By Vishal Sonara || Written on 06 July 2018
બાબા સાહેબ આંબેડકર ના પિતાશ્રી રામજી માલોજી સકપાલ એક આર્મી ઓફીસર હતા. તેઓ કબીર પંથી હતા તથા ખુબ જ ધાર્મિક વૃત્તી ધરાવનાર વ્યક્તિ હતા. આર્મી ની ટ્રેનિંગ ને કારણે તેઓએ પોતાના સંતાનો ને પણ એ જ પ્રમાણે શિસ્ત થી ઉછેર્યા હતા. ડૉ આંબેડકર જ્યારથી સમજણા થયા ત્યાર થી તેઓ ને પોતાના પીતાશ્રી સાથે ધર્મ અંગે ધણી ચર્ચાઓ થતી રહેતી. આંબેડકર ના દાદા એટલે કે રામજી માલોજી સકપાલ ના પિતાશ્રી રામાનંદી સંપ્રદાય મા માનતા હતા અને આંબેડકર ના પિતા કબીર પંથી હતા. સામાન્ય ભારતીય કુટુંબો મા જે પ્રમાણે બાપ દાદા જે ધાર્મિક માન્યતા ધરાવતા હોય એવી જ માનસીકતા કેળવાતી હોય છે પરંતુ એ પ્રકારની મનોવૃત્તિ મોટા ભાગના બહુજન પરીવારો મા નથી હોતી તેઓ ખુદને જે શ્રેષ્ઠ લાગે તે જ પંથ કે ધાર્મિક માન્યતા પર ચાલે એનુ આ શ્રેષ્ટ ઉદાહરણ છે. આંબેડકર ના પિતાશ્રી ને કબીરપંથ મા વિશ્વાસ હોવાથી તેઓ એ પોતાના પિતાશ્રી ના જેમ રામાનંદી પંથ પર જ ન જતા પોતે કબીરપંથ પસંદ કર્યો.
ભીમરાવને પોતાના પિતાજી સાથે હંમેશા તેમની અમુક ધાર્મિક પ્રવૃત્તિઓ ને લઈ ને વાંધો રહેતો. જેમ કે કબીરે મુર્તિપુજા નો સખત વિરોધ કરેલો અને મોટા ભાગના સાચા કબીરપંથીઓ પણ મુર્તિપુજા મા નથી માનતા હોતા. આંબેડકરના પિતાજી પણ નહોતા માનતા પરંતુ પોતાના બાળકો અને પરીવાર ની ખુશી માટે ગણપતિ પુજા કરતા અને ઉજવણી કરતા, જે આંબેડકર ને પસંદ નહોતુ. તદુપરાંત રામજી માલોજી સકપાલ કબીર પંથ ના પુસ્તકો તો વાંચતા તેમજ વંચાવતા જ પરંતુ રોજ રાત્રે સુતા પહેલા રામાયણ અને મહાભારત માથી અમુક અંશ ને ઘર ના અન્ય સભ્યો સાંભળે તે રીતે ભીમરાવ અને એમના ભાઈ પાસે મોટે મોટે થી વંચાવતા. આ પ્રકારની ધાર્મિકતા આંબેડકર ને પસંદ નહોતી તેમ છતા પોતાના પિતાશ્રી નુ મન રાખવા માટે વર્ષો સુધી આ પ્રથા ચાલુ હતી.
