July 11, 2018

કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.

By Jigar Shyamlan ||  Written on 25 March 2017

કાં તો તુ બુધ્ધુ બનીશું કાં તો બનીશ બુધ્ધ

મંદિર મસ્જિદોના ઝગડા જોયા સગી આંખે.
કોણ કોને સમજાવે ને કોના હાથ પકડી રાખે
આ બધા મુદ્દાઓથી તુ કેમ બન્યો અમૂઢ
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.

અહીં કોણ કોને ઉગારશે ને કોણ કોને તારે?
એ સમજવા માટે જોઈયે બુધ્ધિ સાવ લગારે.
આ તો સાવ અમથે અમથુ ખોટે ખોટું યુધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

પુજા પાઠને બંદગીઓમાં જીંદગી તે વેંઢારી.
વિસરી ગયો એમાં પળો માણસાઈની પ્યારી.
ક્યાં ગયું ભણતર તારૂ ક્યાં ગયુ બુધસુધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

શિક્ષા મેળવી તો પણ ન સમજી શક્યો વાત.
તર્ક અને દલિલોથી કરી દે અસત્યને પરાસ્ત.
માનવતા જ પૃથ્વિના સર્વ સુખનું રહસ્ય ગૂઢ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

હોત ખરેખર ઈશ્વર અલ્લાહ તો હોત અધર્મ?
ઈશ્વર અલ્લાહથીય મોટુ તો માણસનું કર્મ.
જરૂર નથી કોઈનીય જો કરે આચરણ શુધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

જો જીવવું હોય મસ્તીથી તો વાત રાખજે યાદ.
માણસ બનજે ને માણસની સાંભળજે ફરિયાદ.
ભુખથી ભુલકાં ઝુરે ને તુ પથ્થર પર રેડે દૂધ
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

એક તરફ મજારો પર લાખો ચાદર ચઢાવાય.
ને બહાર ગરીબ ફકીર ટાઢે ધ્રુજી મરી જાય.
મંદિર મસ્જિદોને ક્યાં સુધી કરીશ સમૃધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

શિક્ષણ પામ્યો છે તો જરીક બુધ્ધિ તો લગાવ.
દરિયો ખેડવા ચાલ્યો તુ લઈ સઢ વિનાની નાવ.
ક્યાં સુધી બેસી રહીશ બનીને સાવ અબુધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

-જિગર શ્યામલન

Facebook Post :

No comments:

Post a Comment