By Raju Solanki || 16 February 2018
ગઈકાલે પાટણ જિલ્લાની કલેક્ટર કચેરી સામે એક દલિતે આત્મવિલોપન કર્યું. આ લખું છું ત્યારે તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. એમના સ્વજનો માટે આ ભયાનક, કારમી ઘડી છે. આપણે ત્રાહિત લોકો ગમે તેટલી વાતો કરીએ, આપણી સંવેદના પ્રસંગ પૂરતી, ક્ષણિક અને ક્યારેક તો દેખાદેખીથી જન્મેલી હશે. પીડિતના પરિવારના માથે તો ખરેખર આભ જ તૂટી પડ્યું છે.
પાટણની આ હ્રદયવિદારક ઘટના જોઇને મને બે વર્ષ પહેલાંના આત્મવિલોપનો સાંભરી આવ્યા. કેવા ભયાનક સંજોગોનું નિર્માણ થયેલું. ત્યારે 2016માં ગાંધીનગરમાં ગુજરાતના 11 ગામોના દલિતોએ ન્યાય માટે ‘પ્રતિરોધ’ના બેનર નીચે સત્યાગ્રહ છાવણી પર બે મહિના ધરણા ઉપવાસ કરેલા. મીડીયાના મીંઢા મૌન વચ્ચે ખાસી કપરી લડતના અંતે દલિતોની કેટલીક માંગણીઓ ફળીભૂત પણ થયેલી. બધા પોતપોતાના ગામ પાછા ફરેલા. પરંતુ, આંદોલન સમેટાયા પછી આંકોલાળીના પિયુષ સરવૈયાએ ગીર-સોમનાથ કલેક્ટરને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતો પત્ર પાઠવેલો. 2012માં ભાઈની હત્યા પછી સરવૈયા પરિવારે પહેરેલા લૂગડે આંકોલાળી છોડેલું ને પ્રતિરોધની લડતના અંતે તેમને દિવથી પાંચેક કિમી. દૂર દેલવાડા ગામે 14 વીઘા જમીન તો મળી, પણ ગામ અને વહીવટમાં બેઠેલા દલિત-વિરોધી તત્વોને તેઓ આંખમાં કણાની જેમ ખૂંચ્યા. જમીનના બદલામાં સરકારે જમીન આપેલી. કોઈ ઉપકાર નહોતો કર્યો, તોય સરવૈયાને ગામમાંથી ભગાડવાના કારસા રચાતા હતા. છેવટે, કંટાળીને પિયુષે આત્મવિલોપનની ચેતવણી આપેલી.
પત્ર પાઠવીને પિયુષભાઈ ઉનાથી ગાયબ થઈ ગયા. રાત્રે 10 કલાકે પોલિસ સ્ટેશનથી બે પોલિસવાળા મારા ઘરે આવ્યા. પૂછ્યું કે પિયુષ ક્યાં છે? મેં કહ્યું, “આવા કોઈ આત્મવિલોપનની ચેતવણીની મને ખબર નથી. આવા કોઈપણ પગલાંને મારું સમર્થન હોય જ નહીં.” મારા જવાબથી એમને સંતોષ થયો કે નહીં એની તો ખબર ના પડી, પરંતુ એમણે એક કાગળ પર લખાણ કર્યું, મારી સહી લીધી અને વિદાય થયા. અમે પથારીમાં પડીને સૂવાની તૈયારી કરી ત્યાં 11.00 કલાકે ઉના પોલિસ સ્ટેશનના પીએસઆઈ (કે પીઆઈ?) વાઘેલાભાઈનો મારા પર ફોન આવ્યો. અત્યંત નમ્રતાપૂર્વક તેઓ કહે છે, “સાહેબ, પિયુષભાઈ આત્મવિલોપનની ચીમકી આપીને ક્યાંક જતા રહ્યા છે. પોલિસ સ્ટેશનમાં અત્યારે મારી સામે પિયુષભાઈના પિતા કાળાભાઈ બેઠા છે. તેઓ રડી રહ્યા છે અને પિયુષભાઈની બહુ ચિંતા કરે છે.” મેં કહ્યું, “પિયુષભાઈ મને મળ્યા નથી. મળશે તો આવું કોઈ આત્યંતિક પગલું હું તેમને ભરવા નહીં દઉં. અમારા આંદોલનમાં આત્મહત્યા જેવા અંતિમવાદી પગલાંઓને કોઈ સ્થાન નથી.” એમનો ફોન પૂરો થયો. અમે સૂવાની તૈયારી