By Vishal Sonara || 27 Jun 2018
ડો ભીમરાવ આંબેડકર વિશે ફેસબુક તથા અન્ય માધ્યમો દ્વારા ઘણી બધી માહિતી લોકોને મળતી હોય છે. પણ આશ્ચર્યજનક વાત એ છે કે આ માહિતી મા સૌથી વધારે જો કંઈ હોય તો તે ભગવાન અને હિન્દુ ધર્મ વિરોધી વિચારો જ જોવા મળે છે. એમા કોઈ શંકા નથી કે બાબા સાહેબે વર્ણ વ્યવસ્થા જેવા અન્યાયપુર્ણ સિદ્ધાંતો નુ રક્ષણ તથા પોષણ કરતા હિન્દુ ધર્મ ના વિરોધ મા ઘણું બધું લખેલું છે. પણ એ પણ એક હકીકત છે કે એના સિવાય પણ બાબા સાહેબ ઘણું બધું અન્ય સાહિત્ય સર્જન કરતા ગયા છે. બાબા સાહેબે અન્ય જે વિષયો પર પ્રકાશ ફેંક્યો છે એ જો જાણીએ તો તે છે કાયદા શાસ્ત્ર, ઈતિહાસ, અર્થશાસ્ત્ર , સમાજ પરિવર્તન, ધર્મ અને ફિલોસોફી, રાજ્યશાસ્ત્ર, રાજકારણ વગેરે વગેરે... આ બધું છોડીને આંબેડકરના ફક્ત હિન્દુ વિરોધી વિચારો નો જ આટલો ભયંકર પ્રચાર પ્રસાર કેમ?? આંબેડકર ને માનનારા લોકો ના અન્યાય તથા અસમાનતા પ્રત્યે ના આક્રોશ ના કારણે આમ થાય છે કે કોઈ ષડયંત્ર ના ભાગ સ્વરૂપે થાય છે તે એક તપાસ નો વિષય છે. અત્યાર ના આ માહિતી ના યુગમાં આંબેડકર ને માનતા લોકોએ સતર્કતા થી એમના વિચારોને સાચી રીતે સમજીને લોકો સમક્ષ રજૂ કરવા પડશે. નહીં તો વિરોધી વિચારધારા ધરાવતા તત્વો એ વિચારોને અલગ અલગ રીતે મુકતા રહેશે અને જે સાચે જ આ વિચારધારા ને સમજવા માંગે છે એ ગેરમાર્ગે દોરાતા રહેશે. આંબેડકર એક વિશાળ દરિયો છે, વ્યક્તિ ના સ્વરૂપમાં એક આખી લાઈબ્રેરી છે. એ લાઈબ્રેરી માંથી પોતાને મનગમતા વિષય પર લોકોને માહિતગાર કરવા એ હર એક કર્મશીલ ની ફરજ છે.
બાબા સાહેબ માટે નૈતિકતા અને સદાચાર અત્યંત મહત્વપુર્ણ ગુણધર્મો હતા. એમણે ખુદ એ પ્રકાર નુ જીવન જીવ્યા છે. માટે સમાજ અને આ દેશના લોકો પણ એ જ પ્રમાણે સદાચારી જીવન જીવે એવું એમનું સ્વપ્ન હતું. બુદ્ધ ના ધમ્મ નો મૂળભૂત પાયો જ અન્ય ધર્મો જેમ ભગવાન નહી પરંતુ નૈતિકતા અને સદાચાર છે માટે બાબા સાહેબને દુનીયા ના દરેક ધર્મો નો અભ્યાસ કર્યા બાદ બુદ્ધ નો ધમ્મ જ એમના આંદોલન અને વિચારધારા ને અનુરુપ લાગ્યો. બાબા સાહેબ ના જીવન નો અભ્યાસ કરીએ તો આપણને પ્રતિત થશે કે જે રીતે ગૌતમ બુદ્ધે પોતાના સમયમાં પાખંડ, અંધશ્રદ્ધા, હિંસા, શોષણ, અસમાનતા, નફરત વગેરે જેવા દુર્ગુણો સામે ક્રાંતિ કરી હતી એ જ પ્રકારની ક્રાંતિ બાબા સાહેબે પણ પોતાના સમગ્ર જીવન દરમિયાન કરી હતી.
