May 07, 2017

આ જ્ઞાતીસુચક અટકોનું શું કરીશું? : કીરણ ત્રીવેદી



રેશનાલીસ્ટો ઘણી વખત જ્ઞાતી-સુચક અટકો (surnames) છોડી દેવા વીશે ચર્ચાઓ કરતાં રહે છે. જેમ કે ત્રીવેદી એટલે બ્રાહ્મણ, મેહતા એટલે બનીયા વી. આપણે ન ઈચ્છીએ તો પણ લોકો મનમાં ગોઠવી લે છે. જ્ઞાતીવાદી ન દેખાવા માટે નામની સાથે વાપરી શકાય તેવો સરનેમનો કોઈ વીકલ્પ છે ખરો? કારણ કે ફક્ત નામ રાખીને સરનેમ છોડી દેવું તો વધુ પ્રશ્નો ઉભા કરી શકે. 'કીરણ' તો હજારો હોઈ શકે, પણ 'કીરણ ત્રીવેદી' થોડા ઓછા હોય; આ કારણોસર જ અટકો ઉપયોગી બની ગઈ અને ટકી ગઈ લાગે છે.
ઉત્તરના રાજ્યોમાં આ દીશામાં થોડી પ્રગતીશીલ ગતીવીધીઓ થયેલી છે. ઘણા લોકોએ પોતાની યાદવ, ગુપ્તા, શર્મા જેવી અટકો છોડીને 'કુમાર' સ્વીકારી લીધું છે. બીહારના ચીફ-મીનીસ્ટર નીતીશ કુમાર આવું જ એક ઉદાહરણ છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા છે જેમણે પોતે જેની સાથે અનુસંધાન સાધી શકે તેવા અર્થસભર શબ્દો બીજા નામ (second name)તરીકે અપનાવ્યા, જેમ કે કીરણ સ્કેપટીક (સંશયવાદી) અથવા કીરણ વીશ્વબંધુ વી. ઉપરાંત કેટલાકોએ સરનેમ છોડી દીધી પણ પીતાના નામ જોડ્યા; જેમ કે કીરણ લાલભાઈ, દીલીપ ચંદુલાલ.


પણ કોણ જાણે કેમ, કોઈ ઉકેલ વધુ વીશાળ વર્ગને અપીલ ના કરી શક્યો, અને ખુબ મોટી સંખ્યામાં રેશનલ/પ્રોગ્રેસીવ લોકોએ તેમાંનું કશું અપનાવ્યું નહીં. આ મુદ્દે GMRAના રેશનલ સમાજ સામયીક માટે મેં એક ચર્ચા કેટલાક મીત્રો સાથે ફેસબુક અને બહાર કરેલી. તેમાંથી કેટલાક મત અહીં share કરું છું :