કરી, એવામાં રાત્રે 12.00 કલાકે ફરી બારણું ખખડ્યું. ખોલીને જોયું તો બે પોલિસ કોન્સ્ટેબલો હતા. અસ્તવ્યસ્ત વાળ, આંખો ઉજાગરાથી લાલ, ચોળાયેલા કપડાં, બેઉના ખભે બેગપેક. રાત માથે લઇને નીકળ્યા હોય તેવું લાગતું હતું. મેં એમને પ્રેમથી આવકાર આપ્યો. ઘરમાં બેસાડ્યા અને કહ્યું, “હમણાં જ તમારા સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. મેં એમને કહ્યું છે કે પિયુષભાઈ મને મળશે તો હું તેમને આવું કોઈ પગલું ભરવા નહીં જ દઉં.” બીજા દિવસે પિયુષ સરવૈયા સદભાગ્યે નવા સચિવાલયના ગેટ આગળ જ ઝડપાઈ ગયેલા. પોલિસ એમને પકડીને પ્રેમથી ઉના લઈ ગયેલી. સરવૈયા પરિવાર આજે પણ જાતિવાદી દેશના નીંભર વહીવટીતંત્ર અને દલિત-દ્વેષી ગ્રામજનો વચ્ચે જિંદગીનો સંઘર્ષ કરી રહ્યું છે. પણ ઝેરના પારખાં ક્યારેય નહીં કરવા એવો મારો સ્પષ્ટ સંદેશ છે.
પિયુષ સરવૈયાની ઘટનાના થોડાક જ દિવસો પછી ઉના તાલુકાના મોઠા ગામના એડવોકેટ સંજય સોંદરવાએ પણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારેલી. પોલિસ ફરી મારા ઘરે તપાસ કરવા આવેલી. એ વખતે તો પોલિસે હદ કરી નાંખી. મારા ફ્લેટના ચારેય માળ ફરીને બધાને પૂછ્યું, “રાજુ સોલંકી કોણ છે?” બધાને ભેગા કર્યા અને મારા ઘરવાળા પાસે મારો ફોટો માંગ્યો. હું ત્યારે ઘરે નહોતો. પડોસીએ મને ફોન કરીને કહ્યું કે તમારા ઘરે પોલિસ આવી છે. હું ઘરે આવ્યો. પોલિસોને ઘરમાં બેસાડ્યા. બેસતાની સાથે તેમણે પૂછ્યું, “સંજય સોંદરવા તમારા ઘરે છે?” મેં કહ્યું, “ના. મને ખબર નથી એ ક્યાં છે. એમણે આત્મવિલોપનની ચીમકી આપી છે એની મને ખબર છે.” તેઓ વીલા મોઢે પાછા ગયા. સૌરાષ્ટ્રના છેક તળના ગામમાં કોઈ ચીમકી ઉચ્ચારે તો ત્રણસો કિમી. દૂર અમદાવાદમાં તપાસ કરવા દોડનારી પોલિસ પણ ગુજરાતની છે અને અહીં પાટણમાં એક સપ્તાહ પહેલાં આત્મવિલોપનની ચીમકી આપવા છતાં તેમને ઘાતકી રીતે મરવા છોડી દેનારા પટેલ કલેક્ટર અને આદિવાસી એસપી પણ ગુજરાતના જ છે.
આ બે ઘટનાઓ પછીના ગાળામાં મોરંગીમાં દલિતોએ મારું સન્માન કરેલું ત્યારે પ્રત્યુત્તરમાં મેં કહેલું, “બાબાસાહેબે જીવનમાં ઘણા દુખ સહ્યા. અપમાનો વેઠ્યા. ગાળો ખાધી. ક્યારેય હિંમત હાર્યા નહીં. ક્યારેય એવું ના કહ્યું કે હું આમરણાંત ઉપવાસ પર બેસીશ. ક્યારેય ફીનાઈલનું ડબલું લઇને મામલતદાર કચેરીએ ગયા નહીં. આપણે મહામાનવના જીવનમાંથી આટલું તો શીખીએ જ. ગમે તેટલી મુસીબતો પડે, કાળુ ડીબાંગ અંધારું હોય, સવાર તો પડવાની જ છે. એવી આશા તો રાખીએ જ. હૈયામાં હામ હશે તો જગ જીતાશે. હિંમત હારીશું તો યુદ્ધ હારી જઇશું.”
આશા રાખીએ કે ભાનુભાઈની ઘટના અંતિમ હોય.
- Raju Solanki
No comments:
Post a Comment