દેશ ની પ્રગતિ એટલે દેશનો વિકાસ. દેશ કઈ દિશામાં કેટલી ઝડપે આગળ વધી સિદ્ધિઓ મેળવે તે માટે જે-તે દેશની પ્રગતિના માપદંડો આપણને માહિતગાર કરે છે.સામાન્ય રીતે દેશની પ્રગતિના માપદંડને દેશના અર્થતંત્રની ગતિ સાથે સાંકળવામાં આવે છે. જે દેશની આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદન જેટલું વધુ તેટલો તે દેશનો વિકાસ વધુ. આ સામાન્ય સમજ આધુનિક સમયમાં ક્ષય થતી જાય છે. હવે, નાગરિક સુખાકારી-જીવનધોરણનું સ્તર-આર્થિક સ્વનિર્ભરતા જેવા નવીન ખ્યાલો ના વિકાસ સાથે પ્રગતિના માપદંડો પણ બદલાય રહ્યા છે. આર્થિક ચિત્રો બતાવતા રોકાણ,ઉત્પાદન,નિકાસ વગેરેના આંકડાઓ પરંપરાગત બની રહ્યા છે ; જયારે સંતુલિત-સમાન-સમાવિષ્ટ વિકાસ માટે આવશ્યક એવા માનવજીવન સાથે પ્રત્યક્ષ સંબધ ધરાવતા પાસાઓ સુધારાવાદી-આધુનિક માપદંડ બની રહ્યા છે.
કોઈ પણ દેશ ની પ્રગતિ દર્શવાતા જરૂરી કેટલાક મહત્વના માપદંડો વિષે જાણીયે.
❝...
GDP (કુલ ઘરેલુ ઉત્પાદન) :-
GDP અર્થતંત્રનું પ્રખ્યાત માપદંડ છે.સરળ શબ્દોમાં GDP એ કોઈ દેશમાં ચોક્કસ સમયગાળા દરમ્યાન ઉત્પાદિત થયેલ માલ-સમાન તેમજ સેવાઓનું નાણાકીય મૂલ્ય છે.એટલે કે કોઈ એક દેશમાં કોઈ ચોક્કસ વર્ષે નાગરિકો દ્વારા કેટલું આર્થિક ઉત્પાદનકાર્ય થયું તેનો આંકડો આપે છે. GDP માપવાની અનેક પદ્ધતિઓ છે; આંકડાકીય સમીકરણો વડે ઊંડાણમાં વિશ્લેષણ થઇ શકે છે. જો કે આ માપદંડ આજના સમયે ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યું છે. છતાં પણ અર્થશાસ્ત્રીઓમાં GDP ની લોકપ્રિયતા અકબંધ રહી છે.
ભારતમાં GDP ના આંકડાઓ આવા કૈક છે: વર્ષ ૨૦૦૦માં દેશનું GDP લગભગ ૨૦ લાખ કરોડ હતું; ૨૦૧૦ માં આશરે ૭૨ લાખ કરોડ ; ૨૦૧૩માં ૧૦૩ લાખ કરોડ જેટલું હતું. તાજેતરના વર્ષ ૨૦૧૬-૧૭માં દેશનું GDP ૧૨૧ લાખ કરોડ જેટલું નોંધાયું હતું. દેશનો GDP છેલ્લા ૧૫ વર્ષોમાં સરેરાશ ૫ થી ૧૦% ના દરે આગળ વધી રહેલ છે. GDP ની દ્રષ્ટિએ ભારતનું અર્થતંત્રનું વિશ્વમાં ૬ ક્રમાંકે છે. પ્રથમ ક્રમાંકે અમેરિકા છે.
