May 27, 2018

જન્મજાત આંદોલનકારી, નખશિખ આંબેડકરવાદી નારણ વોરા

By Raju Solanki  || 22 April 2018 


ગુજરાતની આંબેડકરી ચળવળના મશાલચી, દલિત પેંથરના દિગ્ગજ નેતા દિવંગત નારણ વોરાના અમદુપુરા-સ્થિત નિવાસસ્થાનની આજે અમે મુલાકાત લીધી. તેમના પત્ની સેમીબેનના ખબર અંતર પૂછ્યા. સેમીબેન લાંબા સમયથી પથારીવશ છે. થોડાક સમય પહેલાં એમને પક્ષાઘાતનો હૂમલો આવેલો, તેથી ચાલી શકતા નથી. પરંતુ તેમની યાદશક્તિ એકદમ સાબૂત છે. નારણભાઈની વાત કરતા કરતા એમના ગળે ડૂમો બાઝી ગયો હતો. બત્રીસ વર્ષ પહેલાં અચાનક વિદાય લેનારા પતિની યાદમાં તેમની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. સામે ભીંત પર લટકતા ફોટાઓ સામે આંગળી ચીંધીને કહ્યું કે, “એમના ગયા પછી મારા બંને દીકરા પણ મરી ગયા. છેલ્લી ઘડીએ એમનો મેળાપ પણ ના થયો. એ મંદિરોમાં માનતા નહોતા, તોય મને કહ્યું કે સેમી જા, રણુજા જઈ આવ. હું રણુંજા ગઈ અને અહીં એમનો દેહ પડ્યો. એમનું શરીર એકદમ ઠંડુ પડી ગયેલું.” નારણભાઈ હાર્ટ એટેકથી ગુજરી ગયેલા અને ત્યારે એમની ઉંમર પચાસ વર્ષની પણ નહોતી. એમને ઇમરજન્સી સારવાર મળી નહોતી. સમાજ માટે લડનારો એક મહાન યોદ્ધો અંગત, આર્થિક વિટંબણાઓ સામે હારી ગયો હતો.

નારણ વોરા, રમેશચંદ્ર પરમાર, વાલજીભાઈ પટેલની ત્રિપુટીએ વીસમી સદીના સાતમા દાયકામાં રીપબ્લિકન પક્ષના વિઘટન અને બિખરાવ પછી ગુજરાતની વેરવિખેર અનુસૂચિત જાતિઓને ‘દલિત પેંથર’ના નેજા નીચે સંગઠીત કરવાનો ખમીરવંતો પ્રયાસ કર્યો હતો. “ત્યારે મારા સ્કુટરની એક બાજુ નારણભાઈ અને બીજી બાજુ રમેશભાઈ સાયકલ પર નીકળતા. ક્યારેક બંને જણા મારા ખભા પકડી લેતા અને હું સ્કુટર દોડાવી દેતો. એ રીતે અમે ચાલીઓ ખૂંદતા હતા,” વાલજીભાઈ પટેલ એમના દિવંગત સાથીદારો સાથે ચલાવેલા આંદોલનને કંઈક આ રીતે પરિભાષિત કરે છે. ત્યારે દલિત નેતાઓ ફોર વ્હીલર ગાડીઓમાં ફરતા નહોતા. સાઇકલોથી ખેંચાતો હતો બાબાસાહેબનો રથ.

નારણ વોરાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવો અમદુપુરા વિસ્તાર 1960ના ઐતિહાસિક ભૂમિ આંદોલનથી માંડીને 1968ના ડૉ. બાબાસાહેબ આંબેડકર તૈલચિત્ર આંદોલનનું ઉર્જાવાન, પ્રાણવાન નાભિકેન્દ્ર હતો. ત્યારે કોંગ્રેસ પક્ષને બાબાસાહેબ તરફ અપાર સૂગ હતી અને ગુજરાતની વિધાનસભામાં બાબાસાહેબનું તૈલચિત્ર મુકાવવા માટે પણ દલિતોને આંદોલન કરવું પડેલું. ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર તૈલચિત્ર સમિતિ’ની રચના કરવી પડેલી. સમિતિની પહેલી જાહેર સભા (ત્યારે તુલસી કાંટાથી ઓળખાતા) અમદુપુરાના આંબેડકર ચોકમાં ભરાઈ હતી. આઠ આઠ વર્ષના પ્રલંબ આંદોલન પછી છેક 1976માં તત્કાલીન રાજ્યપાલ કે. કે. વિશ્વનાથનના હસ્તે વિધાનસભ્યો માટેના આરામકક્ષમાં (વિધાનસભાગૃહમાં તો નહીં જ) આ તૈલચિત્ર મુકાયું હતું. ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. આ આંદોલનમાં પણ નારણ વોરાનો સિંહફાળો હતો.

