July 11, 2018

લોકોને માત્ર બાબા સાહેબે અપાવેલા શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારોમાં જ રસ છે, બાબા સાહેબના વિચારોમાં નહીં...!!

By Jigar Shyamlan ||  Written on 20 March 2018




સદીઓથી પિડાતા શોષિત અસ્પૃશ્ય સમાજના ઉત્થાન માટે બાબા સાહેબે 1927ની 3 એપ્રિલના રોજ ''બહિષ્કૃત ભારત'' પાક્ષિકની શરૂઆત કરી હતી.

ભારતનો નકશો અને અર્ધ ગોળાકારની બન્ને બાજુ સાંકળથી જકડાયેલ બે સિંહનો લોગો ધરાવતું આ પાક્ષિક અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપવા કટિબધ્ધ હતું.

પણ..! મહત્વની વાત એ હતી કે આ પાક્ષિકના પ્રારંભ પહેલા જરૂરી ફંડ ફાળો એકત્ર કરવા માટે બાબા સાહેબે અસ્પૃશ્ય સમાજને માનપુર્વક અપિલ કરી હતી તો પણ સમાજ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

સમાજના લોકોનો સહકાર ન મળ્યો તેમ છતાં બાબા સાહેબે પાક્ષિક શરૂ કર્યુ અને પોતે 500 રૂપિયાનું અંગત દેવુ કરવું પડ્યું હતુ.

એ વખતે મુંબઈ રાજ્યના ગામેગામથી ગામદીઠ માત્ર 10રૂપિયાનો ફાળો મોકલી આપવાની આજીજી કરવા છતાં અસ્પૃશ્ય સમાજના લોકોએ કોઈ પણ પ્રકારની મદદ કરવાની તસદી લીધી ન હતી. કોઈએ પણ પાક્ષિકના ગ્રાહક બનવા માટે રસ પણ દાખવ્યો ન હતો. આખરે ભારે આર્થિક સંકડામણને લીધે પૈસાની તંગી સર્જાતા બે વરસ પછી 1929માં બહિષ્કૃત ભારત બંધ કરવું પડેલું.
હવે મૂળ વાત પર આવીએ એ વખતના અને હાલના અસ્પૃશ્ય સમાજના લોકોની માનસિકતામાં કંઈ બહુ ઝાઝો તફાવત જોવા મળતો નથી.

એ વખતે પણ બાબા સાહેબને સમાજના લોકો તરફથી યોગ્ય, જરૂરી મળવા યોગ્ય સહકાર મળ્યો ન હતો. જો કે એ વાત સમજી શકાય એમ છે કે એ વખતે અસ્પૃશ્ય સમાજનાં લોકો સામાજિક રીતે સાવ દબાયેલા હતા, અભણ અને ગરીબ હતા.

પણ... આજની વાત કરીએ તો આજે અસ્પૃશ્યો ઘણાં આગળ વધ્યા છે. શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય તમામ ક્ષેત્રે અસ્પૃશ્યોની પ્રગતિ કાબીલે તારીફ છે. છતાં પણ માનસિકતામાં બહુ મોટો ફેર પડ્યો હોય તેવું જણાતું નથી.

એનુ કારણ એક જ અસ્પૃશ્યોને માત્ર બાબા સાહેબે અપાવેલા શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારોમાં જ રસ છે, બાબા સાહેબના વિચારોમાં નહીં..!!

No comments:

Post a Comment