May 19, 2017

મને કોઇ ધર્મની જરુર નથી..! : વિજય મકવાણા

મને કોઇ ધર્મની જરુર નથી.!
કેમ કે મારે કઇ રીતે જીવન જીવવું તે નક્કી કરવાનો અધિકાર ફક્ત મારી પાસે છે.
મારા જીવન વિશે, મારી દૈનિક ગતિવિધી વિશે નિર્ણય કરવાનો અધિકાર કોઇ ધર્મને,તેના ઠેકેદારોને,તેના અનુયાયીઓને કે, તેના ધર્મગ્રંથોને હરગીજ નથી. કોઇ ધર્મ અને તેના ઠેકેદારો મારા માટે કોઇ બંધન અથવા કાયદો કે નિયમ ન બનાવી શકે અને બનાવે તોય હું સ્વીકારું પણ નહી. હું અસ્વીકાર કરું છું.
મારા માટે ભારતીય સંવિધાનમાં જે બંધનો છે તે પુરતાં છે. અને હું સંવૈધાનિક બંધનોનો સ્વીકાર કરું છું. સન્માન કરું છું.
મારે કોઇ ધર્મની ખરેખર જરુર નથી કેમ કે, મને કોઇપણ પ્રકારની પૂજાથી નફરત છે. હું જાણું છું કે કોઇપણ પ્રકારની પૂજાથી કંઇપણ જાતની સિદ્ધી નથી મળવાની. તમારે જો કંઇ નક્કર મેળવવું જ હોય તો તે તમારી અંદર રહેલાં શુદ્ધ વિચારોથી જ મળશે.
મારે સંસ્કારો માટેય ધર્મની જરુર નથી. વગર ધર્મે પણ પ્રત્યેક વ્યક્તિ જાણી શકે છે કે, સારું શું? અને ખરાબ શું? ધાર્મિક વ્યક્તિઓ પણ શું સારું અને શું ખરાબ છે તે જાણે છે. તેમ છતાંય ખોટાં કામો કરવાવાળા મોટા ભાગના ધાર્મિકો હોય છે. તમે જોઇ શકો છો ઇશ્વરની જેમ પુજાવાવાળા કેટલાંક ધર્મના ઠેકેદારો આજે જેલમાં છે તો કેટલાંક જેલયાત્રા કરી પરત આવી ચૂક્યાં છે. જો તમારો ધર્મ તમને દુષ્કર્મોથી મુક્તિ ન અપાવી શકે તો એનો ફાયદો શું? જુઠ્ઠા ધર્મનો ઢંઢેરો પીટવાથી શો લાભ??
મારે ધર્મની કોઇ જરુર નથી કેમ કે, માનવતાનું જેટલું નુકસાન ધર્મોએ કર્યું છે એટલું કોઇએ નથી કર્યું..સૌથી પહેલાં ધર્મના હાથે જ માનવતાનું ખૂન થયું છે. મોટા મોટા નરસંહારો ધર્મના નામ પર જ થયા છે. એક ધર્મના ઠેકેદારોએ બીજા ધર્મના ઠેકેદારોનું બેહિસાબ લોહી વહેવડાવ્યું છે.
મારે ધર્મની કોઇ જરુર નથી કેમ કે, ધર્મ જ્ઞાનથી અજ્ઞાન તરફ લઇ જાય છે. ધર્મ અંધશ્રદ્ધા અને પાખંડને પોષણ આપે છે. એ ધર્મના ઠેકેદારો જ હોય છે જેમની હવસની પૂર્તિ ન થતા જેઓ મહિલાઓને ડાકણ જાહેર કરે છે. પછી એની પર બળાત્કાર કરી પત્થરો મરાવે છે,જીવતી સળગાવે છે.
ધર્મ મનુષ્યને પ્રકાશથી અંધકાર તરફ લઇ જાય છે. અને મને પ્રકાશમાં, અજવાળાંમાં રહેવાની આદત થઇ ગઇ છે. તેથી હું અંધકારમાં જવા નથી માંગતો. એ ધર્મના ઠેકેદારો જ હોય છ જે દેવી-દેવતાને ખુશ કરવા માટે માસુમ બાળકોની બલી ચઢાવી દે છે. એ ધર્મના ઠેકેદારો જ હોય છે જે ધર્મના નામ પર ભોળી જનતાનું આર્થિક,સામાજીક,માનસિક શોષણ કરે છે. મારે ન તો કોઇ વ્યક્તિનું શોષણ કરવું છે ન તો મારું શોષણ થવા દેવું છે. તેથી મારે ધર્મની કોઇ જરુર નથી. મારે ન તો સ્વર્ગ જોઇએ છે કે ન તો મને કોઇ નરકમાં રુચિ છે. કેમ કે, હું જાણું છું કે મારું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી મારું મસ્તક જીવે છે. મસ્તકના મૃત્યું પછી ન તો કોઇ મને નરકની અગ્નિમાં જલાવી શકે છે. અને ન તો કોઇ સ્વર્ગનો આનંદ આપી શકે છે. મસ્તકની સમાપ્તિ પછી મારું અસ્તિત્વ શૂન્ય થઇ જશે. મસ્તકના ખત્મ થવાની સાથે જ ન તો કોઇ આત્મા રહેવાનો ન કોઇ પરમાત્મા પછી સ્વર્ગ-નરક જેવી કાલ્પનિક ચીજોનો આનંદ કોણ ઉઠાવશે??
મારે ધર્મની કોઇ જરુર નથી કેમ કે, હું મારું જીવન મારી શરતો પર જીવવા માંગુ છું..ભલે મારું જીવન અભાવોથી ભરેલું હોય, ભલે હું ભુખ્યો-તરસ્યો રહું, સુક્કી રોટલી ખાઇ લઇશ. પણ જીવન હું મારી રીતે વિતાવવા માંગુ છું. જો હું બીજાઓની વ્યાખ્યા અનુસાર જીવીશ તો મારામાં અને પશુઓમાં ફેર શું રહેશે??
-વિજય મકવાણા



















Facebook Post :-

No comments:

Post a Comment