભીઓ આવુ બંધારણ કરવા બેસે ત્યારે આ બાબતનો ખ્યાલ રાખે તે આપણા સમાજના હિતની વાત છે. કેટલાય ઉદાહરણો તમારી આસપાસ છે જેનાથી તમે સાચી વાત સમજી શકો. આવા ઉદાહરણો મે જાણી જોઇને લખ્યા નથી કારણ કે બંધબેસતી પાઘડીમાં મિત્રોને તકલીફ થાય. રિવાજોનો વિરોધ હોઇ શકે જ નહી પણ તે કુરિવાજો ના બને તે ધ્યાનમાં રહેવું જરુરી છે. બોરિયાના એક વિદ્યાર્થી એ સમાજ સુધારક નામનું ગ્રુપ બનાવ્યું છે તેમાં જુદા જુદા વિચારો મુકવામા આવે છે. આ લેખ તે હેતુ માટે જ છે.

આ માત્ર અને માત્ર સામાન્ય નિરિક્ષણ છે. કોઇ મિત્રએ અંગત લેવું નહી. હુ તમારી સાથે, તમારી વચ્ચેનો છુ. મને પણ આ બધુ લાગુ પડે છે. આ કોઇ સુધાર માટેનો લેખ નથી.


દિનેશ મકવાણા
૨૫/૭/૨૦૧૭ સવારે ૮.૩૦
અજમેર

No comments:

Post a Comment