June 20, 2018

ગાંધી અને કોન્ગ્રેસના કાવાદાવા

By Jigar Shyamlan ||  14 March 2018 


"હું મારા લોકોનો વિશ્વાસઘાત કદાપી નહીં કરૂ. પછી ભલે તમે લોકો મને નજીકના વીજળીના થાંભલે ફાંસીએ લટકાવી દો." 
- બાબા સાહેબ આંબેડકર
==================================
અગાઉ સળંગ બે પોસ્ટ  ગોળમેજી પરીષદ વિશેની હતી. 
ગોળમેજી પરીષદ શેના માટે હતી. અસ્પૃશ્યોના અધિકારો માટે કેટલી મહત્વની હતી તે બાબતની માહીતી હતી. બીજી ગોળમેજી પરીષદમાં ગાંધીજીએ કેવી રીતે ચાલાકીઓ કરી બાબા સાહેબની માંગણી મુજબ અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે માટે અનેક કાવાદાવા કરેલા તે વિશેની માહીતી હતી.

ગાંધીજીના આટલા બધા પ્રયાસો કરવા છતા બાબા સાહેબ

(1). ભારતમાં અસ્પૃશ્યોને સદીઓથી કેવી પીડા સહન કરવી પડી રહી છે..??

(2).ભારતમાં અસ્પૃશ્યોનું ધર્મ આધારીત જાતિવ્યવસ્થાથી કેટલી હદે શોષણ થઈ રહ્યુ છે..??

(3). ભારતમાં અસ્પૃશ્યોને કોઈ પણ પ્રકારના માનવ અધિકારો આપવામાં આવતા નથી.

આ બધી બાબતો બ્રિટીશ વડાપ્રધાન અને મંત્રી મંડળને સમજાવવામાં બાબા સાહેબ સફળ રહ્યા હતા.

એટલે બ્રિટીશ વડાપ્રધાન રામ્સે મેકડોનલ્ડે ગાંધીજીનો ભારે વિરોધ હોવા છતાં કમ્યુનલ એવોર્ડની (કોમી ચૂકાદો) ઘોષણાં કરી જેમાં અસ્પૃશ્યોના અલગ મતાધિકારની માંગણીઓ સ્વિકારવામાં આવી હતી.

ગાંધીજી અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર મળે તેવું શરૂઆતથી જ ઈચ્છતા ન હતા. અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર ન મળે તે માટે બીજી ગોળમેજી પરિષદમાં એમણે ઘણાંય કાવા દાવા કર્યા હતા. પણ ફાવ્યા ન હતા. એટલે આ મતાધિકારની માંગણી સ્વિકારાતા જ ગાંધીજીએ તેના વિરોધમાં આમરણાંત ઉપવાસની ઘોષણા કરી અને રાજકીય દૌડધામ શરૂ થઈ ગઈ.

ગાંધીજીએ અહીં પણ એક મોટી છલના કરી હતી. માત્ર કહેવા પુરતા જ તેમજ દેખાડવા પુરતા જ ગાંધીજી આ કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં ઉપવાસ પર બેઠા. 
પણ હકીકતમાં ગાંધીજી કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં નહી પણ તે અંતર્ગત અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારનો વિરોધ કરી રહ્યા હતા. કારણ પરીષદ પહેલા ગાંધીજી જેને જે પણ જોઈયે તે આપવા રાજી હતા. મુસ્લિમોની ચૌદ સુત્રીય માંગણી, શીખો અને એગ્લોં ઈન્ડીયનોને આપવાના અધિકારો આ બધી બાબતે રાજી હતા, સંમત હતા. ગાંધીજીનો વિરોધ ફક્ત અને ફક્ત અસ્પૃશ્યો માટે બાબા સાહેબે માંગેલા અલગ મતાધિકાર બાબતે જ હતો.

ગાંધીજીના ઉપવાસના પાંચ દિવસ પહેલા મદન મોહન માલવિયાની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે પરિષદ યોજાવાની હતી પણ પાછળથી એ પરિષદ મુંબઈમાં યોજાઈ. આ પરિષદમાં સમગ્ર ભારતના હિન્દુ નેતાઓ હાજર હતા. તેમાં બાબા સાહેબને પણ બોલાવવામાં આવેલા.

આ બેઠકમાં બાબા સાહેબે પોતાના વિચાર સ્પષ્ટ કરતા દ્રઢતાપૂર્વક કહ્યુ હતુ કે--
'' હું ગમે તે વિષયમાં વિચાર વિમર્શ કરવા તૈયાર છું પરંતુ અસ્પૃશ્યોના અધિકારમાં કોઈપણ પ્રકારનો કાપ સ્વિકારવા તૈયાર નથી. દુ:ખની વાત એ છે કે ગાંધીજી માત્ર અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો વિરોધ કરે છે, અને તેના માટે આત્મદ્રોહ કરવા ઈચ્છે છે. જે કમ્યુનલ એવોડઁમાં મુસલમાન, શીખ, એંગ્લો ઈન્ડીયન, યુરોપિયનોને પણ અલગ મતાધિકાર આપવામાં આવ્યો છે, જેનો વિરોધ કરતા નથી. મહાત્માજી કોઈ અમર વ્યક્તિ નથી અને કોન્ગ્રેસ પણ અમર નથી. આભડછેટ મટાડવા અને અસ્પૃશ્યોને હિન્દુ સમાજમાં ભેળવવાના ધ્યેયવાળા ઘણા મહાત્મા ભારતમાં થયા છે પરંતુ બધા જ પોતાના મિશનમાં સફળ થયા નથી. મહાત્મા આવ્યા અને ગયા બિચારા અસ્પૃશ્યો કાયમ દુ:ખી અસ્પૃશ્ય જ રહ્યા.''

