July 11, 2018

શિક્ષણનો અર્થ શું હોઈ શકે...????

By Jigar Shyamlan ||  Written on 22 March 2018




શંશય પેદા કરે અને તેના નિરાકરણ માટે પ્રશ્નો પુછતા શીખવાડે અને તેથી આગળ શિક્ષણ તર્ક કરતા શીખવાડે છે.

શું...? ક્યારે...? શા માટે...? ક્યાં....? કેમ...?

આ બધા સવાલો શિક્ષણ થકી જ ઉદભવે અને તેનો જવાબ મેળવવાની ક્રિયા માણસને શંશય પેદા કરતા શીખવે છે જેમાં આગળ વધે એટલે માણસને તર્ક કરતા શીખવાડી દે છે. મતલબ તમે શિક્ષીત છો પણ તર્ક કરતા નથી તો તમે ખરા અર્થમાં શિક્ષીત નથી જ.

બીજી એક મહત્વની વાત એ પણ છે કે આપણને પહેલેથી જ અમુક બાબતો માટે જ તર્ક કરી શકાય તેવું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે. આપણાં તર્ક અમુક બાબતો માટે જ હોય છે. બધી જગ્યાએ તર્કને સ્થાન નથી આપવામાં આવ્યું.

કારણ ભગવાન અને તેનાં અસ્તિત્વ સાથે જોડાયેલ બધી જ બાબતો આપણે તર્કવિહીન કેટેગરીમાં મુકી દીધી છે. આપણે એ બધી બાબતો પર તર્ક નથી કરતા પણ તેનો સ્વાભાવિક સ્વિકાર કરી લઈએ છીઅે. અને તેને શ્રધ્ધા તેમજ આસ્થા જેવા સુંવાળા નામો આપી દીધા છે. 
આ શ્રધ્ધા અને આસ્થા એ બે બહુ સંવેદનશીલ બાબતો છે. જે ગમે ત્યારે કંઈ કરવાથી, કહેવાથી કે લખવાથી તરત દુભાઈ જાય છે.

આ આસ્થા અને શ્રધ્ધાના કારણે કેટલાય અંગુઠા છાપ પુજારીઓ, બાબાઓ અને સ્વામીજીઓએ પોતાની જબરજસ્ત સલ્તનતો જમાવી બેઠા છે. જો કે એ વાત ખાસ વિચારવા જેવી એ છે કે તેમનુ આ વૈભવી રાજપાટ અને ભપકેદાર સલ્તનતો એમના જ્ઞાન પર નહીં પણ સામાન્ય માણસના અજ્ઞાન પર ટકેલી છે.

આ અજ્ઞાનતાને કારણે માણસે ઝાડ, પથ્થર પુજી લીધા. ધરતી, આકાશ, પાણી, હવા, પશુ પક્ષી જે પણ ભગવાન સાથે જોડાયા તેની પુજા શરૂ થઈ. અરે લિંગ અને યોનીઓ સુધ્ધા દૈવી પ્રતિકરૂપે પુજાતા રહ્યા.

એક બ્રાહ્મણ આવી તમારી સૌ આધિ વ્યાધી અને ઉપાધી દુર કરવા પુજા કરાવે, યજ્ઞ કરાવે, કથા કરાવે છે અને તેમ કરવાથી એ આધિ વ્યાધી ઉપાધી દુર થઈ જશે કે દુર થઈ ગઈ તેવું તમે માનવા લાગો છો.

એક જ્યોતિષ આવીને તમારા ભવિષ્યને સરળ અને સફળ બનાવવા તમારી પાસે અમુક વિધીઓ કરાવી તમારી આંગળીઓમાં રંગબેરંગી પથ્થરો પહેરાવી દે. અને એવૂં કરીને તમે સફળ બની જશો તેવુ જ ધારી લો છો..
એક સ્વામી આવીને તમારા ધરમાં પધરામણી કરે અને તમારો ઉધ્ધાર થઈ જાય... તેવૂં તમે માનો છો.

ડોક્ટર હોય કે વકીલ, આઈ.પી.એસ. હોય કે જજ અરે અમુક જગ્યાએ તો વિજ્ઞાની સુધ્ધા સૌ આ બધી ક્રિયામાં જોતરાઈ ગયા. કોઈ પણ જાતની તર્કબધ્ધ દલિલો કે વિચાર વગર.

જો આટ આટલું શિક્ષણ મેળવ્યા પછી પણ તમે આવી બધી માન્યતાઓ ધરાવતા હો તો તમે શિક્ષીત હોવા છતા અભણ જ છો.

આ માત્ર કોઈ એક ધર્મને લાગુ પડતુ નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે પારસી સૌને સરખુ જ લાગુ પડે છે.
કારણ કોઈ શાસ્ત્રો પર ચાલે તો કોઈ કુર્આન પર, કોઈ બાઈબલ પર તો કોઈ ગુરૂ ગ્રંથ સાહેબ પર, કોઈ અવેસ્તા પર.. બધા બધાય પર ચાલે પણ તર્ક પર કોઈ ચાલતુ નથી.
શિક્ષણનો હેતુ ધેંટાઓના વાડા ઉભા કરવાનો તો ન જ હોઈ શકે...
- જિગર શ્યામલન 


Facebook Post

No comments:

Post a Comment