By Jigar Shyamlan || 28 July 2017 at 10:48
ક્રાન્તિ એક તરફી, અવસરવાદી કે કોઈ ક્ષણિક આવેગ ન હોઈ શકે. મને ક્રાન્તિ એ નિરંતર ચાલતી પ્રક્રિયા લાગે છે, એક માણસના જીવનમાં આમુલ બદલાવ લાવવાની પ્રક્રિયા જ ક્રાન્તિ હશે..!!
પહેલા આદિમાનવયુગમાં ખોરાક તરીકે પશુઓનો શિકાર કરીને કાચુ માંસ ખાવામાં આવતું હતું. પછી અગ્નિની શોધ થઈ અને માંસને અગ્નિમાં શેકી, ભુંજીને ખાવાની શરૂઆત થઈ. પછી વિવિધ ફળ, ફુલ અને કંદમુળનો અને છેલ્લે અનાજ ઉગાડવાનો ધીમે ધીમે આ પ્રક્રિયામાં ક્રમિક સુધારો થતો ગયો જે ક્રાન્તિના પરિણામ આજે ખોરાકની વિવિધતાઓ આપણી સામે છે.
પોશાકની દિશામાં પણ આવો ક્રમિક સુધાર થતો ગયો. પહેલા મરેલા પ્રાણીઓના ચામડા પછી ઝાડની છાલ અને પાંદડા, છેલ્લે કપડાં.
રહેઠાણમાં પણ ગુફાઓ પછી ઝાડ પછી નાની ઝુંપડીઓ અને હવે પાકા મકાનોનો ક્રમિક વિકાસ થતો ગયો.
માનવને સ્પશઁતી દરેક વસ્તુમાં આદિમાનવયુગથી ક્રમિક વિકાસ થતો રહ્યો અને આ વિકાસને પરિણામે સ્થિતી બહેતર બનતી રહી. આ એક પ્રકારની ક્રાન્તિ જ હતી.
ધમઁ અને આસ્થાની બાબતમાં પણ માણસ જોઈએ તેટલો ક્રમિક વિકાસ કરતો રહ્યો પણ તેની દિશા વિપરીત રહી.
આદિમાનવકાળમાં કોઈ ધમઁ ન હતો. કોઈ ધામિઁક માન્યતાઓ ન હતી. કોઈ ઈશ્વરીય અવતાર કે કોઈ ધામિઁક માન્યતાઓ ન હતી. મહત્વની વાત એ છે કે બુધ્ધિના વિકાસની સાથે સાથે આ બધો ક્રમિક વિકાસ થતો રહ્યો.
આજના માણસનો બુધ્ધિમતા આંક આદિમાનવકાળના માણસના બુધ્ધિમતા આંક કરતા કેટલાય ગણો વધુ છે, મતલબ બુધ્ધિમતા આંકમાં ક્રમિક વિકાસ થયો છે પણ ધમઁ અને તેની સાથે સંકળાયેલી વિવિધ બાબતો તેમજ ઈશ્વર પ્રત્યેની આસ્થા ચરમસિમાએ પહોંચી છે.
આવી અવળી ક્રાન્તિ થવા પાછળ ક્યુ કારણ હશે..??
- જિગર શ્યામલન