July 11, 2018

બધી ખૂબીઓ એક જ આદર્શમાં મળી જાય પછી મારે બીજા કોઈને શા માટે આદર્શ બનાવવો પડે.

By Jigar Shyamlan ||  Written on 16 March 2018


એક જ વસ્તુના અનેક ગણા ફાયદા હોય છે. વસ્તુ એક હોય પણ સચોટ અને અસરકારક રીતે ઘણા બધા અલગ અલગ કામમાં ઉપયોગી થાય છે. આવી વસ્તુને મલ્ટીપર્પઝ કે ઓલરાઉન્ડર કહેવાય, મતલબ બધી જગ્યાએ ચાલે. આપણે કેટલીયવાર એવા અનુભવમાંથી પસાર થઈએ છીએ.

એવુ વિચારધારામાં ય બનતુ હોય છે પરંતુ તેની મર્યાદાઓ છે. કોઈ એક વિચારધારા માત્ર એકાદ બે પરિબળ માટે અસરકારક નિવડી શકે. પરંતુ એક વિચારધારા અનેક પરીબળોને સ્પર્શતી હોય અને તમામ માટે અસરકારક નિવડી શકે તેમ હોય આવુ જવલ્લે જ બને.

સમતા, સમાનતા, બંધુતા અને ન્યાય આ તમામ માનવીય અધિકારોને સ્પર્શતી હોય અને અસરકારક નિવડી શકે તેવી વિચારધારા માત્ર એક જ બુધ્ધ, જ્યોતિબા, આંબેડકરની વિચારધારા.

હવે હાલ આપણાં કેટલાક ભાઈઓ સર્વહારા, બુર્જવા, ક્રાન્તિ, નાસ્તિક વગેરે જેવા શબ્દોનો અર્થ સમજ્યા વગર એક ચોક્કસ રંગ તરફ ખેંચાઈ રહ્યા છે. જો કે મને પર્સનલ કોઈ અફસોસ નથી, પણ એક વાતનુ દુ:ખ છે કે આપણા જ લોકો આંધળા ધેંટા બની સામેથી જ ઉન આપવા જઈ રહ્યા છે.

કારણ એ સર્વહારા લોકો જે વર્ગહીન ક્રાન્તિ કરવા જઈ રહ્યા છે તે સમગ્ર ચળવળનુ રિમોર્ટ સદીઓથી એવી જમાતો પાસે છે જે લોકોને સર્વહારા બનાવી રાખવા જ માંગે છે.

મને બાબા સાહેબ પસંદ છે કારણ કે આજે આપણે જોઈયે છીએ સમાજમાં હજી પણ જાતિવાદ અને ઉચનીચના ભેદભાવ હયાત છે. તો કલ્પના કરો આજથી સૌ દોઢસૌ વરસ પહેલા આ ભેદભાવ કેવા હશે...?

હવે જે સમાજના

---) લોકોને રસ્તા પર ચાલવાનો અધિકાર ન હતો,

---) જાહેર જગ્યાએ જવાનો અધિકાર ન હતો,

---) શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો.

ટુંકમાં એક માનવ તરીકે જીવી શકાય તેવી આઝાદી આપતા કોઈ અધિકારો જેવુ જ ન હતુ તેવા સમય અને સંજોગોમાં બાબા સાહેબની આ તમામ સિધ્ધિઓ મારા માટે આદર્શ બનવા માટે પૂરતી છે.

ભારતમાં મોટાભાગના ઉચ્ચજાતિના કહેવાતા લોકો નીચ જાતિના લોકોથી અભડાય છે. કારણ..??? નીચ જાતિના લોકો ગરીબ છે એટલે નહી પણ તેઓ ઉચ્ચજાતિના નથી એટલે.

આ દેશમાં શરૂથી જ વર્ગનુ કોઈ અસ્તિત્વ જ નથી. અમીર ગરીબ એ ભેદ કરતા ઉચ્ચ અને નીચના ભેદ વધુ છે. જે દેશમાં એક જાતિ સમૂહના લોકો છ હજાર કરતા પણ વધુ જાતિઓમાં વહેંચાયેલ હોય ત્યાં વર્ગહીન સમાજ કરતા વર્ણહીન સમાજની જરૂરીયાત વધુ છે.

એક અર્થશાસ્ત્રી, કાયદાવિદ, સંવિધાનવિદ, લેખક, પત્રકાર, નૃવંશશાસ્ર્તી, અનેક ભાષાના જાણકાર, સમાજ સુધારક, મજૂરનેતા, સ્ત્રી સશક્તિકરણ પુરસ્કર્તા, ફિલોસોફર અને સામાજીક ક્રાન્તિના પ્રણેતા...

આટલી બધી ખૂબીઓ એક જ આદર્શમાં મળી જાય પછી મારે બીજા કોઈને શા માટે આદર્શ બનાવવો પડે.
# I_Love_Baba Saheb

No comments:

Post a Comment