  • યોગેશ જોગસણ : જરુરી નામ કે અટકમાંથી છુટવું તે નથી. જરુરી છે જ્ઞાતી અને જાતીના વીચારોથી છુટવું.. નામ મહત્વનું હોતું નથી. જે લોકોનું માનસ જ જ્ઞાતીવાદી હોય તે મારા જેવા લોકોની જ્ઞાતી ના સુચવતી અટકોવાળા લોકોને પણ પૂછતાં ફરતા હોય છે. મારી અટક જોગસણ છે જે લગભગ કોઈ જ્ઞાતી સુચવતી નથી. છતાં સૌરાષ્ટ્રનું જ્ઞાતીવાદી માનસ તુરંત પુછે છે કે તમે કેવા?
  • પ્રતીભા ઠક્કર : અટક મોટે ભાગે જ્ઞાતીસુચક જ હોય છે. એટલે કે, જ્ઞાતીવાદ સામેની લડતમાં આ પ્રશ્ન વીચારવો જ જોઈએ. જો અટક ના લખીએ અને વ્યક્તિના મા-બાપ બંનેનું નામ લખીએ તો ? કદાચ કૈક ફેર પડે, બાકી તો સરકારે જ્ઞાતી આધારીત વસ્તી ગણતરીને માન્યતા આપીને આ દુષણને કાયદેસરતા બક્ષી છે....
  • અશ્વીન કારીઆ : જ્ઞાતીવાદ માનવવાદમાં અવરોધક છે, તેથી અટક જ્ઞાતીસુચક હોય તો દુર થઇ શકે છે. કેટલાક લોકોએ અટક બદલાવી છે કે છોડી દીધી છે. પણ અટક જ્ઞાતીવાદ સામેની લડતમાં નડતરરુપ થાય તેમ મને લાગતું નથી. જ્ઞાતીવાદ દુર થાય તો અટકનું મહત્વ રહેતું નથી.
  • કીરણ ત્રીવેદી : જો કે સાવ એવું પણ નથી... જેમની અટકો ઉચ્ચ જ્ઞાતી દર્શાવતી હોય, તેના વીશેષ લાભો આપ્યા કરતી હોય એમને તો એવું જ લાગવાનું કે અટકોનો કોઈ વાંધો નથી. અને એક અટક બદલીને જ્ઞાતીવાદથી બચશો તો મનહર, મહમદ, કીરણ, કરીમ જેવા નામોને કારણે ઉઠતા જાતીવાદ સામેની લડત તો બાકી જ રહી! મુળ સમસ્યા એ છે કે આખેઆખી સામાજીક/સરકારી વ્યવસ્થાનો એ હીસ્સો બની ગઈ છે, રેશનાલીસ્ટ તરીકે તમારી અટકને તમે સમસ્યારુપે સમજી શકો ત્યાં સુધીમાં તમારી અડધી જીન્દગી નીકળી ગઈ હોય છે. એ અડધું આયખું ઉલટાવવાનું અઘરું જ લાગે... અને તે પણ એકલ-દોકલ વ્યક્તીઓએ એ કર્યું છે તેનાથી લડતને કેટલો ફાયદો મળ્યો - એ વીચાર પણ આવે. જો ઉત્તરના રાજ્યોની જેમ કોઈ ઝુંબેશનું સ્વરુપ આપી શકીએ તો જ એ કામનું.
  • મુદીતા વીદ્રોહી : આમાં તમે કહ્યું તેમ ઉત્તર પ્રદેશમાં અટક નહીં લખનારાઓ પોતે રેશનાલીસ્ટ છે એમ માને પણ નહીં એટલું સહજ ત્યાં છે. મારા પપ્પા બીહારના છે અને મારા કુટુંબમાં મારા દરેક પિત્રાઈ ભાઈઓ જુદી-જુદી અટકો લખે છે. જે.પી. આંદોલન વખતે તો આ આહવાન થયું જ હતું કે "જાતી તોડો, અટકો છોડો". એમાંથી જ વીદ્રોહી, રાહી, મણી, મોતી, કુમાર અને તેવા બીજા ટાઈટલો આવ્યા.

    આપણને ગુજરાતીઓને જરા વધારે જ 'તમે કેવા અને ક્યાંના' વગેરે વાતોમાં રસ હોય છે, એટલે અહીં એ દીશાના પ્રયત્નો થયેલા દેખાતા નથી. મારે હજી જવાબો આપવા પડે છે "આ વીદ્રોહી ક્યાંય સાંભળ્યું નથી. તમે શેમાં આવો?"

    એક વાર પપ્પાને ફોર્મ ભરવાનું હતું, જેમાં જ્ઞાતી લખવાની આવી ત્યાં તેમને લખ્યું 'માણસ'. ફોર્મ લેનાર બેનને લાગ્યું કે આ ભાઈ સમજ્યા નથી એટલે જુદી-જુદી રીતે સમજાવવા બેઠા. 'જેમ કે મારી પટેલ છે એમ તમારી કઈ'.. વગેરે. બાબાએ કહ્યું પહેલાં એ નક્કી કરો કે તમે પટેલ છો કે માણસ! આવું જ સ્કુલમાં અમે ભણતા ત્યારે બાબા ફોર્મમાં જ્ઞાતી કે ધર્મનું ખાનું ભરતા નહીં. દર વખતે માથાકૂટ થાય. છેવટે સ્કુલવાળાએ લખાવી લીધું કે ભવીષ્યમાં તમે ક્યારેય કોઈ અનામત માટે દાવો નહીં કરો. (એમની નીસબત એટલી જ હતી)
  • કીરણ ત્રીવેદી : આ દેશમાં પ્રગતીશીલ લોકો તો પોતાના અભીગમોને કારણે જાણે 'તમાશો' જ બનતા હોય છે! સામાન્ય લોકોની ટુંકી દ્રષ્ટીમાં, ગોઠવાયેલી દુનીયામાં કશુંક પણ અપસેટ કરે તેવું તેમને પચતું નથી. તું કહે છે તેવો જ એક દાખલો મારે લીગલ પેપર તૈય્યાર કરાવતી વખતે એક એફીડેવીટ તૈય્યાર કરનાર બ્રોકર સાથે થયેલો.

