ગણપતિ બહોળા હિન્દૂ વર્ગના મહત્વના દેવ માનવામાં આવે છે. હાથીનું મુખ અને મનુષ્યનું શરીર ધરાવતા શિવપુત્રની કથાઓ ઘણી રસપ્રદ લાગે. વિધ્નહર્તા ,વિનાયક,ગણેશ અને બીજા ૯૭ જેટલા નામો વડે પૂજવામાં આવતા આ દેવ લોકપ્રિય બની રહ્યા છે. જે પાછળ મુખ્ય ભૂમિકા બાળગંગાધર તિલકે ૧૮૯૩માં સાર્વજનિક ગણેશ ઉત્સવનો આરંભ કરી નિભાવી હતી. જે સમય જતા પ્રચાર-પ્રસાર વડે લોકપ્રિય ઉત્સવ બન્યો.
જો કે હાથી શ્રમણ સંસ્કૃતિ અને બુદ્ધિઝમમાં મહત્વનું સ્થાન ધરાવતું પ્રાણી હતું . અનુમોર્યકાળમાં તેનો સગવડીયો ઉપયોગ કરી તેની પ્રતીકાત્મતાને મનઘડત કથાઓ વડે વિકૃત કરી તે સમયના સત્તા-ભૂખ્યા અને ધર્મના ઠેકેદાર બ્રાહ્મણોએ ગણપતિને ઈશ્વરનો દરજ્જો આપી ધાર્મિક કાવાદાવા અજમાવ્યા હશે તેવા તથ્યો મળી શકે છે. ચાહે ઇતિહાસ,ગ્રંથો કે અન્ય સંલગ્ન ક્ષેત્રોની કમાન બ્રાહ્મણવાદીઓના હાથમાં હોય છતાં આ વિષયને તાર્કિક રીતે સમજાવી શકાય તેટલો અવકાશ છે જ.
હવે, ગણપતિ વિષે જે કોયડાઓ છે તેના ઉપર જઈએ. ગણપતિ કોઈ વેદિક દેવ નથી,પણ પૌરાણિક દેવ છે. તથ્યો-પુરાવાઓ સાથે નિષ્ણાતોએ સાબિત કર્યું છે કે બહુધા પુરાણ પોસ્ટ-બુદ્ધિઝમ સમયના છે. એટલે કે ત્રીજી સદી બાદ લખતા ગયા હતા. ગણેશ જન્મની કથા મુખ્યત્વે બ્રહ્મ-વૈવર્ત પુરાણ,શિવ પુરાણ અને લિંગ પુરાણ (આ પુરાણોનો મુખ્ય પુરાણોમાં સમાવેશ થાય છે) તેમજ ગણેશ પુરાણમાં જોવા મળે.આ પુરાણોની કથાઓમાં રહેલ વિસંગતતાઓ,અવાસ્તવીક્તા અને કલ્પનાઓ સાબિત કરે છે કે બ્રાહ્મણોએ ગણપતિની ઉઠાંતરી કરી અથવા મનઘડત કથાઓ વડે તેનું મહત્વ વધારી પોલિટિકલ રમત રમી હશે.
》જે કથા લોકોમાં પ્રચલિત છે તે શિવ-પુરાણની કથા છે. કથા મુજબ પાર્વતી શરીરના મેલમાંથી બાળકનું નિર્માણ કરે છે, જેનું મુખ શિવ કાપી નાખે છે અને હાથીના મુખને બાળકના ગરદને લગાવી પુનઃજીવિત કરવામાં આવે છે. ચાહે કેટલી હાસ્યાસ્પદ,અવાસ્તવિક કે ટીકાત્મક કથા હોય; છતાં શ્રદ્ધાને ક્યાં કોઈ બાધા નડે તે જોતા આ કથા ઉપર હિન્દુઓની આસ્થા અકળ છે.
