By Raju Solanki || Written on 5 July 2018
દલિત પેંથરનો અત્યંત મૂલ્યવાન અને રસપ્રદ ઇતિહાસ એના સ્થાપકો પૈકીના એક જે. વી. પવારે મરાઠીમાં લખ્યો, તેનો અંગ્રેજી અનુવાદ રક્ષિત સોનવણેએ કર્યો અને Dalit Panthers: An Authoritative History નામથી તાજેતરમાં પ્રસિદ્ધ થયો છે.
ડો. બાબાસાહેબ આંબેડકર પછી અને કાંસીરામની પહેલા દલિત પેંથર ભારતના દલિત આંદોલનનું એક રોમહર્ષક, ઉજ્જવળ પ્રકરણ છે, જેણે દલિત સ્વાભિમાનની પ્રચંડ જ્યોતને જલતી રાખેલી. આ પુસ્તકમાં ઘણી ઘણી બાબતો એવી છે કે જેની આપણાંમાંના મોટાભાગના લોકોને ખબર જ નથી. જે. વી. પવારને આનંદ તેલતુંબડે ‘આંબેડકર પછીના દલિત આંદોલનનો એનસાઇક્લોપીડીયા’ કહેતા હોય કે પ્રો. અવિનાશ ડોલાસ ‘દલિત આંદોલનના બીજા સી. બી. ખેરમોડે’ કહેતા હોય તો એમાં લગીર અતિશયોક્તિ નથી.
માત્ર 250 રૂપિયાની કિંમતના આ બહુમૂલ્ય ગ્રંથમાં પવારે પેંથર્સના સ્થાપકો અને અગ્રણીઓ રાજા ઢાલે, નામદેવ ઢસાલ, રામદાસ આઠવલે, અરુણ કાંબલે, કે. વી, ગમરે, ગંગાધર ગાઢે, અવિનાશ મહાતેકર અને દયાનંદ મહસ્કે વચ્ચેના વ્યક્તિગત અને સાંગઠનિક સંબંધો તેમજ વિચારધારાના ભેદભાવોનું બયાન કર્યું છે, જે વાંચતા ખબર પડે છે કે દલિત આંદોલનમાં વ્યક્તિગત અહમના ટકરાવો ક્યારેક વિચારધારા કરતા પણ મોટો ભાગ અચૂક ભજવી જાય છે, પરંતુ વિખરાવના આ બે મહત્વના કારણો તો છે જ.
લેખક નોંધે છે કે, રીપબ્લિકન પક્ષના નેતાઓએ તત્કાલીન કોંગ્રેસ પક્ષ સાથે કરેલા રાજકીય સમાધાનોથી ક્રોધે ભરાયેલા દલિત યુવાનો પેંથર્સ જેવા નવોન્મેષની રાહ જોતા હતા અને આ આક્રોશિત યુવાનોએ 1972માં પેંથર્સને એક ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ આપ્યું હતું. પાંચ વર્ષ પછી જ્યારે રાજા ઢાલે અને લેખક પોતે પેંથરનું વિસર્જન કરવા બેસે છે ત્યારે આવા જ કારણો, સમાધાનકારી વલણો તેમની સામે આવે છે. તેઓ લખે છે કે, 1977માં નામદેવ ઢસાલ કોંગ્રેસનો, ભાઈ સંગારે અને અવિનાશ મહાતેકર જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા અને લેખક પોતે ભૈયાસાહેબ આંબેડકરનો પ્રચાર કરતા હતા. દલિતો સામાજિક ભેદભાવો સામે લડવા જ્યારે જ્યારે સંગઠિત થાય છે, ત્યારે ત્યારે કોંગ્રેસ, જનતા પક્ષ (અને હવે ભાજપ) તેમને રાજકીય ખેમાઓમાં વિભાજીત કરતા રહે છે. ગુજરાતના દલિત આંદોલનકારીઓ આમાંથી બોધપાઠ લેવો જોઇએ.
જે. વી. પવાર અને રાજા ઢાલેએ દલિત પેંથરનું વિસર્જન કરીને માસ મુવમેન્ટની સ્થાપની કરેલી. 1985માં અમે અમદાવાદના જ્યોતિસંઘ હૉલમાં એક કાર્યક્રમ કરેલો એમાં બંનેને બોલાવેલા. ત્યારે મને રાજા ઢાલે બહુ જ ઘમંડી અને સ્વ-કેન્દ્રિત લાગેલા. જે. વી. સાથે ખાસ કોઈ વાતો થયેલી નહીં. પરંતુ તાજેતરમાં વાલજીભાઈ પટેલે જે. વી. વિષે એક વાત કરી એ સાંભળીને મને થયું કે જે. વી. ખરેખર લીજેન્ડ છે. 1975માં વાલજીભાઈ મુંબઈ ગયા ત્યારે એક રાત જે. વી. પવારના ઘરે રોકાયા હતા. ઘર નાનુ હતું. પવાર દંપતિએ એમના ગુજરાતી મહેમાનને પલંગ પર સૂવડાવ્યા. મધરાતે પલંગ નીચે કંઈ અવાજ થયો. વાલજીભાઈ જાગી ગયા અને કૂતુહલવશ પલંગ નીચે નજર કરી તો જોયું કે પલંગ નીચે ફરસ પર જે. વી. પવાર, તેમના પત્ની અને બાળકો સહિતનું સમગ્ર કુટુંબ સૂતું હતું. આવા છે દલિતોના નેતાઓ. નાના ઘરોમાં બહુ મોટા ગજાના લોકો રહેતા હોય છે.
Facebook Post :
No comments:
Post a Comment