1907 મા સોળ વર્ષ ની ઉમરે જ્યારે ભીમરાવે મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી. (1901 માં બાબા સાહેબ નો પરીવાર સતારાથી મુંબઈ સ્થળાંતરીત થયેલો) એ પરીક્ષા મા એમવો નો સામાન્ય દેખાવ રહેલો તથા મુખ્ય ભાષા તરીકે પર્શીયન ભાષા હતી. (બાબા સાહેબ સંસ્કૃત ભાષા રાખવા માંગતા હતા પરંતુ એ વખત ના જાતિવાદી તત્વો એ બ્રાહ્મણ સીવાય ના લોકો અને એમા પણ અછુત ને તો ક્યારેય સંસ્કૃત સીખવવા તૈયાર નહોતા) મેટ્રીક્યુલેશન પાસ થવાના કારણે ભીમરાવ ને બોમ્બે યુનિવર્સિટી સંલગ્ન કોઈ કોલેજ મા એડમીશન મળવા પાત્ર હતું. સમાજ ના લોકો એ ભીમરાવનુ સમ્માન કરવા માટે એક સમારંભ યોજવાનુ વિચાર્યું. અન્ય સમાજ ની સરખામણી મા મેટ્રીક્યુલેશન ની પરીક્ષા પાસ કરવી એ કોઈ મોટા બહુમાન ની વાત નહોતી. તેમછતાં અછુત સમાજ માંથી પ્રથમ વિદ્યાર્થી આ લેવલ સુધી પહોચ્યો હોવાના કારણે સમાજ ના લોકો ઉત્સાહિત હતા. સમાજ ના પ્રતિનિધિઓ બાબા સાહેબ ના પિતાશ્રી પાસે ગયા અને આ પ્રકાર ની વાત કરી પરંતુ બાબા સાહેબ ના પિતાજી એ એમ કહી ને ના કહી દિધી કે આ એવી કોઇ મહાન સિધ્ધી નથી કે એની ઉજવણી થવી જોઇએ અને આમ પણ આવુ કરવા થી છોકરો ફુલાઈ જશે અને એના મગજમાં રાઈ ભરાઈ જશે. આવુ સાંભળીને નીરાશ થઈ ગયેલા સમાજ ના પ્રતિનીધીઓ રામજી માલોજી સકપાલ પરીવાર ના પારિવારીક મીત્ર અને મરાઠા સમાજ ના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ક્રિષ્ણરાવ અર્જુન કેલુસ્કર કે જેને દાદા કેલુસ્કર તરીકે પણ ઓળખવામા આવે છે, એમની પાસે ગયા. દાદા કેલુસ્કર વિલ્સન હાઈસ્કુલ ના પ્રિન્સીપાલ હતા અને ભૂતકાળમાં પણ એમણે ભીમરાવ ને ચર્ની રોડ ગાર્ડન મા પુસ્તક વાંચતા જોયેલા ત્યારે એમણે તપાસ કરતા જાણ થઈ કે શાળા મા તથાકથીત ઉચી જાતિના આવારા છોકરાઓની ગુંડાગર્દી થી ત્રાસી ને ભીમરાવ આ રીતે બગીચામા બેસી ને પોતાનો અભ્યાસ કરતા હતા. ત્યાર થી જ બાબા સાહેબ પર દાદા કેલુસ્કર ને અપાર લાગણી હતી. મહાર પ્રતિનીધીઓ ની વાત સાંભળી ને એમણે ભીમરાવ ના પિતાશ્રી ને મળ્યા અને ભીમરાવ ની સમ્માન સભા માટે મનાવી લીધા.
સમ્માન સમારોહ ના અંત મા દાદા કેલુસ્કરે બાબા સાહેબ ને એમણે ખુદ લખેલું પુસ્તક બુદ્ધ ચરીત્ર (મરાઠી મા ગૌતમ બુદ્ધાંચે ચરીત્ર) ભેટ મા આપ્યું. ભીમરાવ પોતાને મળેલી આ ભેટ થી બેહદ ખુશ હતા. તેમણે ખુબ જ રસપુર્વક એ પુસ્તક વાંચ્યું. બુદ્ધ અને તેમના વિચારથી ભીમરાવ ખુબ જ પ્રભાવિત થયા. એ પુસ્તક વાંચી ને ભીમરાવ વિચારતા હતા કે અત્યાર સુધી એમના પિતાજીએ એમને અન્યોને બુદ્ધ અને તેમના વિચારો થી કેમ પરિચિત ન કરાવ્યા, કેમ એમને બૌદ્ધ સાહિત્યથી દુર રાખવામા આવ્યા?? ખુબ જ મનોમંથન ના અંતે એમણે પોતાના પિતાજી સાથે આ બાબત પર ચર્ચા કરવાનુ નક્કી કર્યુ. તેમણે સીધા પોતાના પિતાજી પાસે જઈ ને પુછી લીધુ કે કેમ તમે અમારા પાસે રામાયણ અને મહાભારત જેવા બ્રાહ્મણો અને ક્ષત્રીયો ને જ ગૌરવાન્વીત કરતા તેમજ પછાત જાતિઓ (શુદ્રો) અને અછુતો ના અધઃપતન દર્શાવતા ગ્રંથો જ વંચાવવાનો આગ્રહ રાખ્યો. ભીમરાવ ના પિતાશ્રી ને આ સવાલ ન ગમ્યો. તેમણે ભીમરાવ ને એમ કહી ને વાત ટાળી દિધી કે , "આ બધી ચર્ચા કરવાની તારી ઉંમર નથી. તને જે કહેવામા આવે છે એ કર." તેમ છતા સવાલ કરવાથી થાકે તો ભીમરાવ શાના? તેમણે થોડા દિવસો બાદ ફરી આ જ વાત નીકાળી અને એ જ સવાલ કર્યો. આ વખતે તેમના પિતા પણ તૈયારી મા જ હતા. તેમણે તરત જ જવાબ આપ્યો, "હું તમને લોકો ને રામાયણ અને મહાભારત વાંચવા માટે પ્રેરીત કરું છું કારણ કે આપણે લોકો અછૂત સમાજ માંથી આવીએ છીએ, અને તેના કારણે લઘુતાગ્રંથી થી પીડાવુ એ આ સમાજ મા સામાન્ય બાબત છે. રામાયણ અને મહાભારત વાંચવાના કારણે આ લઘુતાગ્રંથી દુર થઈ શકે છે. જેમ કે દ્રોણ અને કર્ણ નાના માણસો હતા તેમ છતા તેઓએ આટલી ખ્યાતી પ્રાપ્ત કરી, વાલ્મીકી કે જે કોલી જાતિના અછૂત હોવા છતા રામાયણ ની રચના કરી. આટલા માટે જ હુ રામાયણ તથા મહાભારત વાંચવા માટે જણાવુ છુ."