》બીજી કથા જે વિષે લગભગ કોઈ બ્રાહ્મણવાદી ઉચ્ચારતા નથી તે વૈવર્ત પુરાણની છે. જેમાં પાર્વતી પુત્ર-પ્રાપ્તિ માટે વ્રત રાખે છે ,જેના ફળસ્વરૂપ તેમને બાળક મળે છે.(કુદરતી નહીં,ચમત્કારિક રૂપે) જેની ખુશીમાં શિવ-પાર્વતી ઉત્સવ મનાવે છે અને સમગ્ર દેવોને આમંત્રિત કરે છે. જયારે શનિદેવ બાળકને આશિષ આપવા તેની ઉપર નજર કરે છે ત્યારે બાળકનું માથું રાખ થઇ જાય છે. બાદમાં વિષ્ણુ એક હાથીનું મુખ લગાવી બાળકને પુનઃજીવિત કરે છે.
》ત્રીજી કથા લિંગ પુરાણની છે. તે મુજબ દેવો દાનવોના અવારનવાર આક્રમણથી કંટાળી શિવ આગળ વ્યથા સંભળાવે છે. તેથી દેવોના વિઘ્નહર્તારુપે દેવગણની આગેવાની હેતુ સ્વયં શિવ અવતાર લે છે. શિવના તે અવતારનું નામ ગણેશ છે.
》જયારે ગણેશ પુરાણે તો કોઈ અસંગત મનઘડત કથા રચી નથી. પરંતુ, બુદ્ધિનું પ્રદર્શન જરૂર કર્યું છે. અગાઉના પુરાણોમાં ભલે જુદી-જુદી કથાઓ હોય પણ કથા તો એક જ છે. જયારે ગણેશ પુરાણમાં ગણપતિ જન્મની બે અલગ-અલગ કથા બતાવી છે! બન્ને કથા શિવ પુરાણ અને બ્રહ્મ-વૈવર્તની નકલ જ છે, જેમાં થોડો વધારો જોવા મળે. આવું કેમ બન્યું તેનું કારણ પણ સહજ છે. પુરાણો મુઘલકાળ સુધી રચાતા ગયા હતા. એટલે ગણેશ પુરાણ સાપેક્ષે ઘણો આધુનિક બ્રાહ્મણગ્રંથ હશે, જેને ગણેશનો મહિમા આલેખવામાં અગાઉના પુરાણોની મદદ લીધી હોય ગફલત કહો,મુર્ખામી કહો કે ચબરાકી કહો...જે યોગ્ય લાગ્યું તે કર્યું.
હવે, વધુ ક્રિટિકલ થઇ અવલોકન કરીયે...
★ ઉપરોક્ત વિસંગતતાઓ થી એટલું તો કહી શકાય કે ગ્રંથકારો એ ગણેશને લઈને ગપગોળા જ ચલાવ્યા હોય બ્રાહ્મણગ્રંથો અનુસારના ગણપતિને લઈને પહેલેથી કોઈ આસ્થા કે લોકવાયકાનું અસ્તિત્વ નહીં હોય. જેમ કે શિવ-પુરાણ મુજબ પોતાની સખીના બહેકાવામાં આવી ને પોતાના ગણને પતિ સમકક્ષ સક્ષમ બનાવવા પાર્વતી ગણપતિને બનાવે છે. પણ અહીં ભૂલ એ કરી છે કે પાર્વતીનો કોઈ શિવની સમાન ગણ જ નથી. પાર્વતીના સખીઓ અને મહાશક્તિઓને(યોગમાયા) જો ગણ તરીકે સ્વીકારીએ તો તે તમામ સ્ત્રીઓનો સમૂહ છે. તો પછી પાર્વતી પોતાના ગણમાં એકમાત્ર પુરુષ એવા ગણપતિને કેમ સામીલ કરે?
★ બીજું... પાર્વતીને સ્નાન કરતી વેળાએ પતિ દેખી જાય તે વાત ગમતી નથી. તેથી પોતે સ્નાન કરે ત્યારે કોઈ પ્રવેશ ના કરે તે માટે દ્વારપાળ તરીકે ગણપતિને નીમે છે.પણ અહીં પાર્વતીના લજ્જા વાળી વાત વિચિત્ર જણાય છે. શિવ અને પાર્વતીને તો જાહેરમાં સંભોગ કરવામાં પણ શરમ આવી નથી.(ભૃગુ ઋષિના શ્રાપની કથા) તો પછી પોતાના પતિ સ્નાન કરતી વેળા પ્રેવેશ કરે તેનાથી શાની શરમ?
