By Raju Solanki || 24 April 2018
આજથી 42 વર્ષ પહેલાં 6 ડીસેમ્બર, 1975ના રોજ નારણ વોરાના તંત્રીપદે બહાર પડેલા ‘પેંથર’ માસિકના પ્રથમ અંકમાં ‘ફક્કડની ડાયરી’ પેંથર્સની રાજકીય પરિપક્વતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. “ગાંધીનગર સચિવાલયની ગેલેરીમાં ફરતા ફરતા ફક્કડને એક ઇન્ડીકેટી હરિજન આગેવાન મળી ગયા,” લેખના આ પ્રથમ વાક્યથી જ વાચકને ખ્યાલ આવી જાય છે કે ‘ફક્કડની ડાયરી’ લખનારનો મૂડ કેવો એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ છે. ફક્કડ પેલા ઇન્ડીકેટી હરિજન આગેવાનને પૂછે છે કે, “શું સમાચાર છે?” તો એ કહે છે, “સમાચાર તો શું હોય? સંસ્થા, જનસંઘ, ભાલોદ અને એસપીનો ખીચડો બિલકુલ નકામો છે.” સંસ્થા એટલે સંસ્થા કોંગ્રેસ, ભાલોદ એટલે ભારતીય લોકદળ, જનસંઘ એટલે ભાજપનો પૂર્વાવતાર અને એસપી એટલે સમાજવાદી પક્ષ. એ વખતે ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલની સંયુક્ત મોરચાની સરકાર હતી અને કેન્દ્રમાં ઇન્ડીકેટ એટલે કે ઇન્દિરા કોંગ્રેસ હતી.
આગળ ફક્કડ લખે છે, “અમારી વાતચીત ચાલતી હતી એટલામાં શાસક કોંગ્રેસના એક મોટા નેતા કડછાઓની ફોજ સાથે ત્યાંથી નીકળ્યા.” આ વાક્ય વાંચીએ તો એવું લાગે કે જાણે આ તો અત્યારની પરિસ્થિતિ ઉપર લખાયું છે. કડછાઓને આપણે અત્યારે ભક્તોના નામે ઓળખીએ છીએ, કોઈ ઝાઝો ફરક નથી. ફરક એટલો જ છે કે ત્યારે પેંથરો તમામ રાજકીય પક્ષોથી અલગ પોતાની પહેચાન બનાવી રહ્યા હતા. સીન્ડીકેટ હોય કે ઇન્ડીકેટ હોય, બધા સત્તાના લોલુપ રાજકારણીઓ છે એ સમજ પાક્કી હતી. સીન્ડીકેટનો વિરોધ કરતા કરતા ઇન્ડીકેટના ખોળામાં બેસી જવાનો તકવાદ પેંથરોમાં નહોતો.
વીતેલા સમયનો એક ઐતિહાસિક દસ્તાવેજ. આજની યુવા પેઢીની જાણ સારું. નારણ વોરા, રમેશચંદ્ર પરમાર કે વાલજીભાઈ પટેલની રાજકીય સમજ આજથી બેત્તાલીસ વર્ષ પહેલાં કેવી હતી એનો આ નમુનો છે. આજે એમના કરતાં પણ હોંશિયાર, વાચાળ, અંગ્રેજીના જાણકાર, મીડીયાના માનીતા લોકો દલિત આંદોલનમાં આવ્યા હશે, પરંતુ પેંથર્સ જેટલી નિષ્ઠા, પ્રતિબદ્ધતા એમનામાં છે કે કેમ એ એક મોટો સવાલ છે.
No comments:
Post a Comment