May 06, 2017

શોષણની વ્યવસ્થા અમરતા પ્રાપ્ત કરતી જાય છે : વિજય મકવાણા

ગામડાંમાં રહેલી જાતિગત વિષમતાઓ, અપૂરતાં રોજગાર ને કારણે દ્વેષમય વાતાવરણ તજી ઉજ્જવળ ભવિષ્યની કામના લઇને એક અભણ પરિવાર બહાર નિકળે છે. શહેરમાં આવે છે. શહેર તો એનાથીય મોટી શોષણની વ્યવસ્થા છે. શહેરના એક અવાવરું ખૂણે તે ઝૂંપડું બાંધી નિવાસ કરે છે. એક પછી એક ઝૂંપડાંઓ બનતા રહે છે. ઝૂંપડપટ્ટી બનતી જાય છે. જેમ જેમ મોટી થતી જાય છે. નરક બનતી જાય છે. ન સડક છે, ન પાણીના નિકાલની વ્યવસ્થા વરસાદમાં તો ભયંકર હાલત બની જાય છે. ચડિયાતું નરક! આવામાં શહેરના પ્રતિભાશાળી, વગદાર નેતા ત્યાં પહોંચી જાય છે. તેઓ સમજાવે છે કે, તમે લોકોએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે. મોટી મોટી માંગણીઓ કરશો, દેકારો કરશો તો સરકાર ઝૂંપડપટ્ટી તોડી નાખશે. હાલ ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ અહીંનું કરાવી લો! એજન્ટો ની લાઇન લાગશે. હજાર થી પાંચહજાર પડાવી રેશનકાર્ડ ચૂંટણીકાર્ડનો ધંધો ચલાવાશે! ફરી કોઇ આવશે વીજળીના થાંભલાના માટે બસ્સો-બસ્સો ઉઘરાવી જશે! તો કોઇ મહાપુરુષ આવી સરકારી જાજરું ના પૈસા તડફડાવી જશે. ક્યારેક ચૂંટણીના પડઘમ વાગે તો પેલાં વગદાર નેતાં 'ઘરના ઘર'' ની રુપાળી સ્કીમ-યોજના બતાવી..ટોળેટોળાં છકડાં-ટ્રેક્ટર ભરી તેમને જુદી જુદી સભાઓમાં લઇ જશે. તેઓ ના નથી પાડી શકતાં કેમ કે, એ લોકો વિવશ છે. એક દસ*દસ ની ઝૂંપડી બચાવવા ગરીબ કેટલીય સભાઓ ભરી દે છે. અને એક દિવસ ગંદી ઝૂંપડીમાં ગરીબી ખાંસતી ખાંસતી દમ તોડે છે અને પેલી બાજું શોષણની વ્યવસ્થા અમરતા પ્રાપ્ત કરતી જાય છે.

-વિજય મકવાણા


















Facebook Post :-

No comments:

Post a Comment