★ ત્રીજું અને સૌથી વિચિત્ર......જયારે ગણપતિ વિરુદ્ધ શિવગણ તેમજ શિવ સાથે યુદ્ધ થાય છે તે ઘટનાઓની પાર્વતીને જાણ હોય છે. છતાં પણ તેઓ ખુદ દખલગીરી કરતા નથી. ઉલટું ગણપતિના મદદ હેતુ પોતાની અલગ-અલગ યોગમાયાને મોકલે છે. ઘણા લાંબા સમય સુધી યુદ્ધ ચાલે છે અને પોતાના પુત્રનું જીવન સંકટમાં હોવા છતાં પાર્વતી સ્નાનમાં વ્યસ્ત રહે છે!!! એવો તો કેવો રુપમોહ જગતજનનીને હતો કે પોતાના પુત્રને બચાવવા સ્વયં શિવ સમક્ષ જતા નથી? આવા તો કોઈ મા હોય? શું કોઈ માતા પોતાના પુત્રનો જીવ સંકટમાં છે તે જાણતા હોવા છતાં સ્નાન કરતા રહે ખરી? બકવાસની પણ હદ હોય.
★ વળી, ગણેશના એકદંત હોવાની પણ બે અલગ-અલગ કથા પુરાણોમાં છે.જેમાં બ્રહ્માંડ પુરાણની કથા વધુ પ્રચલિત જણાય છે.તે મુજબ પરશુરામ ગણપતિના એક દાંત ઉપર કુહાડી વડે પ્રહાર કરી કાપી નાખે છે ત્યારથી ગણપતિને એકદંત કહેવાય છે. જયારે શિવપુરાણની ગણેશ જન્મની કથા એવું કહે છે કે જે હાથીનું માથું કાપી ગણેશ ઉપર લગાવ્યું તે હાથી જ એક દાંત વાળો હતો. બોલો, શું કહેવું આગળ? સગવડતા મુજબ જે ગપ્પા-સપ્પા ચલાવ્યા ,તે તમામ ચાલી પણ ગયા !
★ એક રીતે વિચારીયે તો શિવપુરાણની કથામાં નામકરણ થોડું તાર્કિક જણાય, કારણ કે કોઈ ચોક્કસ હેતુ માટે બાળક મેળવ્યું હોય ગણેશ નામ ઠીક રહે. પણ વૈવર્ત પુરાણમાં તેવું કશું નથી. બીજી રીતે કહું તો ગણપતિ કે ગણેશ નામ ખરેખર તો કોઈ ગુણ કે પદ દર્શાવે છે; જે કોઈ ઘટના કે સિદ્ધિના માધ્યમે મળવા જોઈએ. જેમ કે શિવે વિષ પીધું એટલે નીલકંઠ કહેવાયા; કૃષ્ણે ચાલુ યુદ્ધે પલાયન કર્યું એટલે રણછોડ કહેવાયા તેમ ગણપતિએ કોઈ ગણની આગેવાની લઈને ગણના હિતોની રક્ષા કરી હોય તો તેમને ગણપતિની ઉપાધિ મળવી રહે. પરંતુ અહીં ઊંધું છે, પહેલા નામકરણ થયું પછી ખરા અર્થમાં વિનાયક બતાવાયા! વળી, કહેવાતા વિધ્નહર્તાના જન્મ બાદ પણ દેવો પોતાની વ્યથા ત્રિદેવને જ કરતા રહ્યા! માત્ર ૪-૫ અસુરરાજાની હત્યા કરી તેને લગતી કેટલીક કથાઓ, વ્રતો-કર્મકાંડો અને મહત્તા વધારવા ખુદ પોતાના માતા-પિતા વડે પણ પુત્ર ગણેશની પૂજા કરાવડાવી.(સામાન્ય રીતે આપણે જાણીયે છીએ કે ગણેશ માતા-પિતાના આજ્ઞાકારી હોય તેમને પૂજનીય માને છે; જયારે ગણેશની મહિમા દર્શાવતા પુરાણોમાં પાર્વતીને પણ ગણેશની આરાધના કરતા બતાવ્યા છે.)
