May 03, 2017

આંબેડકર કોના? : રુશાંગ બોરીસા

આંબેડકર કોના? :-

સોસીયલ મીડિયાના ઉદયની સાથે સાથે યુઝર્સનો એક ચોક્કસ વર્ગ આંબેડકર વિચારધારાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહ્યો છે,જયારે હિન્દુઓના બહોળા વર્ગો તે ચોક્કસ વર્ગીય યુઝર્સથી તંગ આવી ગયા છે! હિંદુઓ માટે આ આખું ચિત્ર માથાનો દુખાવો બની રહ્યું છે.

આઝાદી બાદ (તે પૂર્વે પણ) બ્રાહ્મણવાદી રાજવ્યવસ્થા-મીડિયા-હિન્દુવાદી તંત્ર-અર્થવ્યવસ્થાએ ઇરાદાપૂર્વક આમ્બેડકરવાદને બહોળા દેશવાસીઓથી "અછૂત" બનાવી દેશના બહોળા વર્ગને આંબેડકર વિચારધારાથી અલિપ્ત રાખ્યો.મારા મત મુજબ આમ્બેડકરવાદને પોતાની સૂઝ-બુઝથી સમયાનુસાર સુધારો કરીને પુનઃ-પ્રસ્તુત કરવાનો શ્રેય કાંશીરામને ફાળે જાય છે.કહેવાતા ઉચ્ચ જાતીય-ધાર્મિક-જાતિવાદી-બ્રાહ્મણવાદીઓએ આમ્બેડકરવાદને ફરી દાટી દેવા જોરશોરથી પ્રયાસો કર્યા(બોલોને કરી રહ્યા છે),છતાં પણ તેઓ નિષ્ફળ જઈ રહ્યા છે. સોસીયલ મીડિયામાં જોવા મળતા આમ્બેડકરવાદીઓના પ્રચારમાં પણ સામ્યવાદીઓનો ઓછો અને કાંશીરામનો દ્રષ્ટિકોણ વધુ જોવા મળે છે.

એક સમયે ભારતમાં બિનસાંપ્રદાયિક-રેશનલ અભિગમ કેળવવા માટે નેહરુને વાંચવા-સમજવા જરૂરી હતા.હાલમાં ચિત્ર બદલાયું છે.જો કોઈ રેશનાલિસ્ટ આંબેડકરને અવગણે તો તેનું ઇન્ટેલેક્ચ્યઅલ લેવલ કદાચ નીચું રહી જાય.ખરેખર તો ભારતમાં આંબેડકરને સમજનાર બૌધિકવર્ગ તેને અવગણનાર બૌધિકવર્ગથી ચડિયાતો સાબિત થાય છે અને વધુ વિશ્વસનીય બની રહે છે.

આંબેડકરને વાંચવા-સમજવા-પ્રચાર કરવો વગેરે એક રીતે તો દેશમાં પરદા પાછળ થતી પ્રકિયા છે ,જેને મેઇનસ્ટ્રીમ મીડિયા-રાજનેતાઓ ગરજ મુજબ વાપરે છે.જેથી આમ્બેડકરવાદને લઈને સરેરાશ નાગરિકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળે છે.હાલમાં પણ હું દાવા સાથે કહી શકું કે સરેરાશ હિન્દૂ આંબેડકરને માત્ર "અનામતપ્રથા"થી આગળ(અને પાછળ પણ) જાણતા નહિ હોય અને ત્યાં જ હિન્દુઓની વિચારશક્તિની મર્યાદા-પરાજય નક્કી થઇ જાય છે.

વર્તમાન સોસીયલ મીડિયાના યુગમાં જયારે આંબેડકરનો જયજયકાર થાય ત્યારે સ્વાભાવિકપણે હિંદુઓને આવો નાદ "કકળાટ" સમાન જણાય,ઈર્ષ્યા-નફરત પેદા થાય,શુગ ચડી જાય અને તેઓ અચંબિત પણ થઇ શકે.હિંદુનેતાઓએ કદાચ કલ્પના પણ નહિ કરી હોય કે જે વ્યક્તિને તેઓ હાંસિયામાં ધકેલવા યેનકેન પ્રકારેણ તિકડમો-તરકીબો અજમાવતા હતા તે વ્યક્તિ સમય જતા ફરી લોકપ્રિય બની રહેશે.આ આખું ચિત્ર જાતિવાદી-બ્રાહ્મણવાદી હિંદુઓ માટે અસહનીય છે,જેથી ઘર્ષણ ઉદભવે છે.જ્યારે આમ્બેડકરવાદીઓ એકથી એક ચડિયાતી દલીલો-તર્કો વડે ઘર્ષણમાં એડવાન્ટેજ મેળવે છે ત્યારે બ્રાહ્મણવાદ ખરેખરમાં પોતાનું પોત પ્રકાશે છે.તે જૂઠ-અર્થહીન-વિકૃત માહિતી-કુપ્રચાર વગેરેનો ઉપયોગ કરે છે.કોલ્ડ બ્લડેડ હિંદુત્વવાદીઓ પણ પોતાની સુફિયાણી દલીલોરૂપી હથિયારો ઉપાડે છે.(જેમ કે આર્ય સમાજ,RSS વગેરે) સામ અને દામમાં નિષ્ફળ રહેલ ચાણક્ય હવે દંડ અને ભેદનો ઉપયોગ કરે છે.આવી પરિસ્થિતિમાં ઉદભવતી સેંકડો પ્રતિ-દલીલમાંની એક દલીલ હોય છે કે- "આંબેડકર દલિતોના નથી,અમારા(સમગ્ર દેશના) છે અને આમ્બેડકરવાદીઓ તેને દલિતો પૂરતા મર્યાદિત બનાવી રહ્યા છે."

