By Raju Solanki || Written on 15 July 2018
આ દેશમાં દલિત જાતિઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃિતના દંભી પ્રવક્તાઓને હંમેશાં પડકારતી રહી છે. આ જાતિઓ આપણને એવા ભયાનક ઇતિહાસનું સ્મરણ કરાવે છે, જેના પર આજે સમયની રાખ વળી ગઈ છે. આંધ્રપ્રદેશની માતંગ એવી એક જાતિ છે, જે તમને મહાભારતકાળની યાદ અપાવે છે.
મહાભારતમાં જ્યારે ભીષ્મ બાણશૈયા પર પોઢ્યો હતો, ત્યારે યુધિષ્ઠિર એને પૂછે છે કે જો કોઈ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા ઇચ્છે તો તે કઈ રીતે મેળવી શકે. જવાબમાં ભીષ્મ તેને પ્રાચીન ઇતિહાસનું એક દ્રષ્ટાંત સંભળાવે છે. આ કહાની બહુ રસપ્રદ છે અને એના તાર વર્તમાન સમય સાથે ચોક્કસ જોડાયેલા છે.
વાર્તા આવી છે: એક સમયે કોઈ બ્રાહ્મણને માતંગ નામે પુત્ર હતો. એકવાર પિતાની આજ્ઞાથી યજ્ઞકાર્ય માટે રથ સાથે ગધેડી અને તેના બાળકને જોડીને ચાલતો હતો. રસ્તામાં તે ગધેડી અને તેના પુત્ર ગર્દભને ચાબુક ફટકારતો હતો. દુખી ગધેડીએ તેના બાળકને કહ્યું કે રથ પર સવાર માણસ કોઈ ચાંડાળ છે, બ્રાહ્મણ નથી. માતંગ મા-દિકરા વચ્ચેનો ડાયલોગ સાંભળી ગયા અને તેને પૂછ્યું કે તું મને કેમ ચાંડાળ કહે છે. ગધેડી જવાબમાં માતંગને કહે છે કે, તારી માતા બ્રાહ્મણી હતી, પરંતુ યુવાનીને કારણે તે મદમાતી બની ત્યારે તેણે શુદ્ર જાતિના વાળંદ સાથે વ્યભિચાર કર્યો. એમાંથી તું ચાંડાળ પેદા થયો.
પ્રાચીન કાળમાં નાલાયક મનુએ આંતરલગ્નો પર પ્રતિબંધ મુકેલો અને એમાં પણ પ્રતિલોમ એટલે કે નીચી જાતિના પુરુષ સાથેના સંબંધ પર તો કઠોરતમ નિયંત્રણો હતા. ક્રાંતિકારી, પ્રગતિશીલ બ્રાહ્મણ સ્ત્રીઓ ત્યારે મનુના બંધનો ફગાવીને શુદ્ર સાથે લગ્ન કરતી તો તેમના સંતાનોને ચાંડાળ કહેવામાં આવતા હતા. અહીં મહાભારતકાર એક પવિત્ર લગ્નસંબંધને ‘વ્યભિચાર’ કહે છે, એમાં તેની હલકટ મનોવૃત્તિનું જ પ્રતિબિંબ પડે છે.
માતંગને ગધેડીની વાત સાંભળીને બહુ જ માઠુ લાગે છે અને પછી તેઓ કહેવાતું બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવા કઠોર તપશ્ચર્યા કરે છે એવી વાત છે. દલિતો આજે પણ માતંગ ઋષિને યાદ કરે છે. પણ ભાગ્યે જ કોઇને આ કથાના આધૂનિક પરીમાણો સમજવાની ફુરસદ છે. માતંગ જાતિનું બીજુ નામ યેલ્લમા વંડલુ છે. યેલ્લમા માતાના મંદિરમાં કુંવારી માતંગ સ્ત્રીને દેવદાસી બનાવવામાં આવે છે અને ગામના કહેવાતા સવર્ણો દેવદાસીનું જાતિય શોષણ કરે છે. હજુ એકવીસમી સદીમાં પણ આ પ્રથા નેસ્તનાબૂદ થઈ નથી. ક્રાંતિકારી ઋષિ માતંગનું પરાકલ્પન (મીથક) તમારા બાળકોને કહેવાનું ભૂલતા નહીં. ઉના-ભારતના મૂળ મહાભારતમાં છે. યાદ રાખજો.
No comments:
Post a Comment