    મારા વતી એણે જે ડ્રાફ્ટ કરેલો તેમાં હું કહેતો હોઉં તેમ તેણે ટાંકેલું, "હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે..." મેં આગ્રહ રાખ્યો કે હું ઈશ્વરમાં નથી માનતો એટલે એવો સુધારો કરો કે, "હું બંધારણને સાક્ષી રાખીને કહું છું કે.." એ જુવાનીયાને વાત પચી જ નહી અને બંધારણવાળો અધીકાર એને ખબર જ નહોતી તો એણે અડધો કલાક મારી સાથે માથાકુટ કરી, મને મુર્ખ/તરંગી કાકો માનીને - અંતે મેં આગ્રહ ચાલુ રાખ્યો તો 'કામ જ નથી કરવું' કહી દીધું. અંતે 'બંધારણના નામે' જ થયું, પણ આટલા સમય-શકતી દર વખતે કોની પાસે હોય સીવાય કે થોડા પણ કર્મશીલ સ્વભાવના લોકો!
  • મુદીતા વીદ્રોહી : મને એમ લાગે છે કે આપણે જે કંઈ કરીએ છીએ એમાં "આવું કેમ?" એવો સવાલ પૂછતા શીખવાડવામાં આવતું જ નથી. અને એટલે જ સદીઓથી જે સારું કે ખરાબ, સાચું કે ખોટું ચાલ્યું આવે છે તે એમનું એમ જ ચાલ્યા કરે છે. કોઈ વસ્તુ ને તપાસવાની આપણને દરકાર નથી. આપણે સહજ જ માની લઈએ છીએ કે આમ જ થતું આવ્યું છે એટલે એ જ બરાબર છે. આજથી ૧૦૦ વર્ષ પહેલા અને એ પહેલા કોઈ વસ્તુ માટેનો સંદર્ભ જુદો હોઈ શકે, આજે એ જુદો હોઈ શકે. પણ ચીતરેલી લીટીને ઓળંગવી જાણે અસંભવ છે આ સમાજમાં.

    મને એમ થાય કે, બુદ્ધિથી જરાય નહી વીચારતા હોય કે રીવાજો ને પરંપરાઓના શું તર્ક છે? જરાય વ્યવહારીક ના કહેવાય એવી અનેક વાતો માટે આપણે જાણે બુદ્ધિથી વિચારવા તૈયાર જ નથી. આપણે કંઈ પણ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ એના વીષે ક્યારેય વીચારતા જ નથી. બસ કરીએ છીએ કેમ કે તે એમ જ ચાલ્યું આવ્યું છે. રોજ-બરોજ ના વ્યવહારોમાં પણ એવું જ. અને એવું જ અટકોનું... 

