May 02, 2017

અનામતની સમયમર્યાદા અંગે અનભિજ્ઞતા અને હકીકત : મયુર વાઢેર


ગતવર્ષે ગુજરાત રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાએ એક ચુકાદામાં દેશના વિકાસને અવરોધતા પરીબળ તરીકે ભ્રષ્ટાચાર અને અનામતને જવાબદાર ગણ્યા હતા. તેમજ કોઈપણ નાગરીકની અનામતની માગણીને શરમજનક લેખાવી હતી. વધુમાં તેમણે અનામત શરુઆતમાં દશ વર્ષ માટે જ રાખી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દે વિવાદ થતાં સંસદમા ન્યાયમૂર્તિ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહીના મંડાણ થયા અને તેમણે ચુકાદા પરથી આ વિવાદગ્રસ્ત નિવેદન દૂર કર્યુ હતુ. તે પછી લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ગુજરાત મુલાકાત વખતે અનામતની સમયમર્યાદા અંગે અનભિજ્ઞતા છતી કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તો સમૂળી યે અનામત પ્રથાના રીવ્યુની વાત કરી. તે પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ આર્થિક આધાર પર અનામત આપવાની વિવાદીત રજૂઆત કરી અનામતની દશ વર્ષની સમયમર્યાદા અંગેનો મુદ્દો ઉછાળ્યો હતો. સમયમર્યાદા અંગે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના ધોરણ દશના પાઠ્યપુસ્તકમાં પણ અનામત શરુઆતના દશ વર્ષ સુધી હોવાનો ઉલ્લેખ થયો છે. આ પ્રકારે અનામત પ્રથાના વિરોધમા અનેક તાર્કીક અતાર્કીક વિવાદો ઉભા થાય છે. તે પૈકી અનામતની સમયમર્યાદા અંગેનો વિવાદ સત્યની વધામણીથી ઘણો જ દૂર છે. સામાન્ય લોકો અનામતના વિરોધ ખાતર અનામત સંદર્ભે ગેરમાન્યતા ઉભી કરતા રહે છે. પરંતુ વડી અદાલતના ન્યાયમૂર્તિ કે લોકસભાના અધ્યક્ષ કક્ષાના પદાધિકારીના પૂર્વગ્રહોની જડતા તેમના અભ્યાસ અને અનુભવને ઓળંગી જાય ત્યારે વિર્મશ થવો સહજ છે.
હિન્દુ ધર્મમા પ્રવર્તમાન વર્ણવ્યવસ્થાએ કથિત નિમ્ન જાતિના પછાત વર્ગોને ગુલામ રાખીને વિકાસની તક સવર્ણ સમાજને જ આપી હતી. વિદ્યા, સંપતિ, પદ-પ્રતિષ્ઠા પર પેઢી દર પેઢી સવર્ણ વર્ગનો એકાધિકાર રહ્યો હોવાથી વિકાસની તક સવર્ણ સમાજને જ પ્રાપ્ત થઈ હતી. જ્યારે બહુજન-પછાત વર્ગોને તેમના મૂળભૂત માનવિય અધિકારોથી દૂર રાખવામા આવ્યા હતાં. તેથી દેશની કુલ વસ્તીના બહુમત પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતા પછાત વર્ગોનું આયખું અભાવ અને ગુલામીમાં જ સબડતું રહ્યું. બહુજન પછાત વર્ગને હિન્દુ સમાજની વર્ણવ્યવસ્થા અને તેમાંથી ઉદ્ભાવિત જાતિવ્યવસ્થાએ રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં ભાગ લેવાથી અલિપ્ત રાખી દીધો હતો. હજારો વર્ષોથી વ્યાપ્ત હિન્દુ સમાજની ચાતુર્વણની પ્રથાના દુષ્પરીણામોને સરભર કરવા માટે બંધારણે