By Jigar Shyamlan
એક વખત જંગલમાં એકાએક આગ લાગી ગઈ.
આગ એટલી પ્રચંડ હતી કે ગણતરીના કલાકોમાં પ્રસરી ગઈ અને આખુ જંગલ ચોતરફ આગથી ઘેરાઈ ગયું.
જંગલમાં લાગેલી આગ જોઈને તમામ પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા આમથી તેમ નાસ-ભાગ કરવા લાગ્યા.
એક તરફ તમામ પ્રાણીઓ ભાગી રહ્યા હતા ત્યારે બીજી તરફ એક નાની ચકલી બાજુના તળાવમાંથી પોતાની ચાંચમાં પાણી ભરી લાવીને આગ પર નાખી રહી હતી.
ચકલી પોતાના કામમાં એકદમ મશગુલ હતી. એને આગનો સહેજ પણ ડર લાગતો ન હતો.
એ ફરરરરરરર.... કરતી ઉડતી તળાવ પાસે જતી. ચાંચમાં પાણી ભરતી અને ફરી પાછી ફરરરરરર..... કરતી ઉડીને સળગી રહેલી આગ પર ચાંચમાં ભરી લાવેલુ પાણી રેડતી.
બધા પ્રાણીઓ નાસ ભાગ કરતા હતા પણ બચવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. ત્યાં ઉછળ કૂદ કરતા એક વાંદરાની નજર ચકલી પર પડી.
વાંદરાને વિસ્મય થયું એને ચકલીને પુછી લીધુ- "ગાંડી...! જંગલમાં જબરી આગ લાગી છે... બધા પોતાનો જીવ બચાવવા નાસ ભાગ કરી રહ્યા છે ત્યારે તુ આ શું કરે છે..??"
શાંતિથી જવાબ આપતા ચકલી બોલી - "આગ ઓલવવાની કોશિશ કરૂ છું"
ચકલીનો આ જવાબ સાંભળી વાંદરાને વિપરીત પરિસ્થિતીમાં પણ હસવુ આવી ગયું. એણે ભાગતા તમામ પ્રાણીઓને ભેગા કરી ચકલીનાં ગાંડપણ વિશે જણાવ્યું.
તમામ પ્રાણીઓ ચકલીના કામને જોતા રહ્યા. એ કોઈપણ જાતના ભય વગર પોતાનું કામ કરતી જતી હતી.
આખરે હાથીથી રહેવાયુ નહી એ આગળ આવ્યો અને ચકલી સામે જોઈ બોલી ઉઠ્યો - "ગાંડી... તુ આટલી નાની થઈને આવડી મોટી આગ કેવી રીતે ઓલવી શકીશ.. એના કરતા ઉડીને જતી રહે.. તારો જીવ બચાવ"
જવાબમાં ચકલી બોલી - " ના...! ભલે હું નાની અમથી છું...અને આગ આટલી બધી તો પણ હું મારા પ્રયત્ન છોડીશ નહી.. આગ ઓલવીને જ રહીશ"
બધા પ્રાણીઓ ચકલીને એ સમજાવતા માંડ્યા કે - "આવડી મોટી આગ ઓલવવાની તારી તાકાત નથી. તુ રહેવા દે.."
ત્યારે નાની ચકલીએ જવાબ આપતા કહ્યું - " ભલે.. હું નાની રહી... અને આગ આટલી મોટી... પણ જ્યારે જ્યારે આ જંગલ અને તેમાં લાગેલી આગની વાતનો ઈતિહાસ લખાશે ત્યારે ત્યારે આગ ઓલવવાનો મારો આ પ્રયાસ ચોક્કસ પહેલા પાના પર લખાશે"
બસ.. પછી તો ચકલીના આ શબ્દોની અસર એવી થઈ કે તમામ પ્રાણીઓ આગ ઓલવવા પોતાના તમામ પ્રયાસ કરવામાં લાગી ગયા.
આજે પણ આ આગ લાગેલી જ છે અને કેટલીય ચકલીઓ આગ ઓલવવાનો પ્રયાસ પણ કરી રહી છે.. ફરક એટલો કે બીજા પ્રાણીઓ હજીય જીવ બચાવવા નાસ ભાગ કરી રહ્યા છે. કારણ કદાચ હજી સુધી એ ભાગતા પ્રાણીઓનુ ધ્યાન ચકલી શું કરી રહી છે એ તરફ ગયુ નથી.
No comments:
Post a Comment