August 26, 2017

રાજકીય સતા, ધાર્મિક સતા અને આર્થિક સતા - સ્વપ્ન અને હકીકત

By Dinesh Makwana  || 24 August 2017 


બૌધ ભીખ્ખુ કરુણાશીલ રાહુલ ના કાર્યક્રમમાં હુ ઝોળ ખાતે રોહિતભાઇ અને કુન્દન ના કહેવાથી હુ હાજર રહ્યો હતો..બીજી બધી વાતો કરતા મને ઉપરના ત્રણ વિષયોમાં તેમણે કહેલી વાત મા બહુ રસ પડ્યો. તેથી આજે આ વિષય પર લેખ.

આર્થિક સત્તા :
અનામતનો લાભ આપણે માત્ર નોકરી પુરતો રાખ્યો, બસ સરકારી નોકરી મળી જાય, મારા દીકરાને મળી જાય ત્યાં સુધી આપણી વિચાર શક્તિ ચાલતી ગઇ. અનામત વ્યવસ્થા માત્ર નોકરી પુરતી નથી તે તો ખરેખર તમારું પ્રતિનિધિત્વ છે જે દરેક ક્ષેત્રોમાં હોવું જોઇએ. તેથી ધંધા માટે આપણે કોઇ હિંમત બતાવી નહી, આજેય મોટા ભાગના બતાવી શકતા નથી, તેના કારણે એક નોકરી કરતો પિતા માત્ર પુત્રને નોકરી મળે તેના જ પ્રયાસો કરતો રહે છે. તેણે ક્યારેય એવું વિચાર્યું નથી કે જો તે કોઇ ધંધો કરશે તો કદાચ તેને સંઘર્ષ કરવો પડશે પણ આવનારી પેઢીશાંતિથી તેના ધંધાને આગળ લઇ જશે, બીજું તેને ટેન્શન નહી રહે તે દીકરો શુ કરશે, કારણ કે દીકરાને તૈયાર પ્લેટફોર્મ પર ગાડી ચલાવવાની છે. પણ છેલ્લા પચાસ વર્ષમાં આ થઇ શક્યુ નથી તે હકીકત છે. સરકાર અનામત દુર કરવાની નથી, પણ અનામતનો સૌથી લાભ તમે જેમાં લઇ રહ્યા છો તે નોકરીઓ જ ખતમ કરી નાંખવાની છે. આપણી પેઢી હજુ ઘોર નિદ્રામાં છે. કારણ કે હજુ આપણે સ્વરોજગાર વિશે વિચારતા નથી. હવે તમારી પાસેથી નોકરી છીનવી લેવામા આવે તો શુ રહે તમારી પાસે? આપણા સામાજિક રિવાજોએ આપણી બચત પણ ખતમ કરી નાંખી છે. અપવાદોની વાત નથી પણ સરેરાશ વ્યકિતઓની પાસે કેટલું ભંડોળ છે જેને લીધે તમે આર્થિક સતા પ્રાપ્ત કરી શકો. આપણે એવો કોઇ ધંધો કે રોજગાર કર્યા નથી જેના લીધે આર્થિક રીતે મજબુત સમાજનું નિર્માણ થાય. તમે ગમે તેટલી વાતો કરો પણ આર્થિક રીતે મજબુત નહી હો તમારા આંદોલનો, જાગૃતિના કાર્યક્રમો નહી જ થઇ શકે. જે લોકો વોટ્સ પર મોટું ભાષણ આપે છે, જો તેમની નોકરી કે રોજગાર નહી હોય તો બીજા દિવસથી તમને છોડીને જતો રહેશે. આપણે બાબા નથી તે કડવી હકીકત તમારે સ્વીકારવી પડશે. ટુંકમા મારી દષ્ટિએ આર્થિક સતા મેળવવામાં સંપુર્ણ નિષ્ફળ રહ્યા છે.