પછાત વર્ગોને અનામત વ્યવસ્થા હેઠળ લાવી મુખ્યધારામાં લાવવા માટે અવસર પ્રદાન કર્યો છે. માટે દેશના આર્થિક-સામાજિક પતન માટે હિન્દુ સમાજની વર્ણવ્યવસ્થાને કારણભૂત ગણવી જોઈએ, અનામતને નહીં. જ્યારે જસ્ટીશ મહોદયનુ નિવેદન હજારો વર્ષોની આર્થિક-સામાજિક ખૂવારીને અવગણીને દેશની દુર્દશાનો દોષનો ટોપલો અનામત પ્રથા પર જ ઢોળી દેવાના આગ્રહી બન્યા.
સ્વતંત્રતા બાદ લાગુ થયેલાં બંધારણમાં અનામત વ્યવસ્થાને સ્થાન આપવામાં આવ્યું ન હોત તો દેશની કુલ વસ્તીનાં 77 ટકા જેટલા બહુમત પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ તક વંચિત રહી ગયુ હોત. આટલા વિશાળ વર્ગને પ્રતિનિધિત્વ પ્રદત વિકાસના ઓછાયા હેઠળ લાવી શકાયો ન હોત. તેમજ સદીઓથી પદ, પ્રતિષ્ઠા અને સંપતિમાં એકાધિકાર ભોગવતા સવર્ણ સમાજનું વર્ચસ્વ વધુ સબળ બન્યું હોત. આમ થયું હોત તો લોકતાંત્રિક ભારતમા બહુજનોના પ્રતિનિધિત્વનું ચિત્ર કેટલુ બિહામણું હોત? સંવિધાન બહુજન પછાત વર્ગોના પ્રતિનિધિત્વની બાંહેધરી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યું હોત તો આપણી લોકશાહી એકવીસમી સદીને બીજે દાયકે છેલ્લા શ્વાસ લેતી હોત. માટે અનામત એ દેશનાં વિકાસ માટે અવરોધક નહીં પણ દેશનાં વિકાસનો આધાર બની છે. અનામત જેવી સંવિધાનિક વ્યવસ્થાને તર્ક કે તથ્યનાં આધાર વિના ભ્રષ્ટાચાર સાથે જોડી દેવાથી દેશનું વ્યાપક હિત જોખમાય છે. આજે સરકારી કારોબારી અને રાજકીય ક્ષેત્રમાં પછાત વર્ગોનું જે થોડું-ઘણું પ્રતિનિધિત્વ વર્તાય છે તે અનામત વ્યવસ્થાને જ આભારી છે. માટે દેશની દૂર્દશાનો દોષનો ટોપલો અનામત વ્યવસ્થા પર ઢોળી મૂળ મુદ્દાઓથી પલાયન થવું દેશની સામાજીક ન્યાયની સંકલ્પના માટે ઘાતક છે.
હિટલરનાં સાથી ગોબેલ્સે કહ્યુ હતું કે, “એક જૂઠને સાચુ ગણાવીને હજાર વાર કહેવામાં આવે તો તે સત્ય બની જાય છે.” ગોબેલ્સનું આ વિધાન અનામત અંગે ફેલાયેલા જૂઠાણા સંદર્ભે સાચું પુરવાર થાય છે. બંધારણીય અનામતનાં ઈતિહાસમાં અનામતની આવશ્યકતાનાં પક્ષને અંધારામા જ રાખવામાં આવ્યો. પરીણામે અનામત અંગે ગેરમાન્યતાઓનો ઢગલો ખડકાતો રહ્યો. તે ગેરમાન્યતા પૈકીની એક છે; “બંધારણમાં અનામતની વ્યવસ્થા દશ વર્ષ માટે જ કરવામાં આવી હતી.” અનામત વિરોધીઓ આ દલિલ કરે છે ત્યારે તેઓ કઈ અનામતની દશ વર્ષની સમયમર્યાદાની વાત કરે છે તેની સ્પષ્ટતા કરતા નથી.
