July 18, 2018

જો બાબા સાહેબે લેખન કાર્ય ન કર્યુ હોત તો...

By Jigar Shyamlan ||  Written on 1 April 2018


મને એક વિચાર રોજ આવે છે કે સારૂ હતુ બાબા સાહેબે ખુદ લખવાનુ શરૂ કર્યુ હતુ. કારણ જો બાબા સાહેબે લેખન કાર્ય ન કર્યુ હોત તો આજે બહુજન સમાજની સામાજીક અને રાજકીય જાગૃતિ ક્યાં હોત..?

બાબા સાહેબ પોતાના પુસ્તકોનો એક અમૂલ્ય વારસો મૂકી ગયા છે જે એક વિશ્વવિધ્યાલયથી કમ નથી. જેના કારણે આજે વિચારધારાનો ઉદભવ થઈ શક્યો છે.

બાબા સાહેબે ઘણી બધી વાતો કહી છે. દરેક સમસ્યાઓની વિગતવાર ચર્ચા તથા તેનો ઉકેલ પણ બતાવ્યો છે.

આપણા યુવાનોને આક્રમક બાબા સાહેબ બહુ ગમે છે. હિન્દુ ધર્મના છોતરા કાઢનારા, રામ, કૃષ્ણ પર સવાલ ઉઠાવનારા, ગાંધીજી અને કોન્ગ્રેસની પોલ ખોલનારા પણ બૌધ્ધ ધમ્મ અંગિકાર કરનાર બોધિસત્વ બાબા સાહેબ આપણા યુવાનોને જચતા નથી.

કારણ મુખ્ય વસ્તુ એ છે કે આપણે બાબા સાહેબને વાંચતા નથી. અને વાંચીએ તોય એન્હીલેશન ઓફ કાસ્ટ, રીડલ્સ ઓફ હીન્દુઈઝમ અને હુ વેર ધ શુદ્રાઝ.. બસ આનાથી આગળ વાંચતા જ નથી. બુધ્ધા એન્ડ હીઝ ધમ્મા પણ દરેકે વાંચવી જ જોઈયે.

હિન્દુ ધર્મમાં અસ્પૃશ્ય સમાજને ભોગવવો પડતો જાતિગત ભેદભાવ દુર કરવા બાબા સાહેબે અનેક પ્રયાસ કર્યા. અને તે માટે અનેક ઉપાયો પણ સૂચવેલા છે.

આ જાતિગત ભેદભાવ માટે શરૂમાં બાબા સાહેબે એક વાત કહેલી જે પાછળથી એક સુત્ર જ બની ગયુ હતું.

એ વાત હતી..
શિક્ષિત બનો, 
સંગઠીત થાઓ અને 
સંધર્ષ કરો.. 
બસ આપણને બાબા સાહેબ આંબેડકરની આ એક જ વાત યાદ છે. આ વાત મોટાભાગના એસ.સી. સમાજના સંગઠનો , બાબા સાહેબના નામ કે વિચારો સાથે સંકળાયેલ સંગઠનો અને સંસ્થાઓના લેટરપેડ ઉપર અચૂક જોવા મળે છે.

આ વાતનો બહુ ઝાઝો પ્રચાર પ્રસાર થયો છે એટલે બાબા સાહેબનુ નામ આવે ત્યારે પહેલા આ ત્રણ વાતો યાદ આવી જાય છે.

પણ જ્યારે આ સુત્ર આપવામા આવેલ ત્યારે આપણા લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર તાજો જ મળ્યો હતો. એટલે એ સમય દરમિયાન આ વાત યોગ્ય હતી.
શિક્ષણ થકી જીવનધોરણમાં બદલાવ આવવા છતા પણ હિન્દુ સમાજમાં હજી પણ અસ્પૃશ્યોની હાલતમાં કોઈ ખાસ ફરક પડ્યો ન હતો.

બાબા સાહેબે સંવિધાન થકી અધિકાર અપાવી અસ્પૃશ્યોને સમાજની મુખ્ય ધારામાં સામેલ કરવા તમામ પ્રયાસો કરી જોયા પરંતુ હિન્દુ સમાજે અસ્પૃશ્યોને સ્વમાન, સન્માન અને આદર આપવાની જરીક પણ વૃત્તિ બતાવી ન હતી. ઉલટાના ભેદભાવ વધુ જડ બની રહ્યા હતા.

તમામ પ્રયાસો કરવા છતા કોઈ ખાસ પરિણામ ન દેખાતા આખરે બાબા સાહેબે હિન્દુ સમાજને પડતો મૂકી ખુદને બદલવાની વાત કરી હતી. બાબા સાહેબે બૌધ્ધ ધમ્મ તરફ પ્રયાણ કર્યુ અને પોતે બૌધ્ધ બની ગયા.

એ વખતે બાબા સાહેબે આ સમસ્યાના નિવારણ માટે એક બીજી વાત કહી હતી જે યોગ્ય હતી. પરંતુ બાબા સાહેબની આ બીજી વાત એટલી પ્રચલિત ન બની જેટલી પહેલી વાત બનેલી. એ બાબતે બહુ ઓછા લોકો જાગૃત છે.

એ બીજી વાત હતી..
નામાંતર કરો...
ધર્માતર કરો...
સ્થળાંતર કરો...

પણ એક મહત્વપૂર્ણ વાત એ છે કે હજી સુધી આપણે શિક્ષિત બનો, સંગઠીત થાઓ અને સંધર્ષ કરો.. પછીની બાબા સાહેબે કહેલી સ્ટ્રેટેજીને બહુ ગંભીરતાથી લીધી જ નથી.
- જિગર શ્યામલન



Facebook Post :

No comments:

Post a Comment