રાજકીય સતા:
બાબા સાહેબનો ડબલ વોટનો અધિકાર જ તમને રાજકીય રીતે મજબુત બનાવી શકે. બહુજનોના ૮૫ ટકા પણ સરકાર કેટલી જગ્યાએ ? જેમને અનામત સીટ આપી તેઓ તેમના પક્ષને વફાદાર રહ્યા. ભલા રહે પણ જરુર હોય ત્યારે આ સમાજ માટે વિચાર્યું હોત તો ઘણું હતું. સરકારની વિરુદ્ધ કે પક્ષની વિરુદ્ધ કહેવાની જરુર નથી પણ સમાજ વતી બોલી તો શકો છો. દરેક જાતિના લોકો પોતાના સમાજને ભુલી જતા નથી. આપણે ત્યાં રાજકીય સત્તા બદલાતી રહે છે, તેથી તેમાં કેટલાક સમાધાનો કરવા પડે છે. જે બીજેપીને તમે ભાંડી રહ્યા છે તેનો જ ટકો લઇને યુપીમા સરકાર બનાવી હતી. બીએસપી પણ તેમની સાથે હતી. જે બ્રાહ્મણોને તમે દુશ્મન કહો છો તેમને જ તમારે સતામાં ભાગીદાર બનાવવા પડયા હતા કારણ કે તે રાજકીય મજબુરી છે, કરવું પડે છે પણ ખોટું કોઇ કહેતું નથી કારણકે તમને સતા મળે છે, જો રાજકીય સતા હોય તો તમે કશુંક સમાજને આપી શકો છો, હક અને અધિકારનું રક્ષણ કરી શકો છો. પણ માત્ર અને માત્ર યુપી સિવાય કોઇ રાજ્યમાં એવો બીજો કોઇ પ્રાદેશિક પક્ષ બની ના શક્યો જેને બહુજનો પોતાનો ગણી શકતા હોય, બીએસપી એક મજબુત વિકલ્પ બની શકે છે. પણ તેની સામેના બ્રહામણ વિરોધી સંગઠનો તેને મજબુત બીજા પ્રદેશોમા થવા દેતા નથી. આ સંગઠનોએ સમજવું જોઇએ કે સામાજિક અને રાજકીય બાબત વિભિન્ન છે. રાજકીય સત્તા મેળવવા માટે તમે કઇ સમાધાન કરો તે ખોટું નથી. પણ અલગ અલગ ચોકો રહેવાથી સમાજ વહેંચાતો રહે છે અને કેટલીક વાર મને લાગે છે આપણે બીજાના જ હાથા બનીને કામ કરીયે છે. પણ શરુઆત કરવી પડશે, આ બાબતોમાં સતત પ્રચાર અને પ્રસાર જ હકારાત્મક પરિણામ લાવી શકે. લોકોને અહેસાસ કરાવવો પડશે આ પક્ષ તમારો પોતાનો છે. પક્ષના કાર્યકરો માત્ર રાજકીય હેતુ માટે જ સમાજની વચ્ચે જશે તો સફળ નહી થાય તેમની તકલીફોમાં પણ જવુ પડશે. પણ હાલ પુરતા રાજકીય સત્તાથી આપણે હવે દુર જઇ રહ્યા છે.


