July 03, 2017

બંધારણવાળો બાબો ભાગ ૮

By Raju Solanki




4 નવેમ્બર, 1948ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણસભામાં બંધારણની મુસદ્દા સમિતિના ચેરમેન તરીકે દેશના બંધારણનો મુસદ્દો રજુ કર્યો ત્યારે એમણે એમના ઐતિહાસિક પ્રવચનમાં ભારતને મહાન બનાવવાનો રોડ મેપ આપ્યો હતો. કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ત્રીજા વોલ્યૂમના પેઇજ 31થી 44 પર નોંધાયેલું આ વક્તવ્ય પોતાને બુદ્ધિજીવી માનતા દરેક ભારતીયે વાંચવા જેવું છે. અકાટ્ય તર્ક, પારદર્શક દલીલો અને બુદ્ધિના ચમકારા જેના એક એક શબ્દમાં છે એવા આ પ્રવચનમાં આર્ષદ્રષ્ટા આંબેડકર સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.
ભારતનું બંધારણ દુનિયાના બીજા દેશો અને ખાસ કરીને અમેરિકા અને બ્રિટનના (અલેખિત) બંધારણ કરતા કઈ રીતે જુદું પડે છે એના ખાસ લક્ષણો બાબાસાહેબે તારવી બતાવ્યા હતા. અત્યારે નાગપુરની ગોબરમંડળી જે આક્ષેપ કરી રહી છે એ ગંદો, ગલીચ આક્ષેપ એ વખતે પણ થતો હતો કે ભારતનું બંધારણ તો દુનિયાના બીજા દેશોના બંધારણોની કોપી માત્ર છે. એ અપપ્રચારનો જવાબ આપતાં બાબાસાહેબે કહ્યું હતું કે, “બીજા દેશોના બંધારણોની આંધળી નકલ કરવાનો આરોપ, મને ખાત્રી છે કે (આપણા) બંધારણના અપૂરતા અભ્યાસને આભારી છે. બંધારણના મુસદ્દામાં શું નવીન છે તે મેં દર્શાવ્યું છે અને મને ખાત્રી છે કે જે લોકોએ બીજા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો છે અને જેઓ આ સમગ્ર બાબતને તટસ્થતાપૂર્વક વિચારવા તૈયાર છે તેઓ સંમત થશે કે જે રીતે ચીતરવામાં આવે છે તે રીતે મુસદ્દા સમિતિ પોતાની ફરજ બજાવવામાં આવી કોઈ આંધળી કે ગુલામ નકલની શિકાર બની નથી.”
(તસવીર - અમેરિકી બંધારણસભા)

- રાજુ સોલંકી


Facebook Post :-

No comments:

Post a Comment