July 11, 2018

ભીમરાવની ક્રાન્તિ એટલે લોહીનું ટીંપુય વહાવ્યા વગરની બૌધ્ધિક ક્રાન્તિ

By Jigar Shyamlan ||  Written on 17 March 2018


કાર્લ માર્ક્સની ક્રાન્તિ એટલે રક્ત રંજીત ક્રાન્તિ જ્યારે ભીમરાવની ક્રાન્તિ એટલે લોહીનું ટીંપુય વહાવ્યા વગરની બૌધ્ધિક ક્રાન્તિ.



કાર્લ માર્ક્સ એટલે કે Karl Heinrich Marx અને બાબા સાહેબ આંબેડકર એટલે કે Dr. Bhimrao Ramji Aambedkar બન્નેમાં એક સમાન હોય એવી બાબત શોધવા જઈએ એક બાબત ધ્યાન પર આવે કે બન્ને એ લગભગ 40 વર્ષ ગહન સંશોધન કર્યુ હતું.

પરંતુ ફરક એક એ જ કાર્લ માર્ક્સને પોતાની કમ્યૂનિઝમની થિયરી લખવા માટે, કોમ્યૂનિસ્ટ મેનિફેસ્ટો રજૂ કરવા માટે તેમજ દાસ કેપિટલ લખવા માટે પોતાના મિત્ર ફેર્ડરીક એન્જલ્સનો સહારો લેવો પડ્યો હતો. જ્યારે બાબા સાહેબ આંબેડકરે આ માટે કોઈની જરૂર પડી ન હતી.

બીજી મહત્વની વાત એ પણ છે કે કાર્લ માર્ક્સ માર્કસીઝમનું તત્વજ્ઞાન અને દર્શન તો આપી શક્યા પણ ખુદ કોઈ ક્રાન્તિ લાવી શક્યા ન હતા એ એમનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ કહી શકાય અલબત્ત મારી દ્રષ્ટિએ. માર્ક્સને પોતાના જ વિચારોને ક્રાન્તિમાં તબદિલ કરવા માટે "લેનિન અને માઓ"ની જરૂર પડી હતી. જ્યારે બાબા સાહેબે નવી વિચારધારા તો આપી જ હતી વધુમાં સાથે સાથે તે વિચારધારાને એક ક્રાન્તિના રૂપમાં પણ નિર્માણ કરી બતાવી હતી.

કાર્લ માર્ક્સે આપેલ માર્ક્સવાદ માત્ર મટીરીયલ વર્લ્ડ (ભૌતિક જગત)ની પુર્નરચનાની વાત કરે છે, જ્યારે આંબેડકરવાદ મટીરીયલ વર્લ્ડ (ભૌતિક જગત) અને મેન્ટલ વર્લ્ડ (માનસિક જગત) એ બન્નેની પુર્નરચનાની વાત કરે છે, તે માટે માર્ગ પણ બતાવે છે.

આમ મટીરીયલ વર્લ્ડ (ભૌતિક જગત) અને મેન્ટલ વર્લ્ડ (માનસિક જગત) એ બન્નેની પુર્નરચનાની વિચારધારા આપનાર આખી દુનિયામાં કોઈ ફિલોસોફર હોય તો એ માત્ર બાબા સાહેબ આંબેડકર છે.

બાબા સાહેબની વિચારધારા સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાયની વિચારસરણી પર આધારીત છે. એમણે પ્રબુધ્ધ ભારત બનાવવાનુ બીડુ ઝડપ્યુ હતું.

હવે આ બન્ને વિચારધારાની સરખામણી કરીએ તો માર્કસવાદ રક્તરંજીત ક્રાન્તિનો પર્યાય બની ચૂક્યો છે. ભારતની જ વાત કરીએ તો 10 જુલાઈ 2017 સુધીમાં કુલ 12,000 જેટલી જિંદગીઓ નક્ષલવાદના ખપ્પરમાં હોમાઈ ચૂકી હતી. જ્યારે આંબેડકરની વિચારધારાને કારણે ભારતના ઈતિહાસમાં આવી કોઈ હિંસાત્મક ધટના બન્યાનુ ઈતિહાસના કોઈ પાનાં પર નોંધાયુ નથી.

બાબા સાહેબે ધર્મશાસ્ત્રો, બ્રાહ્મણવાદે નિર્માણ કરેલ જાતિ વ્યવસ્થાને ન એકલી પડકારી હતી પરંતુ તેને ચેલેન્જ કરી તેના નિવારણના રસ્તાઓ પણ બતાવ્યા છે. વળી એમણે આ વ્યવસ્થાને ધ્વસ્ત પણ કરી બતાવી હતી એ પણ કોઈ જાતના હથિયાર હાથમાં લીધા વગર કે કોઈનાય લોહીનું એક ટીંપુ વહાવ્યા વગર..

(આંકડાઓ માટે તેમજ સ્ક્રીન શોટ્સ સોર્સ- ઈકોનોમિક્સ ટાઈમ વેબસાઈટ)

No comments:

Post a Comment