July 11, 2018

વિશ્વ જળ દિવસ પર ભારત ના અશ્પૃશ્યો સાથે જોડાયેલ વાતો યાદ કરીએ

By Jigar Shyamlan ||  Written on 22 March 2017



જીવન માટે જળ અતિ જરૂરી છે. જળ એ જીવન એવું કહેવાય છે. ભારતમાં કેટલાય યુધ્ધો ખેલાયા, કેટલાય સત્યાગ્રહ કરવામાં આવ્યા અને અનેક આંદોલન થયા...
આજે હું એક સાવ જ નોખા અને ઈતિહાસમાં ન ભુતો ન ભવિષ્યતિ એવા જળ સત્યાગ્રહના પ્રસંગની માહિતી આપીશ.

જો કે એ મહત્વની વાત છે કે માનવાધિકાર સબંધિત આ સત્યાગ્રહને ઈતિહાસમાં જાણી જોઈને ઉપેક્ષિત કરવામાં આવેલ છે.. કારણ તેના નાયક બાબા સાહેબ અને અસ્પૃશ્યો હતા.

કદાચ આના પરથી તમને મનુવાદ શું છે ? તેનો આછો પાતળો અણસાર આવી જશે.?

આ વાંચ્યા પછી તમારે જ ન્યાય કરવાનો છે કે શું વ્યાજબી અને શું ગેર વ્યાજબી ?

તમે ઈતિહાસના પાનાં પર ગાંઘી અને તેના સત્યાગ્રહીઓ દ્વારા કરવામાં આવેલી દાંડીકૂચથી પરિચીત જ હશો. મોટાભાગના મિત્રોએ ઈતિહાસની ચોપડીઓમાં દાંડીકૂચના નામે લગભગ એકથી દોઢ પાનાનું લખાણ કે અભ્યાસક્રમ જરૂર વાંચ્યો હશે.

ઈતિહાસમાં દાંડીકૂચનું એવું તો વર્ણન કરવામાં આવ્યું છે કે જાણે સમગ્ર ભારતની મહાનતમ ધટના હોય..!

બાબા સાહેબ આંબેડકર દ્વારા મહાડ અને બાદ ચવદાર તળાવ ખાતે અછુત સમાજના લોકોને સાર્વજનિક જળાશયમાંથી પીવાનું પાણી મળે તેના માટે જીવનાં જોખમે કરેલ મહાડ અને ચવદાર તળાવ સત્યાગ્રહ નો ક્યાંય પણ ઉલ્લેખ જોવા મળતો નથી. જે વિર્યહીન સવર્ણ ઈતિહાસકારો દ્વારા કરવામાં આવેલી જ્ઞાતિગત કિન્નાખોરીનું ભુંડું ઉદાહરણ છે.

તમારા મતે જીવન જીવવા માટેની મુળભુત જરુરિયાત શું ? મીઠું (નમક) કે પાણી ?

માણસના જીવનમાં મીઠા વગર ચાલે પણ પાણી વિના કંઈ ચાલે ?

જ્યારે ગાંધી મીઠા એટલે કે જીભના સ્વાદ માટે લડી રહ્યા હતા. તે જ વખતે બાબા સાહેબ જીવનની મુખ્ય જરૂરિયાત એવા પીવાના પાણી માટે લડી રહ્યા હતા.

માત્ર ફરક એટલો બાબા સાહેબની લડાઈ અછુતો માટે હતી. જ્યારે ગાંધીની લડાઈ અછુત સિવાયના લોકો માટેની.

કેટલી કરૂણતા કહેવાય ભારત જેવા મહાન ગણાતા દેશમાં સૌથી મહાન ગણાવાતા હિન્દુ ધર્મમાં જ જન્મેલા સમાજનો એક મોટો ભાગ અછુત સમાજ પાણી માટે વલખા મારી રહ્યો હતો. કારણ હિન્દુ ધર્મ મુજબ તેઓ અછુત હતા.

તેમનો સ્પર્શ તો છોડો પડછાયો પડે તો પણ હિન્દુઓ અભડાઈ જતા હતા. તેમને જાહેર સ્થળો પર જવાની બંધી હતી. ગામના જાહેર પીવાના સ્ત્રોતો પરથી પાણી ભરવા પર પ્રતિબંધ હતો. કારણ તેમના અડવાથી તળાવ અભડાઈ જતું.

અછુતો ગંદુ પાણી પીવા મજબુર હતા. ત્યારે અછુતોની વહારે એક માત્ર બાબા સાહેબ આવ્યા હતા. મોટી મોટી ગુલબાંગો પોકારી આઝાદીનાં હોંકારા પડકારા કરતા....કોઈ ગાંધી..નેહર...સરદાર...ટિળક નહી.
એક સમજવા જેવી વાત. ગાંધીનો વિરોધ કોણ કરતા માત્ર અંગ્રેજ.....?

બાકી સમગ્ર ભારત ગાંધીનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતું. હવે વિચારો આટલુ પ્રચંડ સમર્થન હતુ તો પણ ગાંધી અછુતો માટે કંઈ કહેતા કંઈ કરી શક્યા નહી. માત્ર હરિજન જેવો એક શબ્દ આપી સંતોષ માની ગયા. તે શું સૂચવે છે.....?

બાબા સાહેબે તમામ હિન્દુઓ, સંગઠનો, પક્ષોના ભયંકર વિરોધ વચ્ચે. પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળવા છતાં. પોતાનો જીવ જોખમમાં મુકી. પોતાના અછુત સમાજને પાણી મળી રહે તે માટે મહાડ સત્યાગ્રહ કર્યો હતો.

દુખની વાત તો એ છે કે બાબા સાહેબે મહાડ તળાવમાંથી ખોબો ભરી પાણી પી.. તળાવ અછુતો માટે ખુલ્લુ મૂક્યુ. તેમની સાથેના અન્ય આંદોલનકારીઓએ પણ તળાવમાંથી પાણી પીધું. (પણ બીજા દિવસે ગામના ઉચ્ચ હિન્દુઓએ તે જ તળાવમાં ગાયનુ મુત્ર, છાણ અને બીજી વસ્તુઓ નાખી તેનું શુધ્ધિકરણ કર્યુ હતુ. કારણ હિન્દુઓના મત મુજબ બાબા સાહેબે તળાવ અભડાવી દીધુ હતુ)

મહાડ અને ચવદાર એ બન્ને સત્યાગ્રહ બાબા સાહેબના હતા એટલે ઈતિહાસમાં ક્યાંય તેની ઝાઝી નોંધ નથી. કારણ એ આંદોલન અછુતોનું હતું. મનુવાદીઓનું નહી.
મિત્રો હવે જ્યારે પણ તમને તરસ લાગે અને ત્યારે તમે ફ્રીજમાંથી બોતલ કાઢી કે માટલામાંથી ગ્લાસ ભરી તરસ છીપાવવા પાણી હોઠે લગાવો ત્યારે બાબા સાહેબને મનોમન યાદ કરી લેજો.

દરેક અસ્પૃશ્યના શરીરમાં નસ નસમાં ફરી રહેલા પાણી અને લોહી બન્નેનાં એક એક ટીંપા ઉપર બાબા સાહેબનું કદીય ન ચૂકવી શકાય તેવું દેવું છે.
જિગર શ્યામલન


Facebook Post :

No comments:

Post a Comment