July 11, 2018

સાયલાની બંધ પડેલી નાલંદા વિદ્યાલયના બાળકો નો શાળા પ્રવેશ

By Raju Solanki



Date 09 July 2017
અમદાવાદની નવનિર્માણ સ્કુલ પછી સાયલાની નાલંદા વિદ્યાલય પણ બંધ પડી. કેરીનો રસ પીધા પછી ગોટલા અને છોતરા ફેંકી દેવામાં આવે છે. શિક્ષણના વેપારીઓ એમની દુકાનો નફો થાય ત્યાં સુધી ચાલુ રાખે છે અને ખોટ થાય તો બંધ કરે છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ખાનગી શાળાઓ અમદાવાદની કાપડ મીલોની જેમ મોટા પાયે બંધ પડવાની છે એ તમારી ડાયરીમાં લખી રાખો.


મૂળ કોંઢના અને હાલ ધ્રાંગધ્રા રહેતા કિશોર મકવાણાએ મને વોટ્સપ પર બંધ પડેલી નાલંદા વિદ્યાલયના સમાચાર મોકલ્યા એટલે મેં સુરેન્દ્રનગરના સાથી વિશાલ સોનારા અને સાયલાના નીલેશ રાઠોડ સાથે આજે વાત કરીને તેમને જણાવ્યું કે બંધ પડેલી શાળામાં ત્રણ બાળકોએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યો હતો અને હાલ તેમનું ભણતર જોખમમાં છે. આ બાળકો સાયલાના આંબેડકરનગરના છે, એમના વાલીઓનો તાત્કાલિક સંપર્ક કરીને સાયલા પોલિસ સ્ટેશનમાં નાલંદાના સંચાલકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે.

નીલેશ રાઠોડ તૂરન્ત જ વાલીઓને જઇને મળ્યા. વાલીઓએ જણાવ્યું કે બીજી શાળામાં પ્રવેશની વ્યવસ્થા થઈ ગઈ છે.





Date 11 July 2017
સાયલાની બંધ પડેલી નાલંદા વિદ્યાલયના બાળકો દોઢ મહિનાથી ઘરે બેઠા હતા. છેવટે શાળાના સંચાલકો સામે પોલિસ ફરિયાદ કરવાની માત્ર ધમકી આપતાં જ અન્ય શાળામાં પ્રવેશ માટે સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત આદેશ આપવાની ફરજ પડી. આરટીઈ ક્ષેત્રમાં કામ કરવા માગતા યુવાન કર્મશીલોએ આવા પરીપત્રો સાચવી રાખવા પડશે. આવનારા દિવસોમાં ખાનગી શિક્ષણનો વેપલો કરતા વેપારી સંચાલકો રાતોરાત એમની શિક્ષણની દુકાનોને તાળા મારીને ભાગી જાય ત્યારે ગરીબ બાળકોના શિક્ષણના અધિકારોની હિફાજત માટે તાત્કાલિક નજીકના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.










Facebook Post : 

No comments:

Post a Comment