શ્રદ્ધા એટલે કોઇ પણ બાહરી શક્તિ/બાબત ઉપર ભરોસો રાખવો અને એ કોઇ પણ સાબિતી વગર.
અમુક લોકો એમ કહે છે કે શ્રદ્ધા એક વિશ્વાસ છે.
જ્યારે અંધશ્રદ્ધા એટલે કોઇ બાબત પર આંધળો વિશ્વાસ રાખવો.
જેની ઇચ્છા રાખીએ છીએ તે પ્રમાણે થશે જ એવી ચોક્કસ ખાતરી એટલે વિશ્વાસ.
(પરંતુ જ્યારે આ શ્રદ્ધા મુજબ કામ ના થાય એટલે વ્યક્તિ પોતાના નસીબને દોષ દઇ સંતોષ મેળવી લે છે.)
ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિ કે જેના ઉપર તમને આસ્થા હોય એ કહે કે તમને આ વખતે સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થશે. આસ્થાળુ વ્યક્તિ આવા સમયે તેમના પર પુર્ણ વિશ્વાસ રાખી એમને અનુસરે છે. જો ખરેખર પુત્ર પ્રાપ્તિ થાય તો વાજતે-ઘાજતે ઢોલ વગાડતા વગાડતા પોતાની શ્રદ્ધા પુર્ણ થયેલ માની જાહેર કરે છે. અને જે વ્યક્તિ ને સંતાનમાં દિકરી આવે તો પોતાના નસીબ ઉપર દોષ ઠાલવી સંતોષ મેળવી લે છે પરંતુ આગાહી કરનારનો વિરોધ કરવાનુ સામર્થ્ય હોતુ નથી એટલે ટાળે છે.
આ કીસ્સાને વિજ્ઞાન દ્વારા તાર્કીક રીતે વિચારીએ તો સંતાન માં પુત્ર પ્રાપ્તિની આગાહી કરનાર ટેકનીકલ રીતે 50% તો સાચો જ હોય છે. કેમકે માણસ જાતિમાં સ્ત્રી-પુરુષના મિલનથી દિકરો અથવા તો દિકરી જ આવે. કોઇ વાંદરુ ક્યારેય ના આવે!!!
ઉપરોક્ત કીસ્સામાં આપણા જેવા બાહરી વ્યક્તિ જો એનો આ વિશ્વાસ પુર્ણ થાય અને દિકરો આવે તો એની શ્રદ્ધા ની જીત થઇ એવુ કહીશુ. અને જો કદાચ દિકરી આવશે તો કહીશુ કે ''આટલુ બધુ કોઇનુ થોડી માનવાનુ હોય! આ એની અંધશ્રદ્ધા જ કહેવાય!!!"
મતલબ શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વ્યક્તિના ધાર્મિક વિશ્વાસ ના પરિણામ અને બાહરી વ્યક્તિના જોવાના નજરીયા પર નિર્ભર છે. એટલે આમ જોઇએ તો શ્રદ્ધા નો બીજો મતલબ જ અંધશ્રદ્ધા થાય.
તર્કવાદીઓ બતાવે છે કે વ્યક્તિએ પોતાની માન્યતા કરતાં પુરાવા પર વિશ્વાસ રાખવો જોઈએ. એ સમજવા માટે એક દાખલો લઈએ.
સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં ડૂબે છે. તેથી પહેલાંના લોકો માનતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ફરે છે. આ શ્રદ્ધા હતી. પણ વૈજ્ઞાનિકોએ આપણી સૂર્યમાળાનો અભ્યાસ કર્યો ત્યારે તેઓને પુરાવો મળ્યો કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે. એ પુરાવા પરથી હવે આપણને પૂરી ખાતરી છે કે પૃથ્વી જ ગોળ ગોળ ફરે છે. એટલે આપણે જે માનીએ એના કરતાં જેનો પુરાવો છે એમાં માનવું જોઈએ. એટલે પહેલાની શ્રદ્ધા અત્યારે અંધશ્રધ્ધા સાબિત થઇ.
શ્રદ્ધામાં માન્યતા, ભક્તિ, આસ્થા, વિશ્વાસ, પુજા, નસીબ જેવા શબ્દો વપરાય છે
જ્યારે અંધ શ્રદ્ધા માં ચમત્કાર, પરચા, વગેરે....
એટલે ઉદાહરણ તરીકે કોઇ જગ્યાએ ચમત્કાર થાય તો આપણે આપણુ દિમાગ લગાવી જાણવા પ્રયાસ કરીએ છીએ કે સાચુ શુ છે? ચમત્કાર કેવા પ્રકારનો છે? કેવી રીતે થયો? વૈજ્ઞાનિક કારણ શુ હોઇ શકે? આટલુ જાણતા જ ખ્યાલ આવી જશે કે કોઇ પણ પુર્વ આયોજિત સાયન્સની મદદ કે ગોઠવણ વગર ચમત્કાર થઇજ ના શકે. એટલે લોકો માટે એ ચમત્કાર શ્રદ્ધામાં પરિણામે છે. ગમે તેટલુ સમજાવીશુ તો પણ એ શ્રદ્ધાળુઓ માનવા તૈયાર જ નહી થાય કે આ ચમત્કાર કોઇ વ્યક્તિ દ્વારા પુર્વ આયોજીત છે. જેને તર્કવાદી અંધશ્રદ્ધા કહે છે.
થોડા ઉંડે ઉતરીએતો ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા તમે આંખ બંદ કરીને કરો છો. કહેવાનો ભાવાર્થ આંખ બંધ કરવી એટલે મગજ થી વિચારવુ નહી. મગજથી જ્યારે વિચારવાનુ બંધ કરી દઇશુ તો તર્ક નહી બચે. તર્ક નહી હોય ત્યા એવા દરેક કામ અંધશ્રદ્ધા જ કહેવાય ને?
અમુક લોકોને હજી એવી માન્યતા છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માં ઘણો ફેર છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી દિવાલ છે. વગેરે વગેરે... તમને એવુ પણ બતાવવામાં આવશે કે આવુ ના કરવુ જોઇએ તેવુ ના કરવુ જોઇએ આ અંધશ્રદ્ધા છે.... પરંતુ આખરે તો તમારી સામે પ્રશ્નાર્થ મુકી જ દેશે.
આવુ અર્થઘટન કરનાર - કરાવનાર તમને આખરે મુર્ખ બનાવી પોતાની દુકાન ચલાવી રહ્યો છે.
કોઇપણ બાબતે ધાર્મિક બની વિચારશો તો એ તમારી શ્રદ્ધા હશે. પરંતુ એ જ બાબતને તાર્કીક રીતે વિચારશો તો તમને અંધશ્રદ્ધા તરીકે ચોક્કસ દેખાશે.
નક્કી તમારે કરવાનુ છે.
પરંતુ મારા મત મુજબ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં કોઇજ ફેર નથી.
-- વિજય જાદવ
No comments:
Post a Comment