May 02, 2017

રાષ્ટ્રનો પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રના વિકાસનો સહભાગી છે : વિજય મકવાણા

રાષ્ટ્ર પૂર્ણપણે લોકતાંત્રિક છે. રાષ્ટ્ર પર પ્રજાનું શાસન છે. પ્રજા રાષ્ટ્રનું સંચાલન કરે છે. પ્રજા પૂરી શક્તિ સાથે રાષ્ટ્રના ઉત્થાન અને વિકાસ માટે મહેનત કરે છે. સામે રાષ્ટ્રની પણ જવાબદારી બને છે કે, પ્રજાના બુનિયાદી અધિકારોનું રક્ષણ કરે. હવા,પાણી,પ્રકાશ, શિક્ષા અને રોજગાર રાષ્ટ્રની પ્રજાના બુનિયાદી અધિકારો છે. રાષ્ટ્ર તે પૂરા પાડશે તે વચનથી સંવિધાનમાં બંધાયેલું છે.
છેવાડાના અંતિમ, પછાત, શોષિત માણસના પ્રતિનિધિત્વની જોગવાઇઓ, આવાસીય યોજનાઓ, 0 થી 14 વર્ષના બાળકને વિનામુલ્યે શિક્ષણની યોજનાઓ, વિનામુલ્યે આરોગ્યની સુવિધાઓ, ગેરંટીડ રોજગાર યોજનાઓ, તથા ખાદ્યાન્ન-જળ-વિદ્યુત પુરવઠા વિતરણના એકમો, વિગેરે રાષ્ટ્ર લોકો સુધી પહોંચાડી રહ્યું છે તે સખાવત/દાન કે ભીખ નથી.
રાષ્ટ્રના લોકો દિવસ-રાત મહેનત કરે છે. પરસેવો પાડે છે. એક સામાન્ય ગરીબ માણસ અગર સાંજ પડતાં 100 રુપિયા કમાય છે. તે 100 રુપિયા ખિસ્સાંમાં પડ્યાં નથી રહેતાં. વપરાય છે. તે બીડી પીશે, પાન ખાશે, તેલ-મીઠું-મરચું કંઇપણ ખરીદશે તો સરકારશ્રી ના ખાતે વેચાણવેરા/સેવાકર સ્વરુપે જમા થશે. સરકાર વિવિધ કરવેરા સ્વરુપે ઓછામાં ઓછા તેના પરસેવાના 15 રુપિયા ગમેતેમ કરી ઉઘરાવી લેશે. એ 15 રુપિયા સરકાર સંવિધાનમાં અપાયેલ વચનો પૂરા કરવા ખર્ચે છે.
કેટલાંક મુર્ખ લોકો માત્ર ઇન્કમટેક્ષને જ રાષ્ટ્રની આવક માને છે. અને એ સાબિત કરવાની કોશિશ કરે છે કે દેશના અમિર અને માલેતુજાર લોકોના પૈસે ગરીબો તાગડધિન્ના કરે છે. તેઓ એ જાણી લે કે રાષ્ટ્રનો પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રના વિકાસનો સહભાગી છે.
~વિજય મકવાણા




Facebook post: -

No comments:

Post a Comment