May 03, 2017

ઇકો ઝોનની આડઅસર : ૩પ૦૦૦ ગાયો કતલખાને જશે

વાંકાનેર પંથકના ર૦ ગામો ઇકો સેન્સેટીવ જાહેર કરાતા ગૌચરનો ગંભીર પ્રશ્ન સર્જાયોઃ હિરાસર બાઉન્ડ્રી પાસેની વર્ષો જૂની ગૌચર છીનવી લેવા પ્રયાસ સામે ર૦ ગામોના લોકોનો તીવ્ર આક્રોશ ઉગ્ર આંદોલનની ચીમકી.
વાંકાનેર પંથકના માલધારી આગેવાનો લાખાભાઇ સરૈયા, પોલાભાઇજીવણભાઇમૈયાભાઇમનસુખભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)



   રાજકોટ, તા. ૪ : પર્યાવરણ મુદ્દે સરકારો જાગૃત બની છે, પરંતુ વગર વિચાર્યે ભરાતા પગલાથી પર્યાવરણને વધારે નુકસાન થઇ રહ્યું છે અને વિવાદો વકરી રહ્યા છે. વાંકાનેર પંથકમાં પર્યાવરણ ઝોન અન્વયે વીસેક ગામો ઇકો સેન્સેટીવ જાહેર થયા છે, જે અન્વયે વર્ષોથી ગૌચરમાં ઉપયોગમાં લેવાતી જમીનો પડાવી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ગામોની ૩પ૦૦૦ જેટલી ગૌમાતાઓ ચરિયાણનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. આ ગાયો કતલખાને જાય તેવી સંભાવના વ્યકત થઇ રહી છે.
   આ પંથકના માલધારી આગેવાનો લાખાભાઇ સરૈયા સહિતના આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મોરબીના વાંકાનેર પંથકના એમા, ખીજડિયા, ઘીયાવડ, જાલસિકા, કોઠી, જોધપર, લીબાડા, રાજાવડલા, વાંકાનેર વીડી, ભોજપરા, વગેરે વીસેક ગામોનો ઇકો સેન્સેટીવમાં સમાવેશ કર્યો છે. આ સામે તીવ્ર આક્રોશ ઉઠયો છે.
   હિરાસર બાઉન્ડ્રી પાસે ફોરેસ્ટ જમીન એરપોર્ટમાં કપાઇ છે હવે ગૌચરની માપણી કરીને છીનવવા પ્રયાસ થાય છે. માલધારીઓ કહે છે કે, ર૦ ગામોની ૩પ૦૦૦ જેટલી ગાયો અહીં ચરે છે, જેની સામે સરકાર કડકાઇ કરે છે. આ જમીન છીનવાઇ જશે તો ર૦ ગામોના માલધારીઓની આજીવિકાનો પ્રશ્ન સર્જાશે અને ૩પ૦૦૦ ગાયો ભૂખે ભાંભરડા નાખીને અંતે કતલખાને જશે. આ અંગે માલધારીઓ મોરબી કલેકટરને આવેદન આપવા ગયા હતા, પણ તેઓ મળ્યા ન હતા.
   ગૌચરની જે જગ્યા કપાતમાં જાય છે તે જમીનમાં હિન્દુ-મુસ્લિમોના ધાર્મિક સ્થાનો પણ આવેલા છે. આ ધર્મસ્થાનો સાથે વર્ષો પુરાનો નાતો છે.
   આ ગૌચરને છોડવા માલધારીઓ કોઇકાળે તૈયાર નથી. અન્યત્ર ગૌચર ફાળવાય તે પણ મંજૂર નથી. વાંકાનેર પંથકના ર૦ ગામોમાં પ્રચંડ લડતની તૈયારી થવા લાગી છે.

No comments:

Post a Comment