★ એવું કહેવાય છે કે ૨ એપિક ગ્રંથ - રામાયણ અને મહાભારત ગણપતિએ લખ્યા હતા. પણ બન્ને ગ્રંથમાં આ સામ્યતા બાદ કરતા ગણેશની લગતી કોઈ કથા કે ઉલ્લેખ જોવા મળતો નથી. વળી, મહાભારતમાં ગણપતિને એક પદ બતાવ્યું છે, જેને કેવી રીતે મેળવી શકાય તેનું ધાર્મિક વર્ણન પણ છે; જેને શિવપુત્ર સાથે સંબંધ નથી.નોંધનીય છે કે બૌદ્ધકાળ દરમ્યાન પણ ગણપતિ નામક પદ હતું.
★ ઉપરાંત, કાર્તિકેયને શિવના જ્યેષ્ઠ પુત્ર અને ગણેશને કનિષ્ટ પુત્ર કહેવાય છે. છતાં, હિન્દૂ સંસ્કૃતિ અનુસરતો ચોક્કસ વર્ગ ગણપતિને જ્યેષ્ઠ શિવપુત્ર માને છે.આ વાત ભલે વિચિત્ર લાગે પણ તેમની પાસે મુદ્દો પણ છે.એવું કહેવાય છે કે સતી પછી ઉમા શિવના પત્ની હતા. અને બાદમાં પાર્વતી પત્ની બન્યા. કાર્તિકેય એ શિવ-પાર્વતીના પુત્ર છે; જયારે ગણેશ ઉમાપુત્ર છે.એટલે પહેલા ગણપતિ જનમ્યા અને બાદમાં કાર્તિકેય તે દલીલ સાવ અવગણી પણ ના શકાય.કદાચ આ પણ ગ્રન્થકારોની ભૂલ હશે અથવા બીજી એક પહેલી.
પૌરાણિક ગ્રન્થોમાં રહેલી ખામીઓ અને વિષમતાઓ એટલું પુરવાર કરવા પૂરતા છે કે નક્કી ગણપતિને વિકૃત રીતે મહાન સાબિત કરી પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે. એટલે તે પૂર્વે કઈ ગરબડ તો કરી જ હશે.
હવે આ પાછળનો ઈરાદો શું હશે તેનો ચોક્કસ જવાબ તો ના મળી શકે; કારણ કે ઇતિહાસ/મિથીહાસ ઘણો વિકૃત કરવામાં આવ્યો છે.છતાં પણ લોજીકલી શોધખોળ કરી શકાય.
જ્યાં સુધી હિન્દૂ ધર્મ(બેટર ટુ સે બ્રાહ્મણ ધર્મ) માં ગણપતિ ઉમેરવામાં આવ્યા નહતા ત્યાં સુધી તેમાં હાથીનું મહત્વ નહિવત હતું. પરંતુ, પુરાણો પહેલા શ્રમણ સંસ્કૃતિ(જૈનીસ્મ) અને બુદ્ધિઝમમાં હાથીનું પ્રતીકાત્મક મહત્વ સ્પષ્ટ પણે દેખી શકાય છે.
✔ મહાવીરના માતા ત્રિશલાને ગર્ભાવસ્થા દરમ્યાન આવેલ પ્રથમ સ્વપ્ન હાથીનું હતું. તે જ રીતે ગૌતમ બુદ્ધના માતાને ગર્ભાવસ્થામાં જે સ્વપ્ન આવ્યું હતું તે હાથીનું હતું. બન્ને સ્વપનમાં હાથીને શુભ પ્રતીક દર્શાવાયો હતો.