આ દલીલ મારી દ્રષ્ટિએ સૌથી હાસ્યાસ્પદ પ્રતિ-દલીલ છે.આમ્બેડકરવાદીઓએ ક્યારેય આંબેડકરને પોતાના ચોકઠામાં બાંધી રાખ્યા નથી.આમ્બેડકરવાદ એ એક રાષ્ટીય વિચારધારા છે તે અમે સારી રીતે સમજીયે છે,તેથી તો અમે તેનો પ્રચાર કરીયે છીએ.અસંતુલિતતાના જવાબદાર અમે નથી,પણ તમે છો.આમ્બેડકરવાદ કે જે હાલમાં ઘણો ખરો મર્યાદિત કહી શકાય તે તબક્કામાં છે તેના અસલી જવાબદાર તમે છો.તમે ક્યારેય આંબેડકર વિચારધારાને સમજવાનો પ્રયાસ કર્યો નથી.તમારી ઉદાસીનતા જ આંબડેકરને દલિતોના મસીહા પૂરતા સીમિત બનાવે છે. આજે કેટલા સવર્ણો-ઓબીસી આંબેડકર વિષે વિસ્તૃત જાણકારી ધરાવે છે?મને શંકા છે કે ૧% પણ નહિ હોય. જો તમે જાગૃત બનશો તો ખરા અર્થે દેશ એક અજોડ અને ઐતિહાસિક કલંક-પાપમાંથી મુક્ત થશે.દેશમાં સાચા અર્થે બંધુત્વની ભાવના સ્થપાશે.

પણ જે હું દેખી રહ્યો છું તે એક ભયાનક દ્રશ્ય છે-લોહીથી લથબથતું!!! જ્યાં સુધી તમે હિન્દૂ ધર્મથી પ્રભાવિત રહેશો ત્યાં સુધી તમારામાં બ્રાહ્મણવાદના અંશો છુપાયેલા રહેશે(સક્રિય કે નિષ્ક્રિયરૂપે).જે કદાચ ભવિષ્યમાં ખતરનાક અસંતુલનને જન્મ આપશે.એવું નથી કે તમે ખોટા-પાપી-અત્યાચારી છો.આ દુષણ શદીઓથી ફેલાયેલું અને સર્વવ્યાપક છે,જેનો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિમાં લીધેલ જન્મના માધ્યમથી તમે અનાયાસે ભોગ બન્યા છો.આ રોગની એક અસરકારક રસી છે-આમ્બેડકવાદ, જેના તમે માત્ર દૂરથી જ દર્શન કરો છો."આંબેડકર દલિતોના નહિ,દેશના નેતા છે"-તેની માટે દેશવાસીઓએ આંબેડકરને એક નેતા તરીકે અપનાવવા રહ્યા. અમે તો અમારી ફરજ પુરી કરી રહ્યા છીએ, ચુકો છો તો તમે.

આંબેડકરની આઝાદીની લડાઈ બ્રિટિશ હુકુમત સામેની ચળવળથી અનેક ગણી સંઘર્ષપૂર્ણ,અરાજકતા અને અડચણોથી ભરપૂર હતી.છતાં પણ તમારા માટે "મહાત્મા" માત્ર એક જ વ્યક્તિ બની રહ્યા, કારણ કે તમે માત્ર બ્રાહ્મણવાદી ઇતિહાસકારો-શિક્ષણ અને મીડિયાથી હકીકતોનું મૂલ્યાંકન કર્યું છે. તમે નિરપેક્ષ રીતે પોતાની તર્કશકિતનો લગભગ ઉપયોગ કરતા નથી. જે માટે જવાબદાર અનેક અવરોધકોમાંના એક તમારી ધાર્મિક માન્યતા-ધાર્મિક શિક્ષણ છે.અમારી માટે તો આંબેડકર એક વૈશ્વિક મહામાનવ છે, દલિતોના પરિપ્રેક્ષયમાં મર્યાદિત તમે કરો છો.સઘળા હિંદુઓ જાતિવાદી હોય છે અને આમ્બેડકરીરૂપી રસીના ઇન્જેક્શનનો તેમને ભય રહે છે.એક વાર ઇન્જેક્શન લઇ લો ,પછી તમને એક સન્માનીય-અનુકરણીય રાષ્ટ્રીય નાયક મળી જશે. સાથે સાથે "આંબેડકર દલિતોના નેતા નહિ ,સમગ્ર દેશના છે" એવી ચબરાકી દલીલના આડમાં ખરેખર જે રીતે તમે જ આંબેડકરને દલિતો પૂરતા મર્યાદિત બનાવતા હતા તે હકીકતનું પણ બાષ્પીભવન થઇ જશે.

આંબેડકર કોના???- જે સમાનતામાં માને છે તેના;જે માનવ અધિકારોના હિમાયતી છે તેના;જે ભેદભાવ-અત્યાચારના વિરોધી છે તેના;જે આત્મીયતા-બંધુતામાં માને છે તેના;જે અન્ય માણસને માણસ તરીકે સ્વીકારે છે તેના;જે જીવનમાં જીવ રોપી શકે તેના;અમારા પણ અને તમારા પણ. પણ એટલી વિનંતી કે તમે આ બાબતમાં તમારું દંભીપણું ત્યાગી એક વાર આંબેડકરને વાંચી જાવ. પછી આપોપાપ આંબેડકર તમારી માટે સમગ્ર દેશના થઇ જશે.

ફોટોલાઇન:-"હું સમગ્ર(અખંડ)નો હિસ્સો નથી, હું અલગ કરવામાં આવેલ હિસ્સો છું."-ભીમરાવ આંબેડકર

રુશાંગ બોરીસા



No comments:

Post a Comment