    તમે જે પ્રસંગ ટાંક્યો છે તે જરાય નવાઈ પમાડે તેવો નથી. દુનીયા કરતા જુદું કેમ કરીને થાય? આપણાં નાત જાતના વાડા, આપણાં ધર્મ, આપણાં રીતરીવાજો, ક્રિયાકાંડો બધું એમ જ ચાલે છે. કરીએ છીએ કેમ કે એવું જ થતું આવ્યું છે. અહી મારો અર્થ એમ જરાય નથી કે સમાજમાં બધું જ ખોટું છે અને બધા જ રીતરીવાજો ખોટા છે પણ આપણું શું ક્રીટીકલ થીંકીંગ છે એને માટે એ જોવું જોઈએ એમ લાગે છે. પ્રશ્નો પુછતાં શીખવું પડશે. ખોટી વાતને પડકારતા શીખવું પડશે. પણ આપણી શીક્ષણ પદ્ધતી માત્ર જવાબ આપતા શીખવે છે પ્રશ્નો પુછતાં ક્યાં શીખવે છે?
  • આકાશ આચાર્ય : ખરેખર ખુબ રસપ્રદ વીષય છે આ. હું સુચન કરીશ કે પુરુષ/સ્ત્રી જાતીને સંલગ્ન મુદ્દાઓ પણ છે - જે આ અટકના પ્રશ્નો સાથે સંકળાયેલા છે... તેની પણ ચર્ચા થાય. જેમ કે લગ્ન પછી સ્ત્રીની અટક બદલાઈ જાય તે આ પુરુષપ્રધાન સમાજમાં એટલું સહજ સ્વીકાર્ય થઇ ગયું છે કે જાણે તે કાયદો બની ગયો છે. એટલી હદે તે બેન્કો, પાસપોર્ટ અને તેવી વપરાશી સેવાઓ તમારી પાસે આગ્રહ રાખે છે કે "બહેન હવે તો લગ્ન પછી તમારા હસબંડની સરનેમ આવે". શું આપણે આપણું સેકન્ડ નેમ જ્ઞાતી, જાતી, જેન્ડર, વ્યવસાય કે વતન-સૂચક ઓળખોથી પર બનાવી શકીશું?
  • દીનેશ વેદ : સાહેબ આમા જેઓએ ધર્મ પરીવર્તન કરેલ છે તેઓ પણ આ અટકમાં અટ્વાયા છે, તો બીજાની ક્યાં વાત કરવી? મારા કેટ્લાક વ્હોરા મીત્રો 8-10 દાયકા પછી પણ હજી હીન્દુ અટક (જેવી કે લક્ષ્મીધર) વાપરે છે. અથવા પોતાના ગામના નામ કે ધંધા પરથી અટક જેમ કે ગોધરાવાલા, કાંચવાલા, પત્રાવાલા વગેરે વાપરે છે. મુંબઈમા મરાઠી જેઓ કેથલીક ધર્મ પાળે છે તેઓ હીન્દુ અટકને અળગી કરી શક્યા નથી. કદાચ દરેક માણસ જાણૅ છે કે મારી અટ્કમાજ મારુ મુળ છુપાયેલ છે.
  • ભુપેન્દ્રસીંહ રાઓલ : એક તો રેશનલ વીચારધારાએ મેમલ બ્રેઇનની તાસીર સમજી લેવી જોઈએ, જે આપણને લાખો કરોડો વર્ષના ઉત્ક્રાંતીના વીકાસનાં ક્રમમાં મળેલી છે. મેમલ સમુહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે. સમુહમાં હોય તો સલામતી અને સમુહ બહાર હોય તો હુમલાખોરનો ભય, અસલામતી. જ્ઞાતી એક સમુહ હોઈ શકે. જેમ કે હું રાજપુત સમુહમાં જન્મેલો છું, પણ મારા માટે બીજી જ્ઞાતી કોઈ ઉંચી કે નીચી નથી તે સમજ આવવી જોઈએ. ગુજરાતી ઓળખ એ વળી જરા મોટો સમુહ છે અને ભારતીય એનાથી મોટો સમુહ છે.

