May 08, 2017

દલિતોએ આંબેડકરી આંદોલનને હૃદયના તાર સાથે જોડી દીધું છે : વિજય મકવાણા

એક મિત્ર કહે વિજયભાઈ, આપણી પાસે રાજ્ય /રાષ્ટ્રીય સ્તરે લડત આપી શકે તેવો મોટા ગજાનો કોઈ નેતા નથી. બીજું કે આપણી આંબેડકરી વિચારધારાથી મોટાભાગનો સમાજ અનભિજ્ઞ છે.
મેં કહ્યું નેતા ન હોવાનું કારણ સ્પષ્ટ છે. દલિતોને મોટા ગજાનો નેતા મળે તેવી સંભાવના ખુબ ઓછી મતલબ કે નહીવત છે. કારણ કે, દલિતોએ નેતા થવાની મસમોટી 'બ્રાહ્મણવાદી' શરત રાખી છે. કે, તેમનો નેતા ગરીબ, અંગત મહત્વાકાંક્ષા વિનાનો, ઈમાનદાર, પોતાના બધાં કામ પડતા મૂકી દરેક જગ્યાએ પહોંચી વળવો જોઈએ, વધુમાં નેતા બન્યા બાદ તેની મૂડીમાં એક રૂપિયાનો વધારો ન થવો જોઈએ. દલિતો સતત લીટમસ પેપર લઈને બેઠા હોય છે. આમાંથી એકપણ ટેસ્ટમાં ફેઈલ થાય એટલે તે વિના સબૂતે 'ગદ્દાર,દલાલ,ભડવો' બની જાય છે. દલિતોએ પોતાના ઉભરતા નેતાઓ પર પહેલા ભરોસો કરતા શીખવું પડશે. 

અને બીજી વાત સમાજમાં આંબેડકરી વિચારધારા તમે માનો છો તેના કરતા વધુ વ્યાપક મજબૂત છે. મને કહે કેવી રીતે? મેં કહ્યું તમે આપણા લોકોને ઓળખતા નથી. તમે સામાજિક ન્યાયની, આંબેડકરી આંદોલનની, દલિત અત્યાચારની,કોઈ પણ વાત અભણમાં અભણ પાસે લઈને જાઓ જરૂર સમજી જશે. તે વાતને તે તન-મન-ધનથી ટેકો આપશે. દલિતોએ આંબેડકરી આંદોલનને હૃદયના તાર સાથે જોડી દીધું છે. દલિતોની જીવનશૈલીમાં આંબેડકર છે. તેની રોજીંદી ઘટનાઓમાં આંબેડકર છે. તેને રેશનકાર્ડ નથી મળતું તો તે આંબેડકરને પ્રેરણાસ્ત્રોત માની ખુદની લડાઈ લડે છે. તેની જમીન રાજ્યસાત થાય છે તો આંબેડકરની સાક્ષીએ સરકાર સામે લડે છે. પોતાના હક્કની દરેક લડાઈ માટે તે આંબેડકર સિવાય બીજા કોઈની સામે માથું નથી જુકાવતો.રોજબરોજની એવી કેટલીય ઘટનાઓ છે. જ્યાં તે આંબેડકર જેમ જ સંઘર્ષ કરે છે. જો એ જીતી જાય તો માથું નમાવી આંબેડકરને જશ આપે છે. હારી જાય તો ઉપરના દલાલ,ગદ્દાર,ભડવાને! તમે નજર ફેરવો રોહિત વેમુલાની લડાઈ હોય કે ડેલ્ટા મેઘવાલની કે ઉનાના ચમારોની ઘટના એકપણ નેતા વિના દલિતો પોતાની સામાજિક લડત લડી રહ્યા છે. દરેક મામલે સરકાર/પ્રશાસન/બ્રાહ્મણવાદીઓ ચોપગા થઇ રહ્યા છે. દરેક મોરચે આપણે મનુવાદી તાકાતોને ઉંધા માથે પછાડી રહ્યા છીએ. તમે કેમ કહી શકો કે આપણે આંબેડકરી વિચારધારાથી બહુ દૂર છીએ??
દલિતોને નેતાની જરૂર નથી પડતી કેમ કે, તેમના જીવનની પ્રત્યેક ક્ષણમાં આંબેડકર હાજરાહજૂર છે.! અને આંબેડકર હોય ત્યાં તેમની વિચારધારા હોય જ દોસ્ત..!!
_વિજય મકવાણા













Facebook Post : - 

No comments:

Post a Comment