✔ પ્રાચીન જૈન અને બૌદ્ધ સ્થાપત્યોના અવશેષોમાં હાથીની આકૃતિ નોંધનીય છે. જેટલું હાથીને મહત્વ પ્રાચીન સ્થાપત્યોમાં જૈન-બૌધ્ધો એ આપ્યું છે તેટલું હિન્દૂ ધર્મમાં જોવા મળ્યું નથી. વળી, નોંધનીય એ પણ છે કે બુદ્ધિઝમના પૂર્વીય એશિયા તરફના ફેલાવા સાથે તે દેશોમાં પણ બૌદ્ધ સ્થાપત્યોમાં હાથીના શિલ્પ જોવા મળે છે.રામ પછી ગણપતિ જ એક માત્ર "હિન્દૂ"(?) દેવ છે જેની પૂજા પૂર્વીય બુદ્ધિઝમમાં થાય છે.એટલું જ નહિ ,જો વધુ ઊંડાણમાં વિચારીયે તો આ ઉઠાંતરી શ્રમણ-બૌદ્ધ સંસ્કૃતિમાંથી કરી હશે તેનો વજનદાર પુરાવો સમ્રાટ અશોકે બનાવેલ સાંચીનો બૌદ્ધ સ્તૂપ જ આપે છે. સાંચીના સ્તુપના પ્રવેશદ્વારમાં જે આકૃતિઓ છે તેમાં મોટો ભાગ હાથીની આકૃતિઓ રોકે છે. ધ્યાન આપવા જેવું એ છે કે ગણેશ જન્મની પુરાણીક કથામાં ગણેશનું પાત્ર દ્વારપાળનું હતું.ઓરિસ્સા(ધૌલીગીરી) અને મહાબલિપુરમમાં મળી આવેલ પ્રાચીન બૌદ્ધ સ્થાપત્યો પણ હાથીની વજનદાર આકૃતિઓ જોવા મળે. તેવું જ જૈન સ્થાપત્યોમાં પણ છે.હાલમાં પણ દેરાસરોના બાંધકામમાં હાથીની આકૃતિ ના હોય તેવું બને જ નહીં.એવું નથી કે હિન્દૂ પુરાતત્વોએ હાથીના મુખાકૃતિની હળાહળ અવગણના કરેલ છે, પરંતુ તે સ્થાપત્યો જૈન-બૌદ્ધ બાદના છે.
✔ હવે જૈન અને બૌદ્ધ ગ્રંથોની સાક્ષીએ ઉલટતપાસ કરીયે.સૌપ્રથમ તો હાથી જૈન ધર્મમાં મહત્વનું ચિહ્મ માનવામાં આવે છે. જૈન ધર્મના પ્રખ્યાત એવા અનેકાંતવાદ ની ઉપદેશાત્મક કથામાં હાથી કેન્દ્ર સ્થાને છે. વળી,અદ્દલ કથા બૌદ્ધ ગ્રંથના એક ભાગ "ઉડાન" માં પણ છે. જૈનગ્રંથ સામયિક સૂત્રમાં તીર્થકરોને હાથીનામ ગંધહસ્તીની ઉપમા આપેલ છે.બૌદ્ધ ગ્રંથોમાં પણ હાથીને એક પ્રાણી તરીકે વિશેષ સ્થાન આપ્યું છે તેવું દેખી શકાય. એટલે જ નહીં તિબેટિયન બૌદ્ધગ્રંથ માં “વિનાયક”ને બોધિસત્વની પદવી આપેલ છે. એવું કહેવાય છે કે ગણપતિ જ એક માત્ર હિન્દૂ દેવ છે જેને બુદ્ધનું પદ મળ્યું છે. પણ હકીકત એ રહી કે પહેલેથી જ ગણપતિના સંબંધો બુદ્દિસમ સાથે હતા ,જેનું પછીથી સગવડી ઉઠાંતરી કરવામાં આવેલ હશે. બૌદ્ધગ્રંથ "દીઘ-નિકાય" માં એક ઉપદેશાત્મક કથા છે.જે મુજબ અંબઠ્ઠા નામક શિષ્ય વિઝડમ(નિર્વાણ) પ્રાપ્ત કરવા ગૌતમ બુદ્ધની નકલ કરે છે. જેમાં બુદ્ધની મુદ્રાને હાથીની ઉપમા આપેલ છે.બુદ્ધઘોસ ને હાથી સાથે સરખાવી કહ્યું છે કે બુદ્ધ પોતાની જીભ(સૂંઢ) વડે નાક અને કાન સ્પર્શી શકે છે. તેવી જ રીતે ચાઈનીઝ અને તિબેટિયન બુદ્ધિઝમમાં હાથીને ખુલ્લા મગજ, મજબૂતી અને શાંતચિત્તના પ્રતીક રૂપે માનવામાં આવે છે.
