June 20, 2018

મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.

By Raju Solanki  || 12 April 2018



“મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.” આ ના ચાલે.

ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ભાજપનો કોઈપણ નેતા હાથ લગાડશે તો અમે તેનો વિરોધ કરીશું, આવો એક કૉલ અપાયો છે.

કેટલાક લોકોએ આ કૉલ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓ કહે છે, 14મી એપ્રિલ દલિતોની દિવાળી છે. 14મી એપ્રિલ દલિતોના પરમ પૂજ્ય બાબાસાહેબનો જન્મ દિવસ છે. આ દિવસે તો બધાને આવકારવા જ જોઇએ. વગેરે વગેરે.

ઘણા લોકો જૈનોનો દાખલો આપે છે. જૈનો પણ લઘુમતી દરજ્જા માટે લડતા હતા. એમણે એમના આંદોલન દરમિયાન ક્યારેય એવું કહ્યું કે, “કોઇપણ રાજકારણીને અમારા મહાવીર સ્વામીને હાથ નહીં લગાડવા દઇએ.” મહાવીર સ્વામીનો ક્યારેય રાજકારણમાં ઉપયોગ થયો? મહાવીર સ્વામી રાજકારણથી પર છે. મહાવીર જયંતીએ રાજકારણ રમવાનું ના હોય.

આ જ દલીલ, આ જ તર્ક બાબાસાહેબની જયંતીને લાગુ ના પડે?
લાગુ પડે જ. ચોક્કસ.

પણ પહેલા એ સવાલેય પૂછો કે, મહાવીર સ્વામીએ કોંગ્રેસ કે ભાજપ વિષે કંઈ કહ્યું છે ખરું? મહાવીર સ્વામીએ તો ‘મોક્ષ’ મેળવવા મથતા ‘મુમુક્ષુઓ’ને માર્ગ ચીંધ્યો છે. મહાવીર સ્વામીએ તો આ લોક કરતા પરલોકની વધારે ચિંતા કરી છે. મહાવીર સ્વામીએ ‘જાતિ નિર્મૂલન’ (Annihilation of caste) કે પછી ‘કોંગ્રેસ અને ગાંધીએ અછૂતો માટે શું કર્યું?’ (What Congress and Gandhi have done to the untouchables?) એવા કોઈ પુસ્તકો લખ્યા નથી.

એટલે, દોસ્તો. તમે મહાવીર સ્વામીના નામે રાજનીતિ રમો કે ના રમો. કોઈ ફેર પડતો નથી. પરંતુ જ્યારે તમે બાબાસાહેબના નામે રાજનીતિ રમવા જાવ ત્યારે થોડું ધ્યાન રાખજો. બાબાસાહેબ બહુ અઘરા છે. એમને પચાવવા માટે કોંગ્રેસી કે સંઘી હોજરી ના ચાલે. હોજરીમાં કાણાં પડી જાય. 
તમે નામ લો બાબાસાહેબનું અને કામ કરો કોંગ્રેસ-ભાજપનું. એ ના ચાલે.
“મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.” આ ના ચાલે.

- Raju Solanki

No comments:

Post a Comment