    અમે સુરતી, અમે કાઠીયાવાડી, અમે મહેસાણી કે અમે ચરોતરના આ બધી સમુહગત ઓળખાણ છે. એટલે મેમલ બ્રેઇનની તાસીર સમજીને કોઈ રસ્તો કાઢવો જોઈએ. શબ્દો બદલવાથી માનસીકતા નહીં બદલાય. ગાંધીજીએ સુંદર શબ્દ આપ્યો હતો દલીતવર્ગ માટે. પણ એનોય વિવાદ થયો 'ને તે શબ્દ વાપરવા પર પ્રતીબંધ છે. એ શબ્દનો અર્થ હતો ભગવાનનું માણસ, પણ અંતે થયું શું? ભલે તે શબ્દ વાપરીએ દિમાગમાં ચમકારો તો જુની જે ઓળખ હોય તેનો જ થતો હોય છે. હવે દલીત શબ્દ વાપરીશું પણ દીમાગમાં તો જુની જે ઓળખ છે તે જ આવી જવાની ને? શબ્દો બદલવાથી કશું વળે નહીં. બદલવાની છે માનસીકતા. માટે હું વીજ્ઞાનનો સહારો લઉં છું કે જીનેટીકલી આપણે સહુ એક છીએ. જે માનવ સમુહ પહેલો આફ્રિકાથી બહાર નીકળ્યો તેના જ જીન્સ આપણા સહુમાં છે.
  • રીટા ઠક્કર : મુદ્દે માણસ ઝડપભેર બગડી રહ્યો છે તેવી લાગણી આપણને સૌને થઈ રહી છે તે એક ભ્રમ હોવાની શક્યતા પુરેપુરી છે. માણસનુ પરીવર્તન આપણે ધારીએ છીએ તેટલુ ઝડપી નથી.. માણસે બળદગાડાથી જેટવીમાન સુધી ઘણી પ્રગતી કરી,પણ માનસીક રીતે જરા પણ બદલાયો નથી.. ઘણીવાર લાગી રહ્યુ છે કે તે વધુ સ્વકેન્દ્રી બન્યો છે.. નવી નવી વીચારધારાઓ, સુધારાઓ, કાયદાઓ જેવા બાહ્ય પરીબળો માણસના મુળ સ્વભાવને બદલી શક્યા નથી. છતા દુખી થવા જેવુ નથી. આશા ગુમાવવા જેવી નથી.. નવા પડકારો સામે જુના હથીયારો વડે તે જુસ્સાભેર ઝીક ઝીલી રહ્યો છે.
  • બીપીન શ્રોફ : આપણા સાથીદાર મનીષીભાઇ એ એક કાર્યશીબીરમાં વાત કરી હતી કે આ દેશમાં તો માણસ જન્મે છે જ બ્રાહ્મણ, વાણીયા કે પટેલ તરીકે અથવા તો હીંદુ, મુસ્લીમ કે ખ્રીસ્તી તરીકે. તમને જ્યાં સુધીમાં  ખબર પડે કે આ જ્ઞાતીમુલક કે જાતીવાદી માનસ જ ભારતીય સમાજની અધોગતીનું પરીણામ છે, ત્યાં સુધીમાં તમારી જ્ઞાતીવાદી સામાજીક ઓળખે કરવાપ્રાપ્ત નુકશાન તો કરી જ દીધું હોય છે. પરંતુ ઘણા બધા લોકો સાથે મળીને નીર્ણય કરે તો જ્ઞાતી કે સામાજીક ઓળખસુચક નામો કે અટકોમાંથી મુક્તી મેળવી શકે છે. કાયદાકીય રીતે આ ફેરફાર કરવો સરળ છે પણ તેના માટે દ્ઢ નીશ્ચય જરુરી છે.
  • જયંતી પટેલ : રેશનાલીઝમ ભેદભાવપ્રેરક વ્યવસ્થાનું વીરોધી છે. જ્ઞાતી, ધર્મ, પ્રદેશ માનવીને વાડાઓમાં વહેંચે છે પરીણામે માનવવાદ તેને ત્યજીને માનવીને માત્ર માનવી સ્વરુપે જુએ છે. નામ સાથે યોજાતી જ્ઞાતીની ઓળખ જન્મ સાથે જ જોડાઈ જાય છે. તે એક વ્યવહારુ વ્યવસ્થા છે અને તેના વીકલ્પે કોઈ પુર્વાજના નામથી અટક રાખવાનું વલણ ઇચ્છનીય છે. પરંતુ અટક કરતાં વ્યક્તીના વલણ, વ્યવહાર અને અભીગમના આધારે તેની મુલવણી થાય એ વૈચારીક બદલાવ વધુ મહત્વનો છે.
  • નીરવ પટેલ : ભારતીય સંદર્ભે અટકો ઘણું ઘણું કહી જાય છે અને બ્રાહ્મણો બરાબર જાણે છે કે ખાસ અટકો ધારણ કરનારને કેવા-કેવા વીશેષાધીકારો મળે છે. એમાંનો સર્વોચ્ચ ફાયદો તે આ નીતી-કથન, "બ્રહ્મહત્યા જેવું બીજું કોઈ પાપ નથી". પોતાની અટક છોડીને આવા લાભો પણ છોડવાનું કોણ પસંદ કરશે? એની માત્ર અટકથી તેને બીજાઓ કરતાં વધુ વીશ્વાસપાત્ર અને સન્માનપાત્ર જો ગણવામાં આવે છે!

    કોઈ પણ રેશનાલીસ્ટ આવી અત્યંત હાનીકારક એવી પ્રથાને ચલાવી લઇ શકે નહીં, જે લોકોને તેમના વંશના આધારે નીચ અને ઉચ્ચ તેવા ભાગલામાં વહેંચી નાખે છે. હું તો વીવીધ સંસ્કૃતીપણામાં માનું છું. અને કોઈની માથે કલગી હોય કે પૂંઠે પુછડી, એ જ્યાં સુધી અન્યોને હાનીકર્તા ન બને ત્યાં સુધી મને કોઈ વાંધો નથી. હું તો વધુ ને વધુ મેઘધનુષોને આવકારું, અને કોઈ ગમે તે આકારમાં કે જાંબલી કલરની ચામડી લઈને જન્મે કે ભુખરા/ભુરા કલરની, મને શું વાંધો હોઈ શકે; જ્યાં સુધી એ માનવા તૈયાર હોય કે એ માનવી છે અને સમાનતા તથા બંધુતાના હીમાયતી છે. 


(આ આખી ચર્ચા આજથી 4 વર્ષ પહેલાં થયેલી છે અને કીરણ ત્રીવેદી દ્વારા સંપાદીત, સંકલીત "રેશનલ સમાજ" પુસ્તીકામાં છપાયેલી છે) 

No comments:

Post a Comment