માથાદીઠ આવક:-
માથાદીઠ આવક એ વ્યક્તિગત ખ્યાલ છે; જયારે GDP સંગઠિત ખ્યાલ છે. જે-તે દેશના GDP ને દેશની માનવવસ્તી વડે ભાગતા માથાદીઠ આવકનો આંકડો મળે છે. ટૂંકમાં; માથાદીઠ આવક= કુલ ઘરેલુ ઉત્પાદન ÷ વસ્તી. તે દેશના ઉત્પાદન-આવકમાં પ્રતિ વ્યક્તિનો હિસ્સો દર્શાવે છે.
ભારતના માથાદીઠ આવકના આંકડા આવા કૈક છે: વર્ષ ૨૦૦૧=૨૩૦૦૦ રૂપિયા પ્રતિવર્ષ. વર્ષ ૨૦૧૦=૩૯૦૦૦ પ્રતિવર્ષ. વર્ષ ૨૦૧૨=૬૮૪૦૦ પ્રતિવર્ષ. ૨૦૧૭=૧૧૧૦૦૦ પ્રતિવર્ષ. એટલે કે તાજેતરમાં દેશના સરેરાશ નાગરિકની આવક મહિનાની ૯૨૫૦ જેટલી કહી શકાય. માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ વિશ્વમાં ૧૪૦ ની આસપાસ છે. અહીં કતાર નો પ્રથમ ક્રમાંક છે.
HDI (માનવવિકાસ આંક):-
આ માપદંડ સોસીયો-ઇકોનોમિક સ્થિતિ દર્શાવે છે. જે-તે દેશના નાગરિક જીવધોરણનું સ્તર તેમજ આર્થિક સદ્ધરતાની પરિસ્થિતિ જાણવા ઉપયોગી છે. અહીં, શિક્ષણ,આરોગ્ય અને માથાદીઠ આવક જેવા પાસાઓનો સમાવેશ થાય છે; જે એકંદરે જે-તે દેશના નાગરિકોનું જીવનધોરણ પ્રતિબિંબિત કરે છે. સમાજશાસ્ત્રીઓ,માનવવાદીઓ,શિક્ષણવિદો જેવા વર્ગો GDP કરતા HDI ને વધુ મહત્વ આપે છે. છતાં પણ HDI નો ખ્યાલ આજના સમયે ટીકાઓનો ભોગ બની રહ્યું છે; જેમ કે અહીં લૈંગિક અસમાનતા,સામાજિક અસમાનતા વગેરે જેવા મહત્વના પાસાઓ અવગણાતા હોય આ માપદંડ તલસ્પર્શી ચિત્ર રજૂ કરવા પર્યાપ્ત નથી.
ભારતની સ્થિતિ: વર્ષ ૨૦૦૦=૦.૪૯; ૨૦૧૦=૦.૫૮; ૨૦૧૫=૦.૬૨
(આ માપદંડ ૦ થી ૧ ની વચ્ચે રહે છે; ૦ એ સૌથી ખરાબ આંક દર્શાવે છે ; જયારે ૧ એ સૌથી સારો આંક દર્શાવે છે.) ભારત અહીં ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે. છતાં તેનો ક્રમાંક ૧૯૩ દેશો પૈકી ૧૩૫ જેટલો પાછળ છે. ભારતની સરખામણીએ કેનેડા,સાઉદી આરબ,મલેશિયા,શ્રીલંકા,ઇરાક અને ઇન્ડોનેશિયા જેવા દેશો આગળ છે. નોર્વે દેશ અહીં પ્રથમ ક્રમાંકે છે.
IDI ( સમાવિષ્ટ વિકાસ આંક):-
સમાવિષ્ટ વિકાસ આંક એ તાજેતરમાં રજુ થયેલ નવીન ખ્યાલ છે; જે GDP અને HDI ની મર્યાદાઓ દૂર કરી માનવજીવનની વધુ સ્પષ્ટ સ્થિતિ દર્શાવે છે. અહીં ૧૫ જેટલા વિવિધ ક્ષેત્રોને સાંકળી દેશની આર્થિક,સામાજિક અને રાજકીય પરિસ્થતિ ને નિચોડી તારણ કાઢવામાં આવે છે. તે નાગરિક ઉત્કર્ષને સ્પર્શતી અતિમહત્વની બાબતો ઉપર જોર આપે છે. IDI આંકડાઓ,જાહેરાતો કે પ્રયત્નો ને નહીં; પણ ગુણવત્તા,અમલીકરણ અને પરિણામ તફર આંગળી ચીંધે છે. અહીં GDP, રોજગારી,તંદુરસ્ત આરોગ્ય,ગરીબી,શ્રમ-ક્ષમતા , આવક-સંપત્તિની સમાનતા,બચત, દેવું, માથાદીઠ આવક જેવા પરિબળો વડે દેશની સ્થિતનો ચિતાર મેળવાય છે. આ આંક સંતુલિત,સમ્પોષિત તેમજ સમાવિષ્ટ માપદંડ છે;જેને લઈને ભવિષ્યમાં ઘણી આશાઓ રહેલ છે.
ભારતનો ક્રમાંક ૭૮ દેશો પૈકી ૬૦ હોય; ભારત ઘણું પાછળ જણાય છે. પ્રથમ ક્રમે નોર્વે છે.
SPI ( સામાજિક પ્રગતિ આંક) :-
સામાજિક પ્રગતિ આંક અતિઆધુનિક ખ્યાલ છે. IDI ની સમાન અહીં પણ માનવજીવનના અગત્યના પાસાઓ ઉપર ધ્યાન અપાયેલ છે. નાગરિકોની પાયાની જરૂરિયાતો, જીવધોરણ સુધારવાની ક્ષમતા, તકો-સંભાવના નો મહત્તમ ઉપયોગ કરવાની મોકળાશ જેવા ઉચ્ચ પરિબળોનો સમાવેશ કરી આંક મેળવાય છે. ટૂંકમાં, સામાજિક, પર્યાવરણીય, આર્થિક તેમજ માનવકલ્યાણ ની દ્રષ્ટિએ કોણ ક્યાં છે તે સ્થિતિ દર્શાવે છે.
SPI માં ભારતનો ક્રમાંક ૧૨૮ દેશો પૈકી ૯૩ માં ક્રમાંક છે. ડેનમાર્ક પ્રથમ ક્રમાંકે છે. (નોર્વે ત્રીજા સ્થાને છે.)
...❞
દેશના રાજકીય પક્ષો FDI ,GDP , આયાત-નિકાસ જેવી પરંપરાગત બાબતો ઉપર રાજકારણ રમી પ્રજાને ગુમરાહ કરે છે. આજ કાલતો ભારત વિશ્વનું પ્રથમ ક્રમાંક નું અર્થતંત્ર બની સુપરપાવર બનશે તેવો પ્રચાર જોરશોરથી ચાલુ છે. છતાં પણ શું હકિકતી આયના સામે ઉભા રહી નજર મિલાવવાની હિંમત છે? વ્યક્તિગત સુખાકારી અને જીવનધોરણનું સ્તર દેખતા શું આપણે "વિશ્વગુરુ" ના હકદાર છીએ? રાજકારણ પ્રેરિત રાષ્ટ્રવાદ આપણને આખરે "મિથ્યાભિમાની" બનાવી; સાચી દિશામાં ચાલવા કરતા વ્યર્થ ખોટા માર્ગો તરફ દોરી જાય છે.
એવું નથી કે દેશ રાતોરાત જીવનધોરણના માપદંડોમાં અવ્વ્લ આવી જશે. પરંતુ આપણી પ્રાથમિકતા શું હોવી જોઈએ તેટલી સમજ કેળવવી આપણી ફરજ તો છે જ .
તમારા મતાનુસાર આ પાંચ માપદંડો પૈકો કોણ દેશની વાસ્તવિક આદર્શ સ્થિતિઆંક દર્શાવે છે ?