ઉપરોક્ત તથ્યો-તર્કો ઉપરથી એટલું તો નક્કી છે કે હાથી પહેલેથી જ શ્રમણ-બૌદ્ધ સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન પામેલ પ્રાણી હતું. વળી, હાથીને એક બુદ્ધિશાળી પ્રાણી પણ ગણવામાં આવેલ છે. તેથી જ તો ગણપતિના લગ્ન રિદ્ધિ(બુદ્ધિ) સાથે કરાયા હતા. ગણેશ ચતુર્થીએ ગણપતિનો જન્મ થયો હતો તે વાતના સમર્થનમાં પણ કોઈ પુરાવો નથી. બુદ્ધિ અને સાવધાનીના પ્રતીક સમા હાથીનો જે ઉપયોગ બુદ્દિસમ્મ થયો હતો તેનું બ્રાહ્મણીકરણના માધ્યમે ઈશ્વર બનાવી કર્મકાંડોનો ધંધો શરૂ કરવામાં આવ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે.
હાલમાં આ બધી વાતો લોકોની નજરમાં ગૌણ રહે. અંગ્રેજો વિરુદ્ધ યોજનાઓ ઘડવાના મુખ્ય ઉદેશ્ય ની સાથે લોકોમાં સંપની ભાવના વિકસે તે માટે તિલકે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. જો કે કહેવાતા સમાજ સુધારક એવા તિલક લોકોમાં સંપ વિકસે તેવી અપેક્ષા રાખતા હતા સાથે સાથે રાજસત્તામાં મજુર-પછાત જ્ઞાતિઓનું સ્થાન ના હોવું જોઈએ તેવી બંધિયાર માનસિકતા પણ ધરાવતા હતા!
અત્યારે ગણેશ ચતુર્થીના નામે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળતા મંડપો જોઈને સંપની ભાવના તો ક્યાંય ફંટાઈ જાય;ઉલટું દેખાદેખી-સ્પર્ધા સાથે શ્રદ્ધાનું અદભુત સમન્વય જોવા મળે. બોલીવુડના ગીતોના સાથે- ઘોઘાટ કરતા ઉત્સવ અને પ્રદુષણને દેખી આ પર્વ નહીં, વિકૃત પાર્ટી લાગે. આ બધું દેખીને નક્કી શ્રદ્ધા તો બહાનું જણાય; હકીકતે લોકોને તો માત્ર લુખ્ખી મજા માણવી હોય છે. ચાલો લોકોની આ મનોકામના તો ગણેશોત્સવના નામે પુરી તો થાય છે. નવરાત્રીમાં જેમ યુવાનો માતાજીના બહાના હેઠળ "આઝાદી" માણતા હોય છે; તેમ અહીં પણ રોક-ટોક વગર ધર્મના નામે મોજ લઇ શકાય.
જો કે ગણપતિએ કલાકારોને પણ પૂરતી છૂટછાટ આપી છે. તેમની વિવિધ કલાત્મક મૂર્તિઓ ખરેખર દર્શનીય તો છે જ. અલગ-અલગ મૂર્તિઓ દેખીને જ ઘરે ગણપતિ બેસાડવાનું મન થઇ જાય. હવે તો મૂર્તિઓમાં પણ રેકોર્ડ બનાવવાની ઘેલછાએ જાત-જાતના પ્રયોગો કરવામાં આવે છે.
જે હોય તે... આ બધું ભારતમાં જ બની શકે…
No comments:
Post a Comment