July 11, 2018

માઇનોરિટી દરજ્જો અને માઇનોરિટી ટ્રસ્ટનો ફરક શું છે?

By Raju Solanki  || Written on 25 June 2018


અમદાવાદના અસારવા વિસ્તારમાં બાબુ જગજીવનરામ બ્રિજના એક છેડે ઇદગા સર્કલ છે. બીજા છેડે જ્યુબીલી બ્લોક્સ (અગાઉની પારસીની ચાલી) છે. તેની બરોબર સામે બ્રિજની નીચે પ્રેરક વિદ્યાલય નામની ખાનગી, નોન-ગ્રાન્ટેડ શાળા છે. શાળાના સંચાલક આરટીઈ હેઠળ એક બાળકને પ્રવેશ આપતા નહોતા એવી વાલીએ ફરિયાદ કરતાં એડવોકેટ મિત્રો નરેન્દ્ર સોલંકી અને પ્રતીક સોલંકી સાથે મેં શાળાની મુલાકાત લીધી. સ્કુલનું નામ પહેલીવાર સાંભળ્યું. શિક્ષણના ખાનગીકરણના જોરદાર પવનમાં કેવા કેવા ખૂણા ખાંચરામાં વેપારી વૃત્તિના લોકોએ ખાનગી શાળાઓ ઉભી કરી દીધી છે.
સ્કુલના માલિક પંજાબી હિન્દુ છે. વાલી પર ચીડાયેલા. મોટે મોટેથી બોલતા જાય, “તમને કહ્યું તો ખરું કે તમે વિદ્યાર્થીના પિતાનું પાન કાર્ડ, પગારની સ્લિપ લેતા આવો. પ્રવેશ આપી દઇશ. એના બદલે તમે તો ધારાસભ્ય પ્રમોદ પરમારને ફોન કર્યો. ઓલાને ફોન કર્યો અને પોલાને ફોન કર્યો.” સ્કુલના માલિક એટલે ઘાંટા પાડવાનો તો મને જ હક્ક છે, એવી મગરૂબી એમના ચહેરા પર ડોકાતી હતી. નેવુ કિલો વજન. લગભગ સાઇઠ ઇંચની કમર. આ માણસ શાળાના સંચાલક કરતા વધારે તો ચણા-મમરા વેચતા ભાડભૂંજિયા જેવો લાગતો હતો.
મેં એમને શાંતિથી સમજાવ્યા. કાયદાની જોગવાઈઓની વાત કરી એટલે એમણે કહ્યું, “મારી સ્કુલ માઇનોરિટી સ્કુલ છે, તોય મેં માનવતાને ખાતર આરટીઈમાં એડમિશન આપ્યા છે.” મેં એમને માઇનોરિટી ટ્રસ્ટ અને માઇનોટરિટી દરજ્જા વચ્ચેનો ફરક સમજાવ્યો. કોઈ શાળાના ટ્રસ્ટમાં ચોક્કસ માઇનોરિટીના લોકો હોય એટલે તે માઇનોરિટી થઈ જતી નથી. એ સ્કુલે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં લઘુમતી દરજ્જા માટે અરજી કરવી પડે છે. અને યોગ્ય ચકાસણી પછી સરકાર એ સ્કુલને માઇનોરિટીનું સ્ટેટસ ગ્રાન્ટ કરતો ખાસ પરિપત્ર બહાર પાડે છે. આ પરિપત્ર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને પહોંચતો હોય છે. એટલે જિલ્લામાં કેટલી શાળાઓ લઘુમતી દરજ્જો ધરાવે છે એની ડીઈઓને જાણ હોય જ. અને એવી શાળાને આરટીઈના ક્વૉટામાંથી બાકાત રાખી છે એટલે ડીઈઓ ત્યાં બાળકો મોકલે જ નહીં. મોકલે તો એની ફરજ ચૂક્યો છે એમ જ કહેવાય.
મારી વાત સાંભળીને એમની બોબડી બંધ થઈ ગઈ.

બીજા દિવસે વાલીનો ફોન આવ્યો કે બાળકને શાળામાં પ્રવેશ આપી દીધો છે.

No comments:

Post a Comment