By Raju Solanki || 11 April 2018
ઘણા લોકોને એ સમજાયું નહીં કે બીજી એપ્રિલે આટલા બધા લોકો હાથમાં વાદળી ઝંડા લઇને કઈ રીતે નીકળી પડ્યા? ‘જય ભીમ’ના નારા સાથે એમણે ટ્રેનો રોકી, રસ્તા રોક્યા, પોલિસનો સામનો કર્યો, ધરપકડો વહોરી, ગુંડાઓની ગોળીઓ છાતીમાં ખાધી. કઈ રીતે થયું? આમ અચાનક? શું આ લોકો 2019માં નેહરુ ખાનદાનના યુવરાજ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા નીકળ્યા હતા? ના. હરગીઝ નહીં.
આ તો એક દાવાનળ હતો, જે દાયકાઓથી ઉપખંડ જેવા એક વિશાળ દેશની સૌથી દબાયેલી કચડાયેલી પ્રજાની સામૂહિક ચેતના (collective consciousness)ની ભીતરમાં ભભૂકતો હતો. તમે સપાટી પર જે ધૂમાડો જોયો એનાથી આ દાવાનળની તીવ્રતાનો તમને લગીરે ખ્યાલ નહીં આવે.
અને જો તમે ‘આંબેડકરી ચળવળ’ નામની એક યુગપ્રવર્તક ઘટનાને જાણતા-સમજતા ના હો, તો તમને સહેજ પણ નહીં સમજાય કે છેલ્લા સો વર્ષની એક મહાન, સાતત્યપૂર્ણ, દૂરોગામી અસરો ધરાવતી ચળવળનું આ પરીણામ છે, જેમાં હજારો નિ:સ્વાર્થ, પ્રતિબદ્ધ લોકોએ પોતાનો લોહી-પસીનો રેડીને એમના સૂતેલા સમાજને જગાડવા દિવસ-રાત મહેનત કરી છે. આ એવા લોકો છે જેમના નામ તમે મીડીયાની હેડલાઇન્સમાં વાંચ્યા નથી, ટીવીની ડિબેટોમાં સાંભળ્યા નથી. એ લોકો સાચા અર્થમાં મારા, તમારા સમાજના unsung heroes છે. વીસ કરોડની વિશાળ જનસંખ્યા ધરાવતી, સમગ્ર દેશમાં પથરાયેલી અનુસૂચિત જાતિઓને એક માળામાં પરોવવા આ મહાનાયકોએ એમની જિંદગીઓ કુરબાન કરી છે.
શેખર ગુપ્તા, સાગરિકા ઘોષ, રાજદીપ સરદેસાઈ, ઉર્મિલેશ, ભાનુપ્રતાપ મહેતા જેવા મનુસ્ટ્રીમ મીડીયાના કહેવાતા પ્રબુદ્ધ (enlightened) પત્રકારો આ આંબેડકરી ચળવળને ‘સેક્યુલર, ડેમોક્રેટિક, લીબરલ, લેફ્ટ’ની પરીભાષામાં સમજવા અને સમજાવવા હાલ રીતસર તરફડીયા મારી રહ્યા છે. કેમ કે, એમના તમામ શુભાશયો છેવટે તો આવા દલિત-વિદ્રોહને કોંગ્રેસની મતપેટી સુધી જ સીમિત રાખવાની મથામણનો ભાગ છે. પણ મને કહેવા દો, આ દલિત-વિદ્રોહ ‘લેફ્ટ-રાઇટ’ના આભાસી વૈચારિક દ્વન્દ્વથી પર, કોંગ્રેસ-ભાજપના રાજકીય ધ્રુવીકરણથી દૂર દલિત-બહુજનની ભાગીદારીની નક્કર જમીન પર વટવૃક્ષ બનીને પાંગરવાનો છે.
- Raju Solanki
No comments:
Post a Comment