ધાર્મિક સતા:
સમાજને જોડવા માટે સોથી મહત્વનો પણ અત્યંત સંવેદનશીલ મુદો ધાર્મિક છે. વર્ષો જુની હિન્દુની માન્યતાઓ ખોટી હોવા છતા આપણે છોડી શકતા નથી તેનું કારણ કદાચ આર્થિક રીતે મજબુત નહોતા. પણ જો એક મજબુત વિકલ્પ શોધ્યો હોત તો જરુર આ દિશામાં આપણે સફળ થઇ શક્યા હોત. બૌધ એ બહેતર વિકલ્પ બની શકે છે. નવી પેઢી તેને ગંભીરતાથી લઇને બૌધ તરફ પ્રયાણ કરી રહી છે, પણ બૌધ હજુ તમને અહેસાસ નથી આપી શક્યો તે તમે બૌદ્ધ અપનાવશો તો સલામત છે. દરેક વ્યકિત ધાર્મિક સુરક્ષા પણ ઇચ્છતો હોય છે. બૌધ તરફના પ્રયાણ કરવાના આપણા પ્રયાસો નકારાત્મક છે, આપણે બૌધ ને અપનાવવા માટે હિન્દુ ધર્મ કેટલો ખરાબ છે તેની જ વાતો કરીયે છે પણ નકારાત્મકતાથી જે અસરો જોવા મળે તેના કરતા બૌધમા શુ હકારાત્મક છે તે કહેવાથી વધુ લોકો તમારી સાથે જોડાશે..

મધર ટેરેસા ની વાત કરીને મે ખ્રિસ્ત ધર્મના ઉમદા કાર્યોની પ્રસંશા કરી હતી, ખરેખર આવા કોઇ પ્રયાસો આપણા દ્રારા થતા જ નથી. આપણે અત્યાચાર કરીયે છે, બાબાના ગદાર કહીયે છે, આના કારણે બાબાના સાચા અનુયાયીઓ અને જાગૃત યુવા હજુ આ બોધથી દુર છે. બીજું બૌધ નું શિક્ષણ મળે તેવી કોઇ વ્યવસ્થા નથી કે જગ્યા નથી કે ત્યાં જઇને આપણા લોકો જાણી શકે. બૌધ ભંતેજી ના કાર્યક્રમો નિયમિત રીતે થઇ ના શકે પણ જો એવી કાયમી વ્યવસ્થા જે તે શહેરમાં હોય તો પરિણામ સારા મળી શકે. હજુ ગામડામાં આપણા યુવાનો મીટીંગ કરવા જાય છે ત્યારે બૌધ ધર્મ વિશે બહુ ઓછી વાત કરે છે. બૌધને ફોટો જરુર હોય છે પણ આપણે તેમને સમજાવી શકતા નથી. એક ગામમાં મે એક ભાઇને પુછયુ હતું કે ખબર છે આ બૌધ કોણ છે? તેમણે કહ્યુ બાબાના ગુરુ છે. જો આ સમજણ હોય તો થઇ રહ્યું. પણ જિગર ભાઇ શ્યામલન કહે છે તેમ પહેલા હિન્દુના પાખંડ કે અંધશ્રદ્ધા માથી મુક્ત કરવાના પ્રયાસો થશે પછી આપોઆપ લોકો બૌધ તરફ પ્રયાણ કરશે. મોટા ભાગની મીટીંગમા બૌધ છોડો આપણે અંધશ્રદ્ધા વિશે વાત કરતા જ નથી. છેલ્લા બે ત્રણ ગામમાં મને આ જ જોવા મળ્યુ. રાંધણ છઠ વિશે મે લખ્યુ અને બીજા દિવસે એક ગામમાં મીટીંગ હતી ત્યાં મારે આ કહેવુ હતું પણ મિત્રોએ મને ના પાડી. તેમનુ કહેવુ હતું કે ઓવરડોઝ થઇ જશે. વ્યકિત  ધર્મ વિના રહી શકે નહી પણ તમે કેવી રીતે લોકોને બૌધ તરફ લઇ જાવ છે તે પણ જરુરી છે. આ બાબતમાં હુ એટલું જ કહીશ કે હિન્દુ મા શુ ખરાબ છે તે સતત કહેવાથી લોકો પ્રભાવિત નહી થાય, તમારે હકારાત્મક બાજુ જ રજુ કરવી પડશે.

પણ હજુ આપણે ધાર્મિક સતાથી દુર છીએ

દિનેશ મકવાણા
૨૪/૮/૨૦૧૭
અજમેર રાજસ્થાન

No comments:

Post a Comment