July 09, 2018

શિક્ષણની તાલાવેલી

By Raju Solanki  || Written on 16 June 2018


ભૂજમાં મીરઝાપુર રોડ, હાઇવે પર ભગવતી હોટલ સામે ઝુંપડામાં રહેતા અમથુબેનનો મારા પર ફોન આવ્યો. કહે છે, “મારો છોકરો પીથોરાગઢ પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં ભણે છે, એને મારે ઇંગ્લિશ મીડીયમમાં ભણાવવો છે. કેમ કે, ઇંગ્લિશમાં એક વરસ ભણાવો એટલે ગુજરાતીમાં પાંચ વરસ ભણાવવા બરાબર છે.”
એમને ગરવી ગુજરાતીની ગૌરવગાથા કહેવાનું મને ઉચિત ના લાગ્યું. હું એમને સાંભળતો જ ગયો. છોરાને અંગ્રેજીમાં ભણાવવા માટે એમણે કેવા પ્રયાસ કર્યા એનું વર્ણન કરતા એમણે કહ્યું, “હું ધ્રંગ લોડાઈ ગઈ. ત્યાં ઇંગ્લિશ મીડીયમની સ્કુલ છે. ખ્રિસ્તી બેનો ભણાવે છે. એમને પૂછ્યું તો કે’છે રૂપિયા 26,000 વરસની ફી ભરો. એકથી પાંચ ધોરણ સુધી છવીસ હજાર, એના પછી તો ફી વધારે છે. પછી હું અહીં ભૂજમાં નવી સ્કુલ બની છે. લાયન સ્કુલ. તો એમાં એકથી પાંચ ધોરણની ફી રૂપિયા 32,000.”
“હું તો ચાર ચોપડી ભણી છું. મજુરી કરું છું. મારો ઘરવાળો અંગુઠાછાપ છે. કડીયાકામ કરે છે. સાંજ પડે, 300-400 રૂપિયા લઈને ઘરે આવે છે. મને તો મારા માબાપે ના ભણાવી પણ, મારે મારા છોકરાને ભણાવવો છે.”

ગુજરાતના એક અતિ પછાત જિલ્લાની કોળી-ઠાકોર સમાજની એક અભણ માતાની આ વેદના છે. એણે પંદર મિનિટ સુધી મારી સાથે વાત કરી. મને એની વાતમાં રસ પડ્યો એટલે ચાલુ ફોને એની વાતો મારી ડાયરીમાં ટપકાવી લીધી. એની સાથે કામ કરતી બહેને એને મારો નંબર આપીને કહેલું, કે આ સાહેબને ફોન કરો એ શિક્ષણનું કામ કરે છે. મેં એને કહ્યું કે ભૂજમાં અમારા સાથીદારોને તમારો ફોન નંબર આપું છું. તેઓ તમને મદદ કરશે. એમણે જય માતાજી કહીને ફોન મૂકી દીધો. હજુ હું વિચારું છું, ભૂજની મારી આ બહેનને શિક્ષણની કેવી તાલાવેલી જાગી છે. હવે આ જ એક મુદ્દો છે ગુજરાતમાં જેના પર આપણે વિચારવાનું છે, લડવાનું છે.


Facebook Post :-

No comments:

Post a Comment