By Raju Solanki || 1 November 2017 at 15:12
પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં જંબૂદ્વીપ પ્રદેશ.
તેમાં પાંચ લાખ કૂવા, ભવ્ય પણ જર્જરીત. પાંચ હજાર વર્ષથી આ કૂવાઓએ
યેનકેનપ્રકારેણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખેલું. દરેક કૂવામાં હજાર જાતના
જીવ-જંતુ. વીંછી, નોળીયો અને સાપ. કાનખજૂરા, ગરોળી અને નાગ. વાગોળ, ઘુવડ
અને ઉંદર, કીડી, મંકોડા અને છછૂંદર. કૂવાની દિવાલોની સદીઓ જૂની તિરાડોમાંથી
ફૂટેલા પીપળા અને વડના વૃક્ષો પર સેંકડો જાતના પંખી, રંગબેરંગી માળા બાંધે
અને કિલકિલાટ કરે. આ હંધાય પશુ-પંખી એકબીજા હારે ખુબ બાઝે, લડે, નહોરીયાં
ભરાવે, લોહી કાઢે, પણ જ્યારે પેલા બિચારા દેડકાં સહેજ અવાજ કાઢે તો એની
સામે તો સૌ એકજુટ થઈ જાય. કોઈ દેડકાંને માથુ ઉંચકવા ના દે, બધા ભેગા મળીને
દેડકાઓનો તો ઘાણ કાઢી નાંખે.
કૂવાના ચીતરી ચડે તેવા મરેલા વંદાઓને ખાવાનું કામ દેડકાઓના માથે. પાંચ
હજાર વર્ષથી દેડકા નીચુ મોંઢુ રાખીને એક પવિત્ર ફરજ સમજીને આ કાર્ય કરતા
હતા. ક્યારેક એમની વચ્ચે ચર્ચાઓ થતી હતી. રૌરવ નર્ક જેવો કૂવો એમના લમણે
લખાયેલો હતો. યુવાન દેડકાઓ હવે કોઈની લૂખ્ખી દાદાગીરી ચલાવી લેવા તૈયાર ન
હતા.
અને હમણાંકથી દેડકાઓમાં અંદરો અંદર ચણભણ વધી ગઈ હતી. કેટલાક
દેડકાઓ કૂવાની બહાર ડોકિયું કરતા હતા. કેટલાક તો હિંમત કરીને કૂવાની બહાર
કૂદકો મારીને બીજા કૂવા સૂધી લટાર પણ મારી આવેલા. પાછા આવીને તેઓ કૂવાના
દેડકાઓ આગળ બહારની ચકાચૌંધ દુનિયાના રસપ્રદ વર્ણનો કરતા હતા. ક્યારેય જેમણે
કૂવો ના છોડ્યો હોય તેવા દેડકાઓ તેમની વાતો સાંભળીને ભારેખમ નિસાસા નાંખતા
હતા.
થોડાક દિવસો પર તો કેટલાક દેડકાઓએ ભારે હિંમત કરી નાંખી હતી.
કૂવાની બહાર નીકળીને જંબૂદ્વીપના મોભી સમાન નાગનાથના દર પર પહોંચી જ ગયા
હતા. અને નાગનાથને એક તીખો, અણિયાળો સવાલ પૂછી જ નાંખ્યો હતો. “હે નાગનાથ,
જંબૂદ્વીપમાં એક કૂવો બતાવો કે જ્યાં અમારી જાતના દેડકાઓ પર કોઈ જુલમ થતો
ના હોય.” નાગનાથ એની કાયમની ખંધી નજરે દેડકાઓ સામે જોઈ જ રહ્યો હતો. એણે
કોઈ જવાબ જ ના આપ્યો. દેડકાંઓ પાછા ફર્યા હતા. કોક કહેતું હતું, “જોયું,
નાગનાથને કેવો ભીંસમાં લીધો. સાલાને પસીનો છૂટી ગયો.” કોક કહેતું હતું,
“ક્યાંથી બતાવે કૂવો? એના બાપના તબેલામાંથી બતાવે? આવો કોઈ કૂવો જ નથી,
જ્યાં દેડકાઓ પર અત્યાચાર થતો ના હોય.”
એક વાદળી આંખોવાળો દેડકો
ક્યારનો ખૂણામાં બેઠો બેઠો બધી ચર્ચાઓ સાંભળતો હતો. એણે મોટેથી ઘાંટો
પાડીને કહ્યું, “ભાઈઓ, આ બધી મોંકાણ આ કૂવાના લીધે છે. કૂવો છોડીને બાજુના
તળાવમાં જતા રહીએ તો કેવું?” “તળાવમાં ભૂખે મરી જઇશ. છાનોમાનો બેસ.
દોઢડાહીના,” કૂવાના સૌથી વૃદ્ધ દેડકાએ એને તતડાવ્યો. વાદળી આંખોવાળો દેડકો
ગાંજ્યો જાય એવો ન હતો. તે બોલ્યો, “ભૂલી ગયા લ્યા, પેલા મહામાનવે શું
કહેલું આપણા બાપદાદાવને? કૂવો છોડો, તળાવ ચલો. કહેલું કે નહીં?”
એવામાં કૂવાની બહાર મોટી મોટી પીપુડીઓ વાગી. વાદળી આંખોવાળા દેડકાનો અવાજ
તેમાં દબાઈ ગયો હતો. એક ઉત્સાહી દેડકો ક્યાંકથી આવીને ટપક્યો હતો. કહેતો
હતો, “ભાઈઓ, આ બધી જંજાળ છોડો. મહિના કેડે ચૂંટણી આવી રહી છે. આપણે આપણા
દુશ્મન નાગનાથની જગ્યાએ સાપનાથને ચૂંટી કાઢીએ. આપણા મોટાભાગના પ્રશ્નો હલ
થઈ જશે.”
બધા એની સામે જોઈ રહ્યા.
બહાર પીપુડીઓનો અવાજ વધારે મોટો થવા માંડ્યો હતો.
રાજુ સોલંકી
Mane toh laagyu Chandravadan Saheb ni kruti nu pdf mali gyu pan aa toh tamaari kruti. Nice... keep going
ReplyDelete