By Jigar Shyamlan || Written on 7 April 2018
બાબા સાહેબ અને બૌધ્ધ ધમ્મની વાત આવે ત્યારે આ બન્ને સવાલો અતિ મહત્વના બની રહે છે.
બાબા સાહેબ પોતે અતિ અભ્યાસુ હતા, વિદ્વાન હતા તેમ છતાં ખુદને ધર્મવિહીન ન રાખી શક્યા. દુનિયાના વિશેષ કરીને પશ્ચિમમાં અનેક લોકો કોઈ પણ જાતના ધર્મ વગરની અવસ્થામાં છે એમનુ ઉદાહરણ બાબા સાહેબે કેમ ન અપનાવ્યુ..?
બીજી રીતે કહીએ તો
(1). બાબા સાહેબે ધર્મવિહીન અવસ્થા શા માટે ન અપનાવી..?
(2). એક વખત હિન્દુ ધર્મનો ત્યાગ કરી દીધા પછી કોઈ પણ ધર્મ સ્વિકાર્યા વગર કેમ ન રહી શક્યા..?
આ બન્ને સવાલો મહત્વના બની રહે છે, આપણે એનો જવાબ મેળવવાની કોશિશ કરીશું.
પહેલી વાત એ કહેવી પડશે કે બાબા સાહેબ એવુ માનતા હતા કે મનુષ્યના જીવનમાં ધર્મની જરૂરીયાત અતિ આવશ્યક છે.
બીજી વાત સમાજની ધારણા માટે નૈતિકતાના અર્થમાં ધર્મ અતિ આવશ્યક છે એવો બાબા સાહેબનો વિશ્વાસ હતો.
બાબા સાહેબને વિશ્વાસ હતો કે નીતિ નિયામકતા થવાથી જ સમાજની ધારણા થઈ શકે છે. માત્ર કાયદાની નિયામકતા એટલે કે એક જાતની શક્તિ પર આધારિત નિયામકતા પુરતી નથી.
બાબા સાહેબનુ માનવુ હતુ કે સમાજ ત્યારે જ સલામત રહી શકે જ્યારે સમાજના બહુસંખ્યક લોકો ધર્મના અધિકાર સ્વિકારે, બીજા અર્થમાં કહીએ તો નૈતિકતાના અધિકારને સ્વિકારે અને માને.
બાબા સાહેબ એ વાત સ્થાપિત કરવામાં સફળ હતા કે નૈતિકતાના અર્થમાં ધર્મ એ પ્રત્યેક સમાજનું નિયામક તત્વ હોય છે.
એમને એ પણ કહ્યું કે સમાજમાં અનુશાસન કરવાનું સામર્થ્ય મેળવવા માટે ધર્મે કેટલીક શરતોનું પાલન કરવાનું હોય છે.
એ શરતો જોઈયે તો ધર્મ વિજ્ઞાન સંગત અને બુધ્ધિ સંગત હોવો જોઈયે. ધર્મ સ્વતંત્રતા, સમતા, સમાનતા અને બંધુત્વના મૂળભુત તત્વોને માન્યતા આપતો હોવો જોઈયે. ધર્મ ગરીબી અને શોષણને સમર્થન કરે કે તેને મહત્વ આપે તેવો ન હોવો જોઈયે.
બાબા સાહેબે વિશ્વના તમામ ધર્મોનો પુરો અભ્યાસ કર્યો હતો અને એકમાત્ર બૌધ્ધનો ધમ્મ જ આ તમામ શરતોનું પાલન કરતો હતો અને તમામ કસૌટીઓમાં પાર ઉતરતો હોવાનું જણાયુ હતું.
બાબા સાહેબેને વિશ્વાસ હતો કે વિશ્વને ધર્મની જરૂર છે, નવા અને આધુનિક એકવીસમી સદીના વિશ્વને તો પ્રાચિન કાળના વિશ્વ કરતા પણ ધર્મની જરૂર વધુ છે.
બાબા સાહેબના મત મુજબ તથાગત બુધ્ધે માત્ર અહિંસાના સિધ્ધાંત નો જ ઉપદેશ નથી આપ્યો. બુધ્ધે સ્વતંત્રતાના તત્વનો પણ પાઠ શીખવ્યો છે. સામાજીક, વૈચારીક, આર્થિક અને રાજનૈતિક સ્વતંત્રતાની સાથે સાથે સમતાનો સિધ્ધાંત પણ આપ્યો છે.
બુધ્ધની શિક્ષા માનવના સામાજીક જીવનની દરેક બાબતોને સ્પર્શે છે.
મનુષ્યને મૃત્યુ પછી સ્વર્ગમાં મુક્તિ મેળવવાનો કોઈ માર્ગ બતાવવા બાબતે બુધ્ધે કદી કોઈ વચન આપ્યુ નથી.
બુધ્ધનું મુખ્ય ચિંતન એ છે કે મનુષ્ય પોતાના વર્તમાન જીવનમાં જ, આ જ ધરતી ઉપર નિર્વાણ પ્રાપ્ત કરી લે.
બુધ્ધે પોતાને માત્ર પથદર્શક તરીકે જ રજુ કર્યા છે. કોઈ મુક્તિદાતા તરીકે નહી.
FB Post :
No comments:
Post a Comment