ડો ભીમરાવ આંબેડકરે સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવ્યા બાદ ઈસવીસન 1935 માં જ જાહેર કરેલુ કે હું હિન્દુ તરીકે જનમ્યો જરુર છું પરંતુ એક હિંદુ તરીકે કદાપી મરીશ નહીં. બાબા સાહેબે પોતાના જીવનમાં 25 વર્ષો સુધી વિવિધ ધર્મો નો અભ્યાસ કર્યો હતો. ધર્મ પરિવર્તન માટે વિવિધ ધર્મો ના ધર્મગુરુઓ ની સમજાવટ ને ધ્યાનમાં લીધા બાદ એમણે 14 ઓક્ટોબર 1956 ના દિવસે વિધિવત રીતે જગ પ્રસિદ્ધ બૌદ્ધ ધમ્મ નો સ્વિકાર કર્યો હતો. કમનસીબે 2 મહીના જેવા ટુંકા ગાળામાં જ 6 ડિસેમ્બર 1956 ના રોજ એમણે આ દુનિયા છોડી દીધી હતી. પરંતુ અંત સમયમાં પણ એમણે પોતાની 1935 મા લીધેલી 21 વર્ષ જુની પ્રતિજ્ઞા પુરી કરી હતી.
આપણે હંમેશા સાંભળ્યું છે કે રાવણને 10 મસ્તક હતા, આજના આ તર્ક અને વિચારોના યુગમાં હવે સમજી શકાય છે કે દસ મસ્તક એટલે એ નહીં કે જે જે ટીવી પર અને નાટકોમાં 10 મહોરા પહેરે છે પણ 10 દિમાગ જેટલી બુદ્ધિમત્તા ધરાવતો વ્યક્તિ એટલે દસ સર વાળો રાવણ. પણ આવા દ્રષ્ટાંતો ને કલમ કસાઈઓ દ્વારા પોતાના લાભ માટે અલગ રીતે ઉપયોગ થયો છે એ હકિકત આપણે હવે સારી રીતે જાણતા થયા છીએ. બાબા સાહેબ આવી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા વ્યક્તિ હતા. એમણે પોતાના જીવન ના અનેક તબક્કાઓ મા પોતાની દિર્ઘ દ્રષ્ટી નો પરીચય આપ્યો છે. અને એના ભાગ રૂપે જ એમણે ભારત દેશ ને બુદ્ધ ના સિદ્ધાંતો પર ચાલવાની રાહ દેખાડી છે. એક વાત અત્યારે જ ક્લિયર કરીએ બાબા સાહેબે બુદ્ધના નામ પર જે ચમત્કારિક કહાનીઓ અને અંધશ્રદ્ધા છે એનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો છે અને એમનો ઓરિજિનલ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે. ગૌતમ બુદ્ધ ને Light of Asia એટલે કે એશિયા નો પ્રકાશ પુંજ કહેવાય છે. એ જ પ્રકાશ પુંજ ડો ભીમરાવ આંબેડકર ના સ્વરૂપે આ દેશને એક નવી દિશા દેખાડી રહ્યો છે. અને બાબા સાહેબ ને પુરી ખાતરી હતી કે એમના બાદ ભારતવાસીઓ આ દેશને પ્રબુદ્ધ રાષ્ટ્ર બનાવીને રહેશે. એમના અનુયાયી તરીકે આપણે પણ એ દિશામાં ચોક્કસથી કામ કરવું જ જોઈએ, અને કરીશું જ.
No comments:
Post a Comment