July 22, 2018

14 મી એપ્રિલ આવશે ને બાબા સાહેબ આંબેડકર યાદ આવવા માંડશે...

By Jigar Shyamlan ||  Written on 10 April 2018



બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ પર જામેલી ધુળ દુર કરવામાં આવશે, પાણીથી ધોવામાં આવશે. પ્રતિમાને માલ્યાર્પણ કરી શકાય તે માટે સીડીઓ ગોઠવાશે.

ઓફીસ કે ધરના માળિયામાં ગોઠવી મુકી રાખેલ અશોક ચક્રની છાપવાળા જયભીમ લખેલા બ્લ્યુ ઝંડાઓ અને સ્લોગનોના બેનરો નીચે ઉતારવામાં આવશે.

મોબાઈલ હેંગ થવા માંડે તેટલી હદે આંબેડકરી વિચારધારાના મેસેજોનો મારો વોટ્સએપ્પ અને ફેસબુક પર થતો રહેશે.

આ દિવસે કેટલાક અનોખા પ્રસંગો પણ જોવા મળશે.


  •  વરસના 365 દિવસ મંદિરોમાં જઈ પથ્થરાઓને નમન કરનારાઓ અને પુજા પાઠ, વ્રત, કથા કરાવનારાઓ.

  •  આખી જિંદગી વણકર અને ચમારના અલગ સંગઠનો બનાવનારાઓ.

  •  પોતાના પેટાજાતિ અને ગોળ-પરગણાનુ મિથ્યાભિમાન કરનારાઓ.

  •  માત્ર ચુંટણી પુરતા જ એસ.સી. બનનારા અને ચુંટણી પછી પોતાના પક્ષના કાબેલ ચમચા બનવા મથનારા રાજનેતાઓ અને આગેવાનો.


આવા બધા નમૂનાઓ બ્લુ વાવટાઓ પકડીને, બાબા સાહેબની પ્રતિમાને માલ્યાપર્ણ કરશે, બાબા સાહેબ વિશે ભાષણોની ભરમાર કરી દેશે, અને ઉછળી ઉછળીને જય ભીમ કરતા દેખાશે.

આ બધુ એક જ દિવસ પછી બીજા દિવસે કોઈ આંબેડકરને યાદ પણ નહી કરે. એટલી હદે કે બીજા દિવસથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ ધુળ ખાતી થઈ જશે.

આ 14 મી એપ્રિલે પહેરાવેલ ફુલોનો હાર સુકાઈને કચરો બની જશે અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આંખો કચરો બની ચુકેલ ફુલના હારતોરા હવે આવતી 14 મી એપ્રિલ સુધી કોણ હટાવશે એની રાહ જેવામાં અધિરી બની જશે.

મિત્રો આવી રીતે તો વરસોથી ઉજવાતી રહી છે આંબેડકર જયંતિ. બસ એવી જ રીતે આ વરસે પણ ઉજવાશે. અને કદાચ આવનારા વર્ષોમાં ઉજવાતી રહેશે.
આંબેડકર જયંતિની ઉજવણીઓમાં જાણે અજાણ્યે બાબા સાહેબની વિચારધારાને બદલે તેમની પ્રતિમાઓ અને ફોટાઓનુ પૂજન કરવામાં મગ્ન બની રહ્યા છીએ. વિચારધારા ક્યાંય નથી.

કારણ એક સાદો નિયમ એવો છે જો માણસનો સંપુર્ણ નાશ કરી નેસ્તનાબુદ કરવો હોય તો પહેલા તેની વિચારધારાને ખતમ કરો.

સમાજમાં બાબા સાહેબ આજે જીવંત છે પણ માત્ર એક પ્રતિમા બની રહી ગયા છે, જે માત્ર 14 મી એપ્રિલે જ યાદ આવે છે. વિચારધારા ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે.
આ વરસની ઉજવણીમાં એક નાનકડી અપિલ છે કે દરેક યુવા મિત્ર જેઓ ખરેખર બાબા સાહેબ પ્રત્યે થોડાક પણ ગંભીર હોય તેવા મિત્રો વરસમાં ઓછામાં ઓછુ એક બાબા સાહેબનું પુસ્તક અવશ્ય વાંચે એમાં પણ બાબા સાહેબે લખેલા વોલ્યૂમ અવશ્ય વાંચે અને બાબા સાહેબને સમજવાનો પ્રયાસ કરે.

માણસ ખતમ થઈ શકે છે પણ વિચારધારા કદીય મરતી નથી એ સદાય જીવંત રહે છે.

કારણ આ લડાઈ બાબા સાહેબના વિચારોની જ છે.
- જિગર શ્યામલન


Facebook Post :

No comments:

Post a Comment