ભારતીય બંધારણે આમુખમાં આર્થિક, સામાજીક અને રાજકીય ન્યાયનો આદર્શ વ્યક્ત કર્યો હતો. તે આદર્શોને મૂર્તિમંત કરવા માટે સંવિધાને પછાત વર્ગોને અનુચ્છેદ 15(4) અને 16(4) અન્વયે શિક્ષણ અને નોકરીમા અનામત આપી, આર્થિક અને સામાજીક ન્યાય પ્રાપ્ય બનાવવાનો ઉદ્દેશ્ય વ્યક્ત થયો છે. જ્યારે અનુચ્છેદ 330 અને 332 અન્વયે રાજકીય અનામતની જોગવાઈ હેઠળ પ્રતિનિધિત્વના રૂપમાં રાજકીય ન્યાય સુલભ કરવાનો હેતુ વ્યક્ત થયો છે. બંધારણે સદીઓથી માનવીય અધિકાર વિહિન રહેલા સમૂદાયોને શિક્ષણ, નોકરી અને રાજકીય એમ ત્રિ-સ્તરીય અનામત આપી છે. તે પૈકી શિક્ષણ અને નોકરીમાં આપેલી અનામત અંગે કોઈ જ સમય મર્યાદા લાંઘી નથી. તેમજ અનુચ્છેદ 334 અંતર્ગત વિધાનમંડળની બેઠકોને 10 વર્ષ પછી રીવ્યુ માટેની જોગવાઈ છે. એટલે કે ભારતીય સંસદ આવશ્યકતા અનુસાર સંવિધાન સંશોધન કરી સમયમર્યાદા લંબાવી શકે છે. જ્યારે ગુજરાત રાજ્યના ધોરણ દશના પાઠ્યપુસ્તકમા તો અનુચ્છેદ 15(4) અને 16(4)ની શિક્ષણ અને નોકરીમા અનામતની વ્યવસ્થાને પણ રાજકીય અનામતની જેમ ગણી તેની સમયમર્યાદા અંગે ગેરમાન્યતા ઉભી કરી છે.
દસ વર્ષની અવધી રાખવા પાછળની પૂર્વ ધારણા એવી હતી કે સ્વતંત્ર ભારતમાં સૌના સહિયારા પ્રયાસોથી દેશમાંથી અસ્પૃશ્યતા અને ઉચ્ચ નીચના ભેદભાવ સદંતર નષ્ટ થઇ જશે. પણ એમ બન્યું નહિ, એટલે ભારતીય સંસદે સૌ પ્રથમ ઈ.સ. 1959માં 8મું સંવિધાન સંશોધન કરી એ મુદત વધું 10 વર્ષ સુધી લંબાવી હતી. ઈ.સ. 1969માં સંવિધાનમાં 23મું સંશોધન કરી તેને વધુ દશ વર્ષ લંબાવી હતી. ઈ.સ. 1980માં 45માં સંસોધન દ્વારા લંબાવી હતી. ત્યાર બાદ 62માં સુધારા દ્વરા ઈ.સ. 1989માં અને 79માં સુધારા દ્વારા ઈ.સ. 1999માં વધુ દશ વર્ષ સુધી સમયમર્યાદા લંબાવી હતી. છેલ્લેજાન્યુઆરી, 2010માં95માં સંવિધાન સંશોધન હેઠળ આ મુદત 2020 સુધી વધારવામાંઆવી હતી. ભારતીય સંવિધાનમાં દશ વર્ષ પશ્ચાત અનામતનો અંત લાવવાનો ભાવ પ્રગટ થયો નથી. માટે અનામત વિરોધીઓએ તે અંગેનાં જૂઠાણાઓનો ‘ગોબેલ્સ પ્રચાર’ બંધ કરવો જોઈએ.
દેશમાં અનામત વ્યવસ્થા લાગુ થયા બાદ જનમાનસમાં અનામત અંગે ભ્રામક બીજ રોપાયા હતાં. આજે તેના પરીપાકરૂપે અનામત વ્યવસ્થા પ્રત્યે સમાજની સુગ ઘટ્ટાદાર વૃક્ષ બની ગઈ છે. બંધારણીય પદ ભોગવતા લોકોએ અનામત અંગે ઉભાં થયેલા ગેરસમજનાં ઉકરડાને દૂર કરવો જોઈએ. પરંતુ પૂર્વગ્રહોથી કટાઈ ગયેલાં હથિયાર વડે અનામત વ્યવસ્થા પર પ્રહાર કરી તે નીતિમાં વ્યક્ત થયેલાં સામાજિક ન્યાયના ઉદ્દેશ્યો પર ડામ દેવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
-મયુર વાઢેર




Facebook Post : -




ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસની અનામત અંગેની ટીકા બાદ તેમની સામે ઇમ્પીચમન્ટ (મહાભિયોગ) લાવવા સાંસંદો તૈયારી કરી હતી,ત્યારે અચાનક આવેલા ટ્વીસ્ટમાં ગુજરાત હાઇકોર્ટમાં અનામત અંગેના નિરિક્ષણને ખુદ જસ્ટીસે પોતે પાછું ખેંચ્યું હતું.





No comments:

Post a Comment