ભીમરાવ ને એમના પિતાજી નો આ ખુલાસો સંતોષકારક ન લાગ્યો. ભીમરાવ ને મહાભારત ના એક પણ પાત્ર પસંદ નહોતા. તેમણે પણ પોતાના પિતાજી ને જવાબ આપ્યો કે , "મને ભીષ્મ અને દ્રોણ પસંદ નથી તેમજ કૃષ્ણ પણ. ભીષ્મ અને દ્રોણ દંભી લોકો હતા. તેઓ કહે કંઈ અલગ કરે કંઈ અલગ. કૃષ્ણ કપટી હતા. તમની કથા છળ કપટની હારમાળા થી વિશેષ કંઈ નથી. રામ પર પણ મને એક સમાન અણગમો છે. શૂર્પણખા અને વાલી-સુગ્રીવ ના બનાવ પર તેમની હરકતો તપાસો તેમ જ સીતા સાથે કરેલો ધ્રુણાસ્પદ વ્યવહાર તપાસીએ તો ખ્યાલ આવે."
આ સાંભળી ને ભીમરાવ ના પીતાજી કશુ ન બોલ્યા. તેઓ સમજી ગયા હતા કે આ વિદ્રોહ ની શરુઆત છે....!!!!
આ રીતે દાદા કેલુસ્કર દ્વારા આપવામા આવેલા પુસ્તક ના કારણે બાબા સાહેબ પોતાના જીવન ના શરુઆતના દિવસો મા જ બુદ્ધ અને તેમના વિચારોથી પરિચિત બન્યા હતા તેઓ નાની ઉમર થી બુદ્ધ અને તેને લગતુ સાહિત્ય વાંચતા રહેતા અને અન્ય ફિલોસોફી અને ધર્મ સાથે સરખાવતા રહેતા. ત્યારબાદ ગૌતમ બુદ્ધ અને તેમના વિચારો બાબા સાહેબ ના જીવન સાથે મૃત્યુ સુધી જોડાયેલા જ રહ્યા. અંતે તેમણે પોતાના લોકો ની વૈચારીક અને સામાજીક ઉન્નતી માટે બુદ્ધ નો ધમ્મ અપનાવી ને એક દિશાસૂચન કરતા ગયા. અને આગળ ની જવાબદારી બાબાસાહેબ બહુજન સમાજ ના લોકો પર છોડતા ગયા છે. સામાજિક જાગૃતી ના આ યુગમાં આપણે એક તકેદારી તો ચોક્કસપણે રાખવી જ પડશે કે આપણા સંતાનો પણ મોટા થઈને જાતે જ બાબા સાહેબ અને બુદ્ધ ના વિચારો જાણતા થાય અને પછી બાબા સાહેબ જેમ આપણને પ્રશ્ન ન કરે કે, "કેમ આટલા વર્ષો થી અમને આંબેડકર અને બુદ્ધ ના વિચારો થી અળગા રાખવામા આવેલા છે...????"
Facebook Post :
સુંદર અને મર્મ બોધક લેખ, ગમ્યો, ખૂબ ખૂબ અભિનંદન
ReplyDeleteમાહિતીસભર લેખ, ખૂબ સરસ
ReplyDelete