ગાંધીજીના આ વિરોધ કરવાની વૃત્તિ બાબતે બાબા સાહેબે આગળ કહ્યું હતુ કે -
"આ બાબતે ખલનાયકની ભૂમિકા મારે માથે આવી પડી છે. પરંતુ હું જેને મારૂ પવિત્ર કર્તવ્ય માનું છું તેમાંથી સહેજ પણ પાછી પાની નહી કરૂ. હું મારા લોકોનો વિશ્વાસઘાત કદાપી નહીં કરૂ. પછી ભલે તમે લોકો મને નજીકના વીજળીના થાંભલે ફાંસીએ લટકાવી દો. તમે કોરા સિધ્ધાંતવાદી પંડિત અને દેશભક્ત લોકો જો અમને તમારા પોતિકા ના ગણતા હોય તો અમારા ઉપર સંયુક્ત મતાધિકાર લાદવાનો અને તમારા ધર્મ સાથે અમને ચોંટાડી રાખવાનો પણ કોઈ અધિકાર તમને નથી''

બાબા સાહેબ અસ્પૃશ્યો માટે ભારે સંઘર્ષ અને મહામહેનતે મેળવેલ અલગ મતાધિકાર ગૂમાવવા માંગતા ન હતા. બીજી બાજુ ગાંધીજી આમરણ ઉપવાસ કરીને ઈમોશનલી બ્લેકમેઈલ કરી રહ્યા હતા.

કોન્ગ્રેસ અને તેમના ચમચાઓ દેશભરમાં બાબા સાહેબનો વિરોધ કરી રહ્યા હતા. જાતિવાદી છાપાઓ પણ બાબા સાહેબને વિલન ચીતરી રહ્યા હતા.

ગાંધીજીની તબીયત લથડતી જતી હતી. ગાંધીજીનો જીવ જોખમમાં હતો. કોન્ગ્રેસના મોટાભાગના રાજનેતાઓ વારંવાર બાબા સાહેબને ગાંધીજીનો જીવ બચાવી લેવા સમજાવી રહ્યા હતા. વિનંતીઓ કરી રહ્યા હતા. બીજી તરફ બાબા સાહેબને દેશભરમાંથી ધમકીઓ આપવામાં આવી રહી હતી. પણ બાબા સાહેબ ઝૂકવા તૈયાર ન હતા.

ત્યારબાદ દેશભરમાં અસ્પૃશ્યો પર હિંસક હૂમલાઓ થવાનુ શરૂ થયું. અનેક જગ્યાએથી અસ્પૃશ્યોને જીવતા સળગાવી દેવાની તેમજ તેઓના સામૂહીક કત્લેઆમ કરી નાખવાની ધમકીઓ મળી રહી હતી.

બાબા સાહેબને પોતાના જીવની સહેજપણ પરવાહ ન હતી પરંતુ જો ગાંધીજીના જીવને નુકશાન થાય તો અસ્પૃશ્યોની સામુહીક કત્લેઆમ કરી દેવામાં આવે એવો માહોલ બની રહ્યો હતો.

આ કલ્પના બાબા સાહેબને ભારે ડરાવી રહી હતી. કારણ અસ્પૃશ્યો વગર અધિકારની કોઈ કિંમત ન હતી.
આખરે અસ્પૃશ્યોના હિત ખાતર હ્યદય પર પથ્થર મૂકીને બાબા સાહેબ ગાંધીની વાત માનવા તૈયાર થયા.
પછી બાબા સાહેબ અને ગાંધી વચ્ચે પૂનાની જેલમાં એક સમજૂતી થઈ જે પૂના કરાર નામે ઓળખાય છે. જેમાં બાબા સાહેબને અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકાર જતો કરવો પડ્યો. તેના બદલે અસ્પૃશ્યો માટે સંવિધાનમાં કેટલાક ખાસ અધિકાર આપવાની બાંહેધરી કે ખાતરી આપવામાં આવી હતી.

ઈતિહાસ ગવાહ છે. ગાંધીજીનો જીવ બચાવવા માંટે કરવામાં આવેલ પુનાકરારના પરિણામે અસ્પૃશ્યોએ ઘણું ગુમાવવું પડ્યું. જેનો બદલો મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધી ફરી અવતાર લે તો પણ ચુકવી શકાય તેમ નથી.
#ગાંધી_કોન્ગ્રેસના_કાવાદાવા
- જિગર શ્યામલન

No comments:

Post a Comment