‘એક ટુકડો આકાશનો’, લીના પટેલના લેખોનો સંગ્રહ છે. ‘સેવા’ સંસ્થાના મુખપત્ર ‘અનસુયા’માં લીનાએ શાકભાજી વેચતી, માર્કેટમાં માથે વજન ઉંચકીને ફેરા કરતી ને માથોડા કામદારના નામે ઓળખાતી, અગરબત્તી બનાવતી, બીડી બનાવતી સ્ત્રીઓના જીવલેણ જીવતરની વ્યથાકથાઓ આલેખી હતી. એમની રોજિંદી એવી સમસ્યાઓ કે જે ક્યારેય સભ્ય સમાજને સમસ્યા લાગી જ નથી, જેમ કે માર્કેટમાં આખો દિવસ શાકભાજી વેચતી સ્ત્રીઓ માટે ટોઇલેટની નાની અમથી વ્યવસ્થા હોવી જોઇએ એ આપણને સમજાયું જ નથી. લીનાએ આ બધા પ્રશ્નોની ભીતરમાં જઇને ફીલ્ડ વર્ક કરેલું અને આ અભણ સ્ત્રીઓને સમજાય એવી બોલચાલની ભાષામાં એમની જિંદગીનો નિચોડ શબ્દસ્થ કરેલો. લીનાની સ્મૃિતમાં એના લેખો ગ્રંથસ્થ થાય એવી લાગણીથી પ્રેરાઈને સંગીતા પટેલે સંપાદન કર્યું. એ આ નાનકડું પુસ્તક.
સેવાની કાર્યકર બહેનોને સિવિલ હોસ્પિટલમાં કેન્સરની તપાસ અર્થે લઈ જતાં અને કેન્સરની આગોતરી જાણ સારુ યોજેલી તાલીમ દરમિયાન લીનાને પોતાને ખબર પડી કે તેને પણ સ્તન કેન્સર થયું છે અને અહીંથી શરૂ થયો હતો તેનો મહાભયાનક કેન્સર સામેનો જંગ. કેન્સર થયું છે એવું ‘સેવા’ના એકપણ સહકાર્યકરને તેણે જણાવેલું નહીં. માત્ર તેના આપ્તજનોને જ રોગની ખબર હતી. ઓપરેશન પછી ધીરે ધીરે સૌને ખબર પડેલી. કેન્સરનો મહાવજ્રપાત જીરવવો સહેલો નહોતો.
મુદ્રણ કળાની નિષ્ણાત લીનાએ જે ખંતથી અને લગનથી વાલજીભાઈ પટેલનો લેખ સંગ્રહ ‘કર્મશીલની કલમે’ કે દિવંગત ટીકેશ મકવાણાનો લેખ સંગ્રહ ‘પથ્થર તો તબિયત સે ઉછાલો યારો’ કે ‘સેવાના ચાંદ’ જેવા ગ્રંથો તૈયાર કરેલા એટલી ચીવટથી એના લેખોનો આ સંગ્રહ અલબત્ત, બહાર પાડી શકાયો નથી. થોડીક પ્રુફની ભૂલો રહી ગઈ છે. એ બદલ ક્ષમા પ્રાર્થનાસહ લીનાના મિત્રો, શુભેચ્છકો, એના સુખદુખના સાથીદારો સમક્ષ મુકીએ છીએ આ ‘એક ટુકડો આકાશનો.’
No comments:
Post a Comment