રમાબાઈ ભીમરાવ આંબેડકર અને સાવિત્રીબાઈ જોતિરાવ ફૂલે પુસ્તકાલય તેમ જ દેહદાતા ગંગાબહેન મુળજીભાઈ સોલંકી વાચનાલયની ગઈ કાલે અમે મુલાકાત લીધી. ઓઢવ જેવા વિસ્તારમાં જીર્ણશીર્ણ મકાનમાં આટલા બધા પુસ્તકો જોઇને આંખોને ટાઢક વળી. 51 વર્ષના લંકેશ ચક્રવર્તીએ આ કામ કર્યું છે. દલિત સમાજમાં બહુ મોટી તોપો છે. કરોડોના બંગલાઓમાં મજેથી રહેતા અધિકારીઓનું લિસ્ટ તો હવે ખાસુ લાંબુ છે. કોઇને લંકેશની જેમ આવું પુસ્તકાલય શરૂ કરવાની સૂઝ પડી નથી.
અમે ગયા ત્યારે નરોડા રોડથી ડો. રાજેશ પરીખ અને મિત્રો લાઇબ્રેરી પર આવ્યા હતા. નરોડા રોડ પર આવી જ એક લાઇબ્રેરી શરૂ કરવા માટે પુસ્તકો લેવા તેઓ અહીં ઓઢવ આવ્યા હતા. વસ્ત્રાલમાં પણ એક બીજું ગ્રુપ પુસ્તકાલય શરૂ કરી રહ્યું છે એની તેમણે વાત કરી. લંકેશે શરૂ કરેલું કામ હવે એક અભિયાન બની રહ્યું છે. આવતી કાલે અમદાવાદમાં સહેજેય ચાર લાખની આબાદી ધરાવતા અને રાજપુર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ, અસારવા, ચમનપુરા, ગિરધરનગર, મેઘાણીનગર, નરોડા રોડ, રાણીપ, ચાંદખેડા, બહેરામપુરા, દાણીલીમડા જેવા પરા વિસ્તારોમાં પથરાયેલા વિશાળ દલિત સમુદાયમાં પુસ્તકાલયોની પ્રવૃત્તિ શરૂ થશે તો તેનું શ્રેય તમારે લંકેશ ચક્રવર્તીને આપવું પડશે.
તમે પુસ્તકના પ્રેમી હો તો લંકેશના પુસ્તકાલયમાં તમારો આખો દિવસ ક્યાં જાય તેની તમને ખબર ના પડે એટલું વૈવિધ્ય એના કલેક્સનમાં છે. દિવ્ય કુરાન, હોલી બાઇબલ અને રામાયણ છે, તો ભારતીય દંડ સંહિતા અને સંવિધાન પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદને સેંકડો લેખકો-કવિઓ તેમના પુસ્તકોની ચાર ચાર નકલો વિવેચનાર્થે કે સંગ્રહ માટે મોકલે છે. પરીષદે એમાંના ઘણા પુસ્તકો લંકેશને આપ્યા છે. અને હજુ ટ્રક ભરાય તેટલા પુસ્તકો લઈ જવાનું કહેણ છે, લંકેશ પાસે જગ્યા નથી. આ પુસ્તકોનું ઇન્ડેક્સિંગ, ક્લાસિફિકેશન કરીને ધર્મ, કાયદો, નવલ, આત્મકથા જેવા વિભાગોમાં વહેંચવાનું ગંજાવર કામ હજુ બાકી છે.
પુસ્તકો વચ્ચે રહેતા એક ડો. ગણપત વણકર આપણે જોયા હતા. એક બીજો માણસ આ લંકેશ ચક્રવર્તી છે. એ કોઈ બડો વિદ્વાન નથી, પરંતુ આજન્મ એક્વિસ્ટ છે. એ એક અદભૂત ફોટોગ્રાફર છે. અમારા એક્યાશી-પંચ્યાસીના આંદોલનોની ગાંઠના પૈસે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, દસ્તાવેજીકરણ કરનારો એકમાત્ર બંદો આ લંકેશ ચક્રવર્તી છે. ફોટોગ્રાફી એનો શોખ છે, મિજાજ છે. ફોટોગ્રાફી એની એસેટ છે, એનું દેવું છે, કહો કે ફોટોગ્રાફી એની જિંદગીનું કાચુ-પાકુ સરવૈયુ છે. દલિત આંદોલન આવા પાગલ, બિન્ધાસ્ત અને દેવાળીયા લંકેશ જેવા લોકોનું ઋણી છે, જેણે જિંદગીમાં નફા-તોટાનો હિસાબ નથી કર્યો. સમાજને દીધું જ છે, કશું જ મેળવવાની અપેક્ષા વગર.
લંકેશ કોઈ અડ્ડાનો માણસ નથી. એકલો, બેફિકરો, સૂફી જેવો સીધો સાદો શખ્સ છે. સ્મશાનના કફનો એના ઘરના માળીયાના પડદા બનીને ઝૂલે છે. એણે શૌચાલયને માથે મંદિરના ગુંબજ મુકાવ્યા છે. દેવાલયથી શૌચાલયનું સૂત્ર એણે સાર્થક કર્યું છે. રેશનાલિઝમ એના લોહીના એક એક રક્તકણમાં છે, પણ એનું રેશનાલિઝમ ફેસબૂક કે વોટ્સપની ગ્લેમરમાં ગૂંચવાયું નથી. એ વિવાદોથી હજારો પ્રકાશવર્ષ દૂર છે, પરંતુ જાનનું જોખમ ખેડીને રૂપાલની પલ્લીમાં વેડફાતા કરોડો રૂપિયાના ઘીની વિડીયોગ્રાફી કરતા એનું રૂંવાડુ થરથરતું નથી.
ક્યારેક ભૂલથી પણ તમે લંકેશની લાઇબ્રેરીની મુલાકાત લઈ જોજો. મંદિરોમાં પૈસા નાંખવાના બદલે લોકોએ અહીં રૂપિયાનો વરસાદ વરસાવવાની જરૂર છે. ગયા વર્ષે મેઘરાજાએ મહેર કરી એવી કે લાઇબ્રેરીના પહેલા માળે પાણી ભરાઈ ગયું. આખી રાત લંકેશે ડોલથી પાણી ઉલેચ્યાં કરેલું. મકાનના ધાબા પર લોખંડની પાઇપો નાંખીને તેના પર પાથરેલા મીણીયાથી તીરાડોવાળી પેરાફિટ માંડ માંડ ઢાંકીને પાણી આવતું અટકાવ્યું હતું. (જુઓ તસવીર). લંકેશને તેની લાઇબ્રેરીના રીનોવેશન માટે આપણા સૌની મદદની તાતી જરૂર છે.
લંકેશની લાઇબ્રેરીને ટકાવવાની જ નહીં એને શાનદાર, દમદાર બનાવવાની આપણા સૌની પવિત્ર ફરજ છે. દલિતોની એક એક ચાલીમાં એક પુસ્તકાલય હોવું જોઇએ. જેમ જેમ પુસ્તકાલયોની સંખ્યા વધશે, તેમ તેમ દારુના અડ્ડા એની મેળે નિરર્થક થઈ જશે. વિશ્વાસ રાખો. પુસ્તકના વ્યસનથી વડેરું કોઈ વ્યસન નથી દુનિયામાં.
Facebook Post : -
No comments:
Post a Comment