1966માં ભૂમિ આંદોલન ટાણે નારણ વોરાએ અઢી મહિનાનો કારાવાસ વેઠ્યો હતો. જેલવાસ દરમિયાન માની હાલત કથળી હતી, પેરોલ પર છૂટવા માટે સરકારને કગરે એ બીજા, નારણ વોરા નહીં. માતા દલિત દિપડાનું મોઢું જોયા વિના જ મૃત્યુ પામ્યા. 1981ના અનામતવિરોધી આંદોલન વખતે “દલિતોની અનામત સાથે ચેડાં થશે તો ગુજરાત ભડકે બળશે,” એવા નારણ વોરાના નિવેદનની ગુજરાતના અખબારોએ મન-કમને પણ નોંધ લીધી હતી અને સરકારે સૌ પહેલાં તેમને જેલમાં પૂરી દીધા હતા. એ વખતે પણ જેલમાં હતા ત્યારે એમના બનેવી પોલિસની ગોળીનો ભોગ બન્યા, જવાનજોધ બહેન વિધવા બની. પણ નારણ વોરાએ પારોઠના પગલાં ભર્યા નહીં.

આખી જિંદગી મિલમાં નોકરી કર્યા પછી પણ વારંવાર રજાઓ પાડવાથી પીએફ કે ગ્રેજ્યુઇટી કશું જ ના મળ્યા. જિંદગીના અંતિમ વર્ષોમાં અત્યંત અકિંચન અવસ્થામાં નારણ વોરાએ બેહદ લાચારી અનુભવી હતી. નારણ વોરાએ ધાર્યુ હોત તો કોંગ્રેસમાં જોડાઈને કોર્પોરેટર કે ધારાસભ્ય થઈ શક્યા હોત. આજે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, તો પણ 2019માં રાહુલ ગાંધી વડાપ્રધાન થશે તેવી આશામાં ઘણા લોકો લાળ પાડે છે, તો નારણ વોરાના સમયમાં તો કોંગ્રેસનો સુવર્ણયુગ હતો. પરંતુ, નારણ વોરા જન્મજાત આંદોનલનકારી હતા અને નખશિખ આંબેડકરવાદી હતા. રીપબ્લિકન પક્ષમાં તેમનું ઘડતર થયું હતું, આજે આપણે જોઇએ છીએ કે કેવા કેવા ધૂરંધરો દલિત ક્રાંતિની પીપૂડી વગાડતા વગાડતા કોંગ્રેસમાં (કે ભાજપમાં) સેટિંગ કરે છે અને સમાજ તેમને ક્રાંતિકારી યોદ્ધાના બિરુદો પણ આપે છે.

નારણ વોરાએ ક્યારેય રાજકીય સમાધાનો કર્યા નહીં. ખુદ્દારીથી જીવવાની કારમી કિંમત ચૂકવી. હવે સમાજે એના આવા ભડવીર સંતાનને મોડો મોડોય પોંખવો પડે. અનામતનો લાભ લઇને બેઠેલા સરકારી કર્મચારીઓ માટે ઋણ ઉતારવાની આ ઘડી છે. ગઈ ચૌદમી એપ્રિલે આ જ અમદુપુરા ચોકમાં યોજાએલી સભામાં મેં નારણ વોરા સન્માન સમિતિ રચવાની ઇચ્છા પ્રગટ કરી હતી. મારી ઇચ્છા સમગ્ર દલિત સમાજની બનશે?

(તસવીરો 1. નારણ વોરાના પત્ની સેમીબેન, 2. એમના પરીવારજનોની તસવીર, 3. પેંથર મેગેઝિનનો પ્રથમ અંક, જેના તંત્રીપદે નારણ વોરાનું નામ છે, 4. નારણ વોરા, 5. બાબાસાહેબના તૈલચિત્રના ચિત્રકાર શાંતિલાલ શાહ સાથે નારણ વોરા અને વાલજીભાઈ પટેલ)








Raju Solanki

No comments:

Post a Comment