બે વર્ષ પહેલાં રચના સ્કુલે કાઢી મુકેલા 11 બાળકોમાં એક બાળક અસ્લમ અંસારીનું પણ હતું. સ્કુલનો રૂ. 4,60,000 દંડ થયો અને સ્કુલ હાઇકોર્ટમાં દંડ માફ કરાવવા દોડી ત્યારે વાલીઓ પણ પક્ષકાર બન્યા, એ કેસમાં છ મહિના સુધી દર મુદતમાં નિયમિતપણે અસ્લમ અંસારી કોઇપણ બહાનું કાઢ્યા વિના હાજર રહેતા હતા.
મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવાના વતની. અમદાવાદમાં એમના પિતા સ્થાયી થયા હતા. જાતે જુલાહા એટલે વણકરી તો એમની રગ રગમાં. રેડીમેડ ગારમેન્ટનું એકમ ઉભું કરેલું અને એમના પાંચ ભાઈઓ એમાં જ જોતરાયેલા. જે દિવસે હાઇકોર્ટના આદેશથી એમના દીકરાને આરટીઈમાં ફરી પ્રવેશ મળ્યો, એના બીજા દિવસે એમના હાથે બનાવેલા રેડીમેડ પેન્ટ-શર્ટની જોડી બોક્સમાં પેક કરીને મારા ઘરે આવેલા.
મેં કહ્યું, “આવું કંઈ આપવાની તમારે જરૂર નથી.”
એમણે કહ્યું, “અમે લોકો અમારા મૌલવીને કોઈ વસ્તુની ભેટ આપીએ છીએ. એને ‘અતીયા’ કહીએ છીએ. તમે મારા દીકરા માટે એક મૌલવી જેવું કામ કર્યું છે.”
અસ્લમ અંસારીના શબ્દો સાંભળીને મને કેવી લાગણી થઈ? હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. એટલું કહીશ કે એ રાત્રે મને સરસ ઉંઘ આવેલી.
(આજે જમાતે ઇસ્લામીના ‘ઇદ મિલન’ના કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાંથી)
Facebook Post :
No comments:
Post a Comment