July 31, 2017

તમારી પ્રોડક્ટ કોક દિવસ તો રૂબરૂ બતાવો

By Jigar Shyamlan ||  31 July 2017 


ભગવાન-ઈશ્વર, અલ્લાહ-તાલા, જિસસ એ એક એવી પ્રોડક્ટ છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. જેને અલગ અલગ ધમઁના લોકો જુદા જુદા નામથી ઓળખાવે છે.
દરેક ધમઁમાં અમુક લોકો વિવિધ ધમઁના ધમઁગુરુઓ, મૌલવીઓ અને ફાધરો બની આ પ્રોડક્ટનું માકેઁટીંગ કરી સેલ્સમેનો બની ગયા છે તે સૌને સવાલ છે તમારી પ્રોડક્ટ કોક દિવસ તો રૂબરૂ બતાવો..?
શું ખરેખર હશે ભગવાન.. ?
પૃથ્વીની રચનાનું કારણ બ્રહ્માંડનો વિસ્ફોટ.
તો પરમાત્માના નામે શાને ખોટી ઠોકાઠોક.
શા કારણથી આપીએ છીએ આટલુ માન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ઉલટાવી દીધા ગ્રંથો વાંચી નાખી પોથી. 
પાને પાનાં ફેંદયા તોય નથી શક્યો ગોતી.
કોણ મને સમજાવશે કોણ કરાવે ભાન.
શું ખરેખર હશે ભગવાન.. ?
ફોટાઓ બધા જોઇને મને ઘણાય પ્રશ્નો થાય. 
ફોટામાં છે એ ગોડ,ખુદા,ભગવાન કહેવાય. 
થાય ખુશ જો કરીએ બાંગ, પ્રેયર,આરતી ગાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
અલ્લાહ, જીસસ, કુષ્ણનો કેવો હશે દેખાવ.
જોવા માટે તમામ જગાએ નાખી જોયા પડાવ. 
મારા પ્રશ્નનું હજીય નથી થયું સમાધાન. 
શું ખરેખર હશે ભગવાન..?
કેવું હશે દિવ્ય રૂપ એમનું એની કરવા ખોજ. 
મંદિર, મસ્જિદ,ચર્ચ, ગુરુદ્વારા ભટકું રોજ. 
કેવા હશે એ એનું હજીય મળ્યું નથી જ્ઞાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
મંદિરે જઇ ફુલ, દૂધ, પ્રસાદીનો કરું અભિષેક. 
કોઇ સંજ્ઞા મળે માટે મૂર્તિને તાકી રહું અનિમેશ.
નથી આવતો કોઇ સ્વર ખુલા હોય છે મારા કાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ગોતવા એને મસ્જિદમાં ગયો છું ઘણીયવાર.
ચાદર ચડાવી લોબાનના કર્યા ધૂપ અપાર.
ત્યાં પણ કોઇ હરકત એની આવી નથી ધ્યાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
શોધી કાઢવા મેં લગાવી ચર્ચમાં દૌડ.
કેન્ડલ સળગાવી તોય રીઝ્યો નહી ગોડ.
ત્યાં પણ નથી મળ્યું એનું કોઇ પ્રમાણ. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ગુરુદ્વારામાં પણ મેં ચલાવી એની શોધ. 
એકવાર દર્શન દો એવો ખુબ કર્યો અનુરોધ.
અહીં પણ ન સમજાયુ એનુ કોઇ વિજ્ઞાન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
ખરેખર અસ્તિત્વ હોય એનું તો આપો પ્રમાણ. 
એને રીઝવવા શા માટે આટલા બધા દબાણ.
કોઇ કરે કઠોર તપ કોઇ આપે મોટા દાન.
શું ખરેખર હશે ભગવાન.. ?
ઉકેલાતી નથી આ ગૂંચ ઉકેલું એમ ગૂંચવાય.
મને ચૂપ કરવા ધર્મોના ટોળા ભેગા થાય.
અસ્તિત્વ ન સ્વિકારે એને કેમ ન મળે સન્માન. 
શું ખરેખર હશે ભગવાન.. ?
- જિગર શ્